સ્ટેચ્યુ ભોંય ભેગું કરવાથી શું વળે? સળગતી સમસ્યા નિવારો તો ખરા!!


સ્ટેચ્યુ ભોંય ભેગું કરવાથી શું વળે? સળગતી સમસ્યા નિવારો તો ખરા!!

વિજયના ઉન્માદની હિંસક ઉજવણી

રોષે ભરાયેલા લોકો લેનિન નહીં સરદાર પટેલનું સ્ટેચ્યુ ઈચ્છે છે


લેનિનનું સ્ટેચ્યુ ઉખેડવાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ત્રિપુરામાં ૩ દિવસમાં ૭૦૦ અથડામણો નોંધાઈ છે. ભાજપ વિજયની ખુશીમાં ત્રણ દિવસ ફટાકડા ફોડે ત્યાં સુધી ઠીક છે પણ ત્રણ દિવસ સ્ટેચ્યુ ઉખેડવાના તોફાનો કરે તે આઘાતજનક છે. સત્તા પર આવ્યા તેવા જ વર્તાયા જેવી સ્થિતિ ભાજપની છે. જે વસ્તુ પડદા પાછળ થવી જોઈએ તે વસ્તુ ભાજપવાળા જાહેરમાં કરે છે.

સ્ટેચ્યુ ઉખેડવાના કે તેની ક્ષતિ પહોંચાડવાના વાયરસ કોલકત્તાથી માંડીને મેરઠ સુધી પ્રસર્યા છે. ત્રિપુરામાં ભાજપનો ભવ્ય વિજય એ આવકારદાયક છે પણ પૂતળાં તોડવાનો ધંધો નફરત પ્રસરાવનારો છે. ભાજપ પાસે હવે ૨૧ રાજ્યોમાં સરકાર છે તેનો અર્થ એ નથી કે તેને તોફાન કરવાનું લાયસન્સ મળી ગયું છે.

ડાબેરી પક્ષો લેનિનના ધ્વંસ પૂતળા અંગે ખોટા આંસુ સારે છે. કેરળમાં ડાબેરી પ્રેરિત હિંસાચારે સેંકડો માનવ જીવ લીધા છે. ત્યારે લેનિનના પૂતળા ધ્વંસનો વિરોધ કરનારા ચૂપ બેઠા હતા. માનવ જીવો મોંઘા કે સોવિયેત રશિયાના વડા લેનિનનું પૂતળું મહત્ત્વનું?

ત્રિપુરામાં હિંસાચાર અને તોફાનોનો ખેલ રમતા લોકોને ડાબેરી પક્ષોએ શીખવ્યું હતું. ૨૫ વર્ષ દરમ્યાન ત્રિપુરામાં ડાબેરી શાસને મનમાની કરી કે કેરળમાં ડાબેરીઓએ સંઘના કાર્યકરોને વીણી વીણીને માર્યા ત્યારે સંસદમાં કોઈ ઉહાપોહ નહોતો થયો પરંતુ આજે જ્યારે નિર્જીવ ધૂળ ખાતા પૂતળાને તોડાયું ત્યારે અચાનક લેનિન પ્રેમ જાગી ઉઠતાં આશ્ચર્ય થાય છે.

સ્ટેચ્યુ તોડવાની નીતિને દરેકે વખોડી છે, સ્ટેચ્યુ તોડવાથી સમય બદલાતો નથી. કેટલાંક લેનિન જેવા સ્ટેચ્યુ તો એમ દર્શાવે છે કે આપણા નેતાઓ વિદેશની વિચારસરણીના ગુલામ હતા. આ ગુલામીભર્યા વિચારને એવી રીતે નવાજવામાં આવતી હતી કે રશિયામાં વરસાદ પડે તો ડાબેરી વિચાર ભારતમાં છત્રી ખોલીને બેસતો હતો.

પ્રજાનો રોષ બગદાદમાં એક સમયના સુપરહિરો સદ્દામ હુસેન પર પણ ઉતર્યો હતો. સદ્દામ જેવા શાસકથી પ્રજા ત્રસ્ત હતી. જે દિવસે અમેરિકી સૈનિકોએ સદ્દામને બોચીમાંથી પકડયો એ દિવસે બગદાદના લોકોએ સદ્દામનું વિશાળ સ્ટેચ્યુ તોડી પાડયું હતું. પ્રજાના રોષ આગળ ઘણીવાર સત્તાધીશો લાચાર બની જાય છે.

જ્યારે પણ કોઈ રાજકીય ભૂકંપ જેવી ઘટના બનતી હોય છે ત્યારે પ્રજા સખત પ્રતિભાવ આપે છે. ઉદાહરણ તરીકે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે કોંગીજનોએ દિલ્હીના શીખો પર રોષ ઉતાર્યો હતો તે વખતના વડાપ્રધાન રાજીવ ગાંધીએ પ્રત્યાઘાત આપતા કહ્યું હતું કે જ્યારે કોઈ વટવૃક્ષ પડે ત્યારે આજુબાજુની જમીન હાલતી હોય છે.

ત્રિપુરામાં ડાબેરી સરકારનો ધ્વંસ એ રાજકીય ભૂકંપ સમાન છે, આ ભૂકંપથી આજુબાજુની જમીન હાલે તે સ્વભાવિક છે. એવો જવાબ આપવાની ચતુરાઈ ભાજપ પાસે નથી.

પૂતળાનું રાજકારણ સંસદ પરથી સડક પર પહોંચ્યું છે. વિજયના મદમાં તોફાનો ના પ્રસરે તે જોવાની ફરજ ભાજપની છે. આવી વિસ્ફોટક સ્થિતિનો લાભ તોફાની તત્ત્વો ઉઠાવતા હોય છે. ભાજપ માટે વિજયને પચાવવાના દિવસો છે.

ત્રિપુરાનું યંગ જનરેશન કહે છે કે ડાબેરી વિચારકોના પૂતળા હટાવીને તે સ્થળે સરદાર પટેલના સ્ટેચ્યુ મુકવા જોઈએ. તેમના આ વિચાર સાથે ત્રિપુરાની નવી સરકારે સંમત થઈને સરદાર પટેલના સ્ટેચ્યુના ઓર્ડર ઈસ્યુ કરવા જોઈએ.

લોકોને સોવિયેત સંઘના લેનિન ગમે કે લોખંડી પુરુષ સરદાર પટેલ ગમે તેનો સર્વે કરાયા બાદ લેનિનના ધ્વંસ સ્ટેચ્યુની જગ્યાએ બીજી વ્યવસ્થા કરવા નિર્ણય કરવો જોઈએ.

હકીકત એ છે કે લેનિનના પૂતળાં તોડવામાં કે તેના વિવાદમાં સમય ફાળવવાના બદલે સરકારે વર્તમાન સમસ્યાઓ પર નજર રાખવાની જરૃર છે.

પોતાના દેશનું ખાવું અને દેશનું જ ખોદવું એવા વિચારો; સંસદ ભવન પર હુમલાના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરૃની વરસી ના ઉજવવી જોઇએ જેવી કોમન સેન્સ પણ નહીં ધરાવનારાને દેશના મુખ્ય પ્રવાહે સાઇડમાં ધકેલી દીધા હતા.

ત્રિપુરામાં ભાજપનો ભગવો ફરક્યા બાદ લેનિનનું પૂતળું જડમૂળથી ઉખાડીને લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

જ્યારે બુલડોઝરથી લેનિનનું પૂતળું તૂટતું જોયું ત્યારે સદ્દામ હુસેનનું તૂટતું પૂતળું યાદ આવે છે. લેનિન એક વિચારને વરેલા હતા. લેનિનના પૂતળાં ભારતમાં છે. અને તેની સુશ્રયા થાય છે તે જાણીને આઘાત લાગે છે. ત્રિપુરાના લોકો કહે છે કે અમને લેનિન નહીં સરદાર પટેલની પ્રતિમા જોઇએ, બંધારણના ઘડવૈયા આંબેડકર જોઇએ.
 

More Stories:-


Post Your Comment