દલિત કાર્ડ, કોંગ્રેસના મોં પર ઓગણીસિયું સ્મિત (૨૦૧૯)....


દલિત કાર્ડ, કોંગ્રેસના મોં પર ઓગણીસિયું સ્મિત (૨૦૧૯)....

કોંગ્રેસનાં ધરણાં, ભાજપનાં ૧૨મીએ

સાત-સાત દાયકાથી દલિતોને અન્યાય રાજકારણીઓ લાભ ઉઠાવશે તે નક્કી


ત્રાસવાદ, નકસલવાદ, જમ્મુ-કાશ્મીર, પાકિસ્તાન-ચીનની અવળ ચંડાઇ, રામ મંદિર, મોંઘવારી જેવા અગ્રગણ્ય મુદ્દાઓ છોડીને કોંગ્રેસ દલિત એકતાનું કાર્ડ રમી રહી છે. દલિતોની સ્થિતિ માટે દરેક રાજકારણી જવાબદાર છે. જેમનો વોટ બેંક માટે ઉપયોગ થતો આવ્યો હતો. હવે દલિત જાગૃત થઇ ગયો છે. તે સમાજની સમૃદ્ધિ માગે છે. લોકશાહીમાં સંખ્યાબળની તાકાત દલિત નેતાગીરી બહુ સારી રીતે જાણે છે. એકતરફ ૨૦૧૯નો જંગ અને બીજી તરફ વિપક્ષોનું હલ્લાબોલ એ બંનેની વચ્ચે દલિત હીતની વાતોનો કેટલો લાભ ઉઠાવાય છે તે જોવાનું રહ્યું.

કોંગ્રેસના હાથમાં અચાનક નવું શસ્ત્ર આવી ગયું છે. આ શસ્ત્રનું નામ દલિત એકતા છે. કર્ણાટકમાં પ્રચાર માટે તેમજ ૨૦૧૯ના જંગ માટે કોંગ્રેસ આ શસ્ત્રની ધાર કાઢી રહી છે. હકીકત તો એ છે કે આઝાદીના છેલ્લા ૭ દાયકા પૈકી અંદાજે ૬ દાયકા સુધી તો કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતું છતાં તે કોઇ સમસ્યા નિવારી નથી શકી તો બીજી તરફ ભાજપ રાષ્ટ્રવાદનો ચીપીયો પછાડવામાં સ્થાનિક સળગતી સમસ્યાઓ ભૂલી ગઈ છે.

દલિત સમાજને એ વાતનો આક્રોશ છે કે તેમના સમાજમાંથી તૈયાર થઇને ચૂંટાયેલાઓ પોતાના સમાજ માટે મેદાનમાં નથી આવતા. ન્યાય મેળવવા સંઘર્ષ કરવો પડે તેમાં કશું ખોટું નથી. શા માટે સહન કર્યા કરવું ? શા માટે બંધારણ પ્રમાણેના લાભ ના મળે ? આવાં કેટલાય 'શા માટે' દલિતોના મનમાં સળગી રહ્યા છે.

કોંગ્રેસે દલિતોની માગના ટેકમાં ધારણા યોજયા હતા તો ભાજપ ૧૨ એપ્રિલે ધરણાં યોજશે. વાચકોએ આ તમાશો જોઇને વિચારવું જોઇએ કે આ બધું 'મત' માટે થઈ રહ્યું છે.

દલિત એકતાની વાતોનો તખતો રાજકારણીઓ છીનવી ના લે તે માટે દલિતોએ જાગૃત રહેવાની જરૃર છે. છેલ્લા છ દાયકામાં કશું થયું નથી એમ કહી શકાય નહીં. ૧૯૫૮માં દલિતોની જે સંગઠન શક્તિ હતી તેની સરખામણીમાં ૨૦૧૮માં સંગઠન શક્તિ અનેકગણી શક્તિશાળી બની છે.

ભારત બંધ દરમ્યાન દેશના નેતાઓનું તેમજ દેશના લોકોનું ધ્યાન ખેંચવાનો દલિતોનો પ્રયાસ સફળ થયો છે. કયાંક અતિરેક હતો પણ તેનો મૂળ હેતુ તો સરકારને જાગૃત અવસ્થામાં રાખવાનો હતો.

દલિતો જાણે છે કે તેમના હકો પર તરાપ મારવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાએ દાઝ્યા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. દલિતો લાકોની સંખ્યા પર રોડ પર ઉતરી પડશે તો શું થશે તે ગણિત ગણવામાં રાજ્ય સરકારો થાપ ખાઇ ગઇ હતી.

દેખાવકારો તેમની માગણીમાં સ્પષ્ટ હતા. તેમને કોઇ નેતાગીરીની જરૃર નથી એ પણ દેખાઈ આવતું હતું. દલિતોનો ભણેલો વર્ગ પણ મેદાનમાં ઉતરી આવ્યો હતો, આવી સંગઠનની તાકાત દલિતોમાં છે અને કિસાનોમાં છે.સરકાર પાસે એવી કોઈ જાદુઈ લાકડી નથી કે જેથી તે દલિતોને સમજાવી શકે. દલિત નેતાઓની કમનસીબી એ છે કે તે પણ દલિતોનો આક્રોશ કાબુમાં રાખી શકતા નથી. એગ્રેસીવ આંદોલનોથી સમસ્યાનું તાત્કાલીક સમાધાન નથી આવતું એ દલિત નેતાઓએ સમજવું જોઈએ એમ પ્રજાને લાગી રહ્યું છે.

'મત'ના કોઇપણ મુદ્દા આગળ સરકાર લાચાર હોય છે. સરકારે દરેકને ખુશ રાખવાની લ્હાયમાં પોતે દુ:ખ વ્હોરી લે છે.દલિત સમાજ હવે ગેરમાર્ગે દોરાય એમ નથી. રાજકારણીઓ જેમના જોરે આગળ આવે છે તેમને જ ભૂલતા આવ્યા છે. લઘુમતી કોમનું લેબલ મારીને મુસ્લિમોને પછાત રાખનારા નેતાઓ દલિતોને પણ લોલીપોપ બતાવતા આવ્યા છે. મુસ્લિમો ના સમજી શક્યા પણ દલિતો સમજી ગયા હતા કે તેમના હક આંચકી લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

દલિતોની સુષુપ્ત એકતામાં તેમનામાંની જાગૃતિએ નવો પ્રાણ ફુંક્યો છે. માત્ર એક દિવસના ભારત બંધ દરમ્યાન તો સરકાર ઘૂંટણીએ પડી ગઇ હતી. જેમ કોંગ્રેસમાં દલિત પાંખ છે એમ ભાજપમાં પણ છે. દરેક પક્ષ દલિતોના મત મેળવવા ધમપછાડા કર્યા કરે છે પરંતુ હવે દલિતોએ આ બધા પાસે જવાબ માગ્યા છે. શહેર અને ટાઉન લેવલ દરેક સમાજને એક સરખું માન મળે છે પણ ગામડાના ચિત્રો કરૃણ છે. ત્યાં દલિતને ૨૪ કલાક એહસાસ થાય છે કે તે દલીત છે અને અન્ય વર્ગ તેમના કરતા ઉંચો છે.

આ ભેદભાવ દેશની આઝાદી પછીના સાત દાયકા પછી પણ જૈસે-થે સ્થિતિમાં છે. સ્થિતિ ખરેખર ગંભીર છે. સભ્ય સમાજમાં આવા ભેદભાવને કોઇ સ્થાન ના હોવું જોઈએ.

એ સૌ સ્વિકારે છે તેમ છતાં આ ભેદભાવ પ્રવર્તમાન છે. દલિત સમાજ એક થઇને અવાજ ઉઠાવે તે જરૃરી છે પરંતુ આટલા મોટા અને સંગઠીત સમાજને રાજકારણીઓનાં ટેકાની શી જરૃર પડે તે સમજમાં નથી આવતું !!!

કોંગ્રેસ પાસે જાનદાર શસ્ત્ર આવ્યું છે, તે જોઇ તેના ચહેરા પર ઓગણીસીયું સ્મિત (૨૦૧૯ના લોકસભા જંગની જીત માટેનું સ્મિત) ફરકવા લાગ્યું છે.
 

More Stories:-


Post Your Comment