કૌભાંડ કરવાની કળા લોકો આપમેળે ત્વરિત શીખી લે છે


કૌભાંડ કરવાની કળા લોકો આપમેળે ત્વરિત શીખી લે છે

પૈસો સર્વસ્વ બન્યો ત્યારથી કૌભાંડ વધ્યા

કેટલાક સમાજમાં કૌભાંડીઓના ઘરમાં દીકરી પરણાવવામાં ગૌરવ મનાય છે


નાદારી નોંધાવવી, લોકોના પૈસાનો ચૂનો લગાવવો, બેંકોને ફેરવવી વગેરેને બાહોશી ગણવામાં આવે છે. બીજાના પૈસે ધંધો કરવો એ સાચા બિઝનેસમેનની નિશાની છે એમ કહેવાતું આવ્યું છે. હર્ષદ મહેતા હોય કે નિરવ મોદી હોય પણ આ લોકો પાસેથી કૌભાંડ કરવાની કળા લોકો શીખતા હોય છે.

લોકોને આંબલી-પીપળી બતાવીને છેતરતી એક 'કોમ' છે. દરેક જ્ઞાાતિમાં આવી કોમના લોકો છે. આ લોકો સમાજમાં ટોપ પર હોય છે અને તેમનો પ્રભાવ બતાવીને લોકોને સપડાવે છે.

લોકોનું ખાઇ જવું, લીધેલું પાછું ના આપવું, કોઇની જમીન પચાવી પાડવી એ શીખવાના કોઇ પાઠ નથી હોતા. ''પર ધન નવ ઝાલે હાથ રૈ'' એ કવિતા ભણતા - ભણતા સૌ મોટા થયા છે. કોઇ ધર્મ આવા પાઠ નથી શીખવાડતો છતાં ચોમેર કરૃબાજો નજરે પડે છે.

છેતરપિંડી કરતો અને તેનામાં રચ્યો-પચ્યો રહેતો એક આખો વર્ગ છે. પૉન્ઝી સ્કીમ હોય કે બિલ્ડરો દ્વારા અપાતી પ્લોટ સ્કીમ હોય કે તગડું વ્યાજ આપતી ક્રેડીટ સોસાયટી હોય કે લોભામણી સ્કીમો હોય તે બધા જ વહેલા-મોડા ફડચામાં જાય છે. ફડચામાં જવું, ઊઠમણું કરવું, લોકોના પૈસા વાપરી નાખવા વગેરેમાં મા-માસી જેવો સંબંધ હોય છે.

લોકોનું દબાવી દેવાની નીતિ એક પ્રકારની ટેન્ડન્સી બનતી જાય છે. આવી નીતિને ટોકનાર ઓછા હોય છે અને ટેકો આપનાર વધુ હોય છે. ભારત દેશ આઝાદ થયો પછી પૈસાદાર અને ગરીબ વચ્ચેની ખાઇ વધતી ગઇ છે. આ ખાઇ જેટલી મોટી એટલા ભ્રષ્ટાચાર વધુ, એટલી છેતરપિંડી વધુ એમ સમજી લેવું જોઇએ.

એક સમય હતો કે જ્યારે લૂંટારાઓ અશિક્ષિત હતા અને બુકાની પહેરીને લૂંટ ચલાવી ભાગી જતા હતા. રવિશંકર મહારાજ આ લૂંટારાને મેઇન-સ્ટ્રીમમાં લઇ આવ્યા હતા. આ લૂંટારા બે-પાંચ લાખ લૂંટીને જીંદગીભર ભાગતા ફરતા હતા. જ્યારે ભણેલા-ગણેલા વ્હાઇટ કોલર લૂંટારા દેશને લૂંટતા જાય છે અને રાજાશાહી ઠાઠ ભોગવતા જાય છે. આવા લોકો વકીલો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની ફોજ રાખતા હોય છે.

સમાજમાં એક વર્ગ એવો છે કે જે લગ્ન માટે દિકરી માટે છોકરો પસંદ કરતાં પૂછે છે કે એણે લોકોનું કે બેંકનું કેટલી વાર 'કરી' નાખ્યું છે ? 'કરી' નાખવું એટલે લોકોને છેતરવા !! દિકરીનો પિતા આવા છોકરાને બાહોશ અને સમૃધ્ધ સમજે છે. આવા કરૃબાજના ઘરમાં દિકરી જાય તો તે આજીવન ખુશ રહે.

જેમ જેમ સમાજમાં પૈસાનું વર્ચસ્વ વધવા લાગ્યું એમ એમ લોકો પૈસા કમાવવાના વિવિધ રસ્તા શોધવા લાગ્યા. કોઇને છેતર્યા સિવાય કે કોઇને ગેરમાર્ગે દોર્યા સિવાય કે પૈસો નથી મળતો એમ જાણ્યા પછી સૌથી વધુ ભણેલો પણ વહેલા પૈસાદાર થવા નીત-નવી ટ્રીક્સ અપનાવવા લાગે છે. જુઠ્ઠું બોલવાથી થતા લાભને તે ગણવા માંડે છે.

આ લોકો કાયદાની છટકબારી બહુ સારી રીતે સમજે છે. તે જાણે છે કે પકડાઇશું તો વધુમાં વધુ કેટલી સજા થઇ શકે. ચાર-પાંચ વર્ષની સજા ભોગવવામાં તેમને વાંધો નથી હોતો. સરકાર એને સજા ભોગવીને છોડે છે પછી તે ફરી પાછો તે જુના ધંધામાં લાગી જાય છે.

આર્થિક કૌભાંડોમાં રચ્યા-પચ્યા રહેતા લોકો વગદારને શોધે છે, બેંકોમાં ચાલતી કૌભાંડી સિન્ડીકેટને તે શોધે છે. પૈસા વગર ધંધો શક્ય નથી અને પૈસા મેળવવા બંેક સિવાયનું કોઇ નબળું કેન્દ્ર નથી.

ભારતના લોકો બેંકોના એક લાખ કરોડ રૃપિયા દબાવીને બેઠા છે. આ લોકો પૈસા ભરવા સક્ષમ છે છતાં બેંકોને 'ડીંગો' બતાવે છે. દરેક જાણે છે કે મૃત્યુ પછી બધું અહીં જ મૂકીને જવાનું છે છતાં કોઇ સુધરવા તૈયાર નથી.

બે નંબરીયા કે શોષણખોરોના ઘેર લક્ષ્મીજી ડેરા-તંબુ નાખીને બેઠા હોય છે એમ સામાન્ય વર્ગ માને છે પરંતુ આ 'પૈસો' છે. લક્ષ્મીદેવીની કૃપા પ્રમાણિક લોકો પર ઉતરે છે. આ લક્ષ્મી એટલે શાંત-પ્રકૃતિ.

આપણે ત્યાં કહેવત છે કે દિકરી અને ગાય દોરે ત્યાં જાય પરંતુ હકીકતે આ કહેવત છે લક્ષ્મી અને ગાય દોરે ત્યાં જાય !!

ગામના પૈસે ધંધો કરવાને આવડત કહી શકાય પરંતુ તે દબાવી દેવાને છેતરપીંડી કહેવાય. જેનો વ્યવહાર સારો હોય તેને દરેક ધીરવા તૈયાર થાય છે. પોતાનું બધું વેચીને પણ લીધેલા ચૂકવવાન કોન્સેપ્ટ ક્યારનોય ભૂલાઈ ગયો છે. આર્થિક વ્યવહારો ચોખ્ખા રાખવાનું શિક્ષાપત્રી શીખવે છે પરંતુ તે કોઈ અમલમાં નથી મુક્તું. આશા રાખીએ કે ન્યુ ઇન્ડિયામાં લોકોનું લીધેલું પાછું આપવાનો કોન્સેપ્ટ શરૃ થાય.
 

More Stories:-


Post Your Comment