શ્રીનગર પર ત્રાસવાદીઓની પકડ : મહેબુબાની લાચાર સ્થિતિ


શ્રીનગર પર ત્રાસવાદીઓની પકડ : મહેબુબાની લાચાર સ્થિતિ

તોઈબાના ત્રાસવાદીને ફિલ્મી ઢબે છોડાવાયો

ત્રાસવાદ નાથવા નવેસરથી વ્યૂહરચના ગોઠવવા કેન્દ્રને અનુરોધ


શ્રીનગરની હોસ્પિટલમાંથી ત્રાસવાદીઓ પોતાના સાથીને છોડાવી ગયા. સુયોજીત કાવત્રું હતું. ભારતના સલામતી દળોની નજર સામે બે પોલીસોને પોઈંટ બ્લેન્ક રેન્જથી ઠાર મારીને ત્રાસવાદીઓ પોતાના ઓપરેશનમાં સફળ રહ્યા હતા.

ત્રાસવાદીઓ સરહદે ઘૂસણખોરી કરવામાં સફળ થાય છે, પથ્થરમારો કરતાં યુવાનો સફળ થાય છે, હુરીયતના નેતાઓને પૈસા આપવામાં ભાગલાવાદીઓ સફળ થાય છે. આ સ્થિતિમાં દરેકના મનમાં એક જ પ્રશ્ન આવે છે કે સલામતી દળના અધિકારીઓ કરે છે શું ? સરહદો પોલી છે, સુરક્ષા તંત્ર ભ્રષ્ટ છે, ભારતના લશ્કરને જોઈને નથી તો ત્રાસવાદી ડરતો કે નથી તો કાશ્મીરના ભાગલાવાદી તત્વો ડરતા !! આખો દેશ કાશ્મીરનો હિંસાચાર જોવે છે અને નવલોહીયાઓને શહીદ થતા જોયા કરે છે.

શ્રીનગર હોસ્પિટલ પર હુમલાની ઘટના એ ફિલ્મી સ્ટોરી છે. ત્રાસવાદીઓ હોસ્પિટલમાં આવવાના હતા, ચેકઅપ માટે ક્યા રૃમમાં હશે, સાથે ક્યા કોન્સટેબલ હશે તે બધાની ગણત્રી કરીને હોસ્પિટલમાં હુમલો કરાયો હતો.

લશ્કરે તોઈબાનો આતંકવાદી સારવાર લેવા આવે ત્યારે નબળી સુરક્ષા હોય એ કેવું ? સોશ્યલ નેટવર્ક તો એવી ટીકા કરે છે કે લશ્કર એ તોઈબાના આતંકવાદીને હોસ્પિટલમાં લાવ્યા જ શા માટે ? તેને ફૂંકી જ મારવો જોઈતો હતો. કાશ્મીર કોઈ આરટીઆઈ થઈ શકતી નથી પણ મુખ્ય પ્રધાન મહેબુબાએ સ્પષ્ટતા કરવાની જરૃર છે કે કેટલા આતંકવાદીઓ જેલમાં છે અને કેટલા હોસ્પિટલમાં પડેલા છે. ભારત સરકાર આ લોકોની મફતમાં આગતા-સ્વાગતા કરે છે.

સરકાર કહે છે કે અમે ત્રાસવાદીઓને પકડવાના બદલે ફૂંકી મારવાના આદેશ આપેલા છે. પછી રાજ્ય સરકાર ભાગલાવાદી તત્વો તરફી હોય એમ લાગે છે તો કેન્દ્ર સરકાર ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવાની દિશામાં છે.

શ્રીનગર ત્રાસવાદીઓના કબજામાં હોય એવું વાતાવરણ ઉભું કરાયું છે. મહેબુબા સરકાર બેક્ફૂટ પર છે. રાજ્ય સરકારના વિરોધીઓ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ઈચ્છે છે. ત્રાસવાદીઓ સમગ્ર કાશ્મીરમાં એક પ્રકારનો ભ્રામક કબજો જમાવીને બેઠા છે.

ત્રાસવાદના સમર્થક યુવાનો બેફામ પથ્થરમારો કરી શકે, લશ્કરના જવાનોએ નિયત કરેલા રૃટ પરથી ગાડી ચલાવવી પડે જેવી સ્થિતિ બતાવે છે કે શ્રીનગરમાં ત્રાસવાદીઓની તાકાત વધતી જાય છે. કાશ્મીરના પોલીસોનું છૂપું ભ્રષ્ટ તંત્ર અને નબળા રાજકારણીઓએ ત્રાસવાદીઓને ત્રાસ ફેલાવવાનું મોકળું મેદાન પૂરું પાડયું છે.

શ્રીનગરની હોસ્પિટલમાં થયેલા હુમલાથી સુરક્ષાતંત્રની બેદરકારી નજરમાં આવી છે. પ્રજા માને છે કે ત્રાસવાદીઓ જો ધરતી પર બોજ સમાન હોય તો તેમનો સફાયો બોલાવવો જોઈએ તેમ છતાં તેમને જેલમાં વીઆઈપી સવલતો અપાય છે.

લાગે છે કે ભારતે ત્રાસવાદીઓ તરફ કૂણી દ્રષ્ટિ રાખવી બંધ કરી સફાયામાં લાગી જવું પડશે. ભારત બહુ વિચારે છે. તેને ઈન્ટરનેશનલ કોમ્યુનીટીનો ડર છે. જ્યારે પાકિસ્તાનને કાશ્મીર સીવાય કશું દેખાતું નથી.
ડિપ્લોમેટીક વોરમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું છે. અમેરિકાની મદદ ભલે ભારતે બંધ ના કરાવી હોય પણ ભારતની રજૂઆતોના પગલે જ અમેરિકાએ નિર્ણય લીધો હતો અને હાફીઝ સઈદના અમેરિકા વિરોધી વલણે બળતામાં ઘી હોમ્યું હતું.

અમેરિકાએ ટેકો પાછો ખેંચ્યા છતાં પાકિસ્તાનની નફ્ફટાઈમાં કોઈ સુધારો થયો નહોતો. ઘૂસણખોરોના ધાડે-ધાડાં ભારતમાં ઘૂસાડવાના પ્રયાસ કરાયા હતા.

પાકિસ્તાનને બદનામીનો કોઈ ડર નથી. ભારતના વધુ પડતા ઉદારમતવાદી સ્વભાવથી પાકિસ્તાનને જોઈતું મેદાન મળી ગયું છે. પાકિસ્તાનને અમેરિકાએ સહાય નહીં આપીને મુંઝવી માર્યું છે તો બીજી તરફ ચીન તેની પીઠ થપથપાવે છે. ભારતના બે દુશ્મનો અંદરખાને 'એક' થઈ ગયા છે. ચીન હાલમાં મિત્ર ભાવે ભારત સાથે છે પરંતુ તેનો ભરોસો રાખી શકાય એમ નથી.

સામાન્ય માણસ ભારત માતા કી જય બોલ્યા સીવાય બીજું કશું કરી શકતો નથી પણ છેલ્લા એક મહિનામાં સરહદે થતી ઘૂસણખોરી અને ભારતના શહીદ જવાનોની વધતી સંખ્યા જોઈને એમ લાગે છે કે પાકિસ્તાન તેના ગંદા હાથ શ્રીનગર સુધી લંબાવી ચૂક્યું છે.
 

More Stories:-


Post Your Comment