ઓનલાઈન શોપીંગનો અબજોનો ધંધો : રોજ નવી સ્કીમો અને સેલ


ઓનલાઈન શોપીંગનો અબજોનો ધંધો : રોજ નવી સ્કીમો અને સેલ

વાઈ-ફાઈ સુવિધાથી વિદ્યાર્થીઓને લાભ

ટેલીશાપીંગ તરફ પણ દર્શકો આકર્ષાય છે : તૈયાર કપડાં વધુ વેચાય છે


ઓનલાઈન શોપીંગની માત્રા બમણા જોરથી આગળ વધી રહી છે. ઓનલાઈન શોપીંગમાં છેતરપીંડીના છૂટાછવાયા કિસ્સા છતાં લોકો તે તરફ વળ્યા છે. ઓનલાઈન શોપીંગમાં ડીલવરી સામે રોકડ આપવાની સિસ્ટમ તેમજ માલ ના ગમે ેતો પરત આપવાની સ્કીમના કારણે નવી જનરેશન ઓનલાઈન શોપીંગ કરતી થઈ છે.

ઓનલાઈન શોપીંગ એટલું આસાન બનાવવામાં આવ્યું છે કે ઈન્ટરનેટનો નવો-સવો વપરાશકાર પણ શોપીંગ કરતો થઈ જાય છે.

ઓનલાઈન શોપીંગના વધતા ક્રેઝના કારણે શોપીંગ વેબસાઈટો પણ વિવિધ સેલ, સ્કીમો અને બજાર કરતાં સસ્તો માલ આપીને ગ્રાહકો વધારે છે. કેટલીક ચીજો કે મોબાઈલ બજારમાં ના મળે પણ ઓનલાઈન મળે એવી વ્યવસ્થા કેટલીક વેબસાઈટોએ ગોઠવી છે. આવી સ્કીમને સફળતા પણ મળી છે.

ઓનલાઈન શોપીંગમાં મોખરે તૈયાર કપડાં, બુટ, ચંપલ, સ્લીપર અને તૈયાર ઘરેણાંનો સમાવેશ થાય છે. કપડામાં ટી-શર્ટ સૌથી વધુ મંગાવાય છે, બીજા નંબરે બરમૂડા, લેગીંગ્સ વગેરે આવે છે. ઓનલાઈન વેચાણ કરતી વેબસાઈટો નવી બ્રાન્ડ અને નવતર ચીજો લઈને આવે છે.

ચીનની બનાવટવાળી આઈટમો પણ ઓનલાઈન ધૂમ વેચાય છે. લોકોએ ગયા અઠવાડીયે ચીનની બનાવટની પીચકારીઓ પણ હોળી નિમિત્તે ખરીદી હતી.

ઓનલાઇન બિઝનેસ માટે રોજ નવી સાઇટો ખુલે છે અને પોર્ટલ ઉભા થાય છે. જે લોકો પોતાની વેબસાઇટનો ખર્ચો ઉઠાવી શકે એમ નથી કે પ્રાયોગિક ધોરણે ધંધો કરવા માગે છે તે ઓનલાઇન બિઝનેસની સવલત આપતા પોર્ટલ પર ધંધો શરૃ કરી શકે છે. આવા બિઝનેસ પોર્ટલ તમારી પ્રોડક્ટ વેચાણ માટે મુકે છે. તેના વેચાણના પૈસા તમને મોકલે છે. આવા પોર્ટલ આ કામ માટે કમીશન લે છે.

ઓનલાઇન બિઝનેસ માટેની વેબસાઇટ બનાવવી તે માટેનું સર્વર અને મેન્ટેનન્સની કડાકૂટમાં પડવાના બદલે ઓનલાઇન બિઝનેસની સવલત આપતા પોર્ટલનો ઉપયોગ કરી શકાય. જ્યારે ગ્રાહકો ઉભા થાય અને વેચાણ વધે એવો વિશ્વાસ ઉભો થાય ત્યારે પોતાની સાઇટ શરૃ કરી શકાય.

નવોદીત બિઝનેસ મેન માટે આવો કોન્સેપ્ટ આવકાર્ય છે. વેબસાઇટ બનાવવી અને મેન્ટેન કરવી એ બંને ખુબ ખર્ચાળ પ્રોસેસ છે. આવા પોર્ટલ પર તમે તમારી પ્રોડક્ટનું માર્કેટીંગ પણ કરી શકો છો.

ટી.વી. શોપીંગ

જેમ ઓનલાઈન શોપીંગ વધ્યું છે એમ ટી.વી. શોપીંગ પણ વધ્યું છે. ટીવી પર ચાદર, મીક્સચર, કૂકીંગ એસેસરીઝ વગેરેએ માર્કેટ ઉભું કર્યું છે. ટીવી શોપીંગ પર સાડીઓ સૌથી વધુ વેચાય છે. આ માટે સ્પેશ્યલ માર્કેટીંગ જોવા મળે છે. ટીવી પર ઓનલાઈન સેલ માટે ગોઠવાતા ખાસ સેલ અને તેની માર્કેટીંગની વ્યૂહરચના સફળ થતી દેખાય છે. લોકો આવી સ્કીમના કારણે એક સાથે ચાર ચાદર ખરીદતા થયા છે.

આવા શોપીંગ લોકો દેખાદેખી પણ કરતા હોય છે. દરેકને સ્કીમવાળી ખરીદી ગમે છે. જેમકે પાંચ ચીજો પર એક ફ્રી કે એક ચીજની ખરીદી પર બે ભેટ!! આશ્ચર્ય તો એ છે કે દરેક જાણે છે કે કોઈપણ સ્કીમ વેપારી ખોટ ખાઈને નથી આપતો છતાં સ્કીમની વાતોથી લોકો લલચાય છે અને ટીવી શોપીંગ કરતા થાય છે. આખા પ્રોગ્રામ એવી રીતે તૈયાર કર્યા હોય છે કે લોકો તે ખરીદવા વિચારવા લાગે છે.

લોકો ઓનલાઈન ખરીદતા થયા છે જેની અસર શોપીંગ મોલની ખરીદી પર કે કરીયાણાની દુકાનો પર હજુ પડી નથી. જો કે એ દિવસો બહુ દૂર નથી કે શોપિંગ મોલની ખરીદી પર પણ ઓનલાઈન શોપીંગની અસર પડશે. ઓનલાઈન શોપીંગ દિન પ્રતિદિન પ્રભાવી બનતું જોઈને નાની દુકાનોએ પણ ઘરબેઠાં ડીલીવરી આપવાની શરૃઆત કરી છે.

વાઈ-ફાઈ આવકાર્ય

વાઈ-ફાઈનો ઉપયોગ અમદાવાદમાં બીઆરટીએસના બસ સ્ટેન્ડ સહિત અનેક સ્થળોએ શરૃ થયો છે. વાઈ-ફાઈની સુવિધા ખુબ આવકારદાયક છે. ઘણાં વિદ્યાર્થીઓ ઓનલાઈન કોર્સ કરતા હોય છે. તે ઓનલાઈન પરીક્ષા પણ આપતા હોય છે. વાઈ-ફાઈના કારણે તે ઈન્ટરનેટની સ્પીડનો ઉપયોગ પણ કરી શકે છે અને તેને ચાર્જ પણ આપવો પડતો નથી. ફ્રી વાઈ-ફાઈનો કોન્સેપ્ટ ઠેર-ઠેર ઉભો કરવાની જરૃર છે.

અનેક લોકોને ત્યાં વાઈ-ફાઈની સવલત હોય છે. મહિને અંદાજે ૬૦૦-૭૦૦ રૃપિયાના ખર્ચે મળતી આ સુવિધા જાહેર સ્થળોએ વિનામૂલ્યે મળે ત્યારે લોકો માટે બહુ ઉપયોગી બને છે. ઘરમાં વાઈ-ફાઈ માટે પૈસા ચૂકવવા પડે જ્યારે બહાર આ સવલત વિનામૂલ્યે મળતી હોઈ વિદ્યાર્થીઓ લેપટોપ કે ટેબલેટ લઈને ઉપયોગી માહિતી ડાઉનલોડ કરતા હોય છે.

વાઈ-ફાઈની સુવિધાના કારણે ઓનલાઈન બેન્કિંગથી માંડીને ઓનલાઈન શોપીંગ સુધીની સવલતોને વેગ મળશે.
 

More Stories:-


Post Your Comment