કાશ્મીરની આર્થિક કરોડરજ્જુ તોડતા બેકાબુ પથ્થરબાજો..


કાશ્મીરની આર્થિક કરોડરજ્જુ તોડતા બેકાબુ પથ્થરબાજો..

ખીણના લોકો તરફ કૂણુંવલણ રખાય છે

બુરહાન વાનીની આખી ગેંગ ખતમ કરી નાખી; ત્રાસવાદીઓને સીધા ઠાર કરાય છે


કાશ્મીરના પથ્થરબાજોનું પોત પ્રકાશ્યું છે. પોતાના વિસ્તારની રોજગારી પર તે ફટકા મારી રહ્યા છે; જે ટુરીઝમ કાશ્મીરની આર્થિક કરોડરજ્જુ છે તેના પર ફટકા મારનારા ત્રાસવાદીઓ તરફી છે તેમાં શંકાને સ્થાન નથી. પથ્થરમારો કરનારાઓએ તમિળનાડુના એક પ્રવાસીને મારી નાખીને કોઇ હિંમતવાળું કામ નથી કર્યું પણ પોતાના પગ પર જ કુહાડો માર્યો છે.

આમ પણ; લોકો કાશ્મીર જતાં બંધ થઇ ગયા હતા. કોઇપણ પ્રવાસી જોખમ ઊઠાવવા નથી માગતો. કાશ્મીરની હોટલો ખાલી જાય છે. પથ્થરબાજોને વારંવાર ચેતવણી આપી હોવા છતાં તે પ્રજાને ટાર્ગેટ બનાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરની સરકારે જે કડક હાથે ત્રાસવાદીઓ સામે કામ કરે છે એટલા જ કડક હાથે પથ્થરબાજો સામે કામ ચલાવવું જોઇએ.

ભારતના જવાનો પર પથ્થરમારો કરતા કાશ્મીરના યુવાનોને એક પથ્થર મારવાના પૈસા આપવામાં આવતા હોવાનો આક્ષેપ થઇ ચૂક્યો છે. ભારતના જવાનો પર રોજ પથ્થરો પડે છે પણ ઓમર અબ્દુલ્લા જેવા રાજકારણીઓ ચૂપ રહે છે. હવે તમિળનાડુનો યુવાન મરાયો એટલે રાજકીય પક્ષના નેતાઓ સરકારનો વાંક કાઢવા બેસી ગયા છે.

સુરક્ષા દળોને સન્માન નહીં આપતા કાશ્મીરના પથ્થરબાજો જેનું નબળું અસ્તિત્વ છે તેના ખોળામાં બેસવા જાય છે. ભારતના જવાનોને લાતો મારતા કે ટોપો ઉછાળતા પથ્થરબાજોના કરતૂતોનો વીડિયો જોઇને ભારતના લોકો સમસમી જાય છે.

ભારતના સુરક્ષાદળોએ ત્રાસવાદીઓનું નિકંદન કાઢ્યું છે. બુરહાન વાની જેવાની આખી ગેંગનો સફાયો બોલાવી દીધો છે. બુરહાન વાની અને તેના સાગરીતો કાશ્મીરમાં ઉછર્યા હતા. ૨૨-૨૫ વર્ષના આ યુવાનોએ હાથમાં એકે-૪૭ ઊઠાવીને જ્યાં જન્મ્યા તે દેશ સામે જ લોકો સામે જ ગોળીઓ છોડી હતી.

પાકિસ્તાનની પીઠ્ઠુ એવી બુરહાનવાની ગેંગનો સફાયો બોલી ગયો છે. જ્યારે બુરહાનવાની મરાયો ત્યારે પોતાનું સંતાન મરી ગયું હોય એવો શોક પાકિસ્તાને મનાવ્યો હતો. ત્રાસવાદી સંગઠનોએ એમ કહ્યું હતું કે અમે બીજા સો બુરહાનવાનીને ભારતમાં ત્રાસ ફેલાવવા મોકલીશું!! બુરહાનવાનીને હિરો તરીકે કાશ્મીરમાં ચિતરવામાં આવ્યો હતો.

'બુરહાનવાની બોયઝ' એમ લખેલું પોસ્ટર પણ ઠેરઠેર ચીપકાવેલું જોવા મળતું હતું. અગિયાર જેટલા લબરમૂછીયાઓનો ગુ્રપ ફોટો પણ ઠેર-ઠેર જોવા મળતો હતો. આ આખું ગુ્રપ ૨૨-૨૫ વર્ષના યુવાનોનું હતું. કાશ્મીરની આઝાદીના નામે તેમને ઉશ્કેરવામાં આવ્યા હતા. તેમની આસપાસનું વાતાવરણ પણ તેમને હાથમાં બંદૂક ઉંચકવા પ્રોત્સાહન આપે એવું નથી.

ગધ્ધાપચ્ચીસી વિચારસરણીનો ભોગ આ અગિયારે-અગિયાર યુવાનો બન્યા હતા. સુરક્ષા દળોએ જ્યારે બુરહાનવાનીને માર્યો ત્યારે તેનો વિરોધ કાશ્મીરમાં થાય તે તો ઠીક પણ પાકિસ્તાનમાં પણ થયો હતો.

બુરહાનવાનીના ટેકેદારોનો ગુ્રપ ફોટો કાશ્મીરમાં યુવાનો પાસે જોવા મળતો હતો. બુરહાનવાનીના મોત પછી બીજા કેટલા યુવાનો ત્રાસવાદમાં જોડાયા હોઈ શકે છે. પરંતુ સુરક્ષાદળોએ બુરહાનવાનીના ગુ્રપ ફોટામાં દેખાતા તમામ અગિયારને એક પછી એક મોતને ઘાટ ઉતાર્યા હતા.

બુરહાનવાનીનું આખું ગુ્રપ ભારત વિરોધી કામ કરતું હતું. કાશ્મીરમાં લશ્કર પર પથ્થરમારો કરવા લોકોને ઉશ્કેરતું આ ગુ્રપના તમામ સભ્યોને એક પછી એક સુરક્ષા દળોએ ટાર્ગેટ બનાવ્યા હતા.

બુરહાનવાની મિલીટન્ટ કમાંડર તરીકે ઓળખાતો હતો. ૧૧ યુવાનોના આ ગુ્રપનો ૧૧મો ત્રાસવાદી સદ્દામ પદ્દાર ગયા રવિવારે શોફીયા ખાતેની અથડામણમાં ફૂંકાઈ મર્યો હતો. ૨૨ વર્ષનો બુરહાનવાની કાશ્મીરમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરનારા માટે પોસ્ટ બોય સમાન હતો. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં તે ૨૦૧૬ની ૮મી જુલાઈએ માર્યો ગયો હતો.

બુરહાનવાનીની ગેંગના તમામ લોકો પોતાની જાતને હિઝબુલ કમાંડર ગણાવતા હતા. આ ગુ્રપનો એક તારીક પંડિત ૨૦૧૬માં સરંડર થયો પછી સુરક્ષા દળોએ તેની પાસેથી ઘણી વિગતો મેળવી હતી. જેમ સદ્દામ હુસેન પવાર ૨૦ વર્ષનો હતો એમ આદિલ ખાંડે પણ ૨૦ વર્ષનો લબરમુછીયો હતો. ૨૦૧૫ની ૨૨ ઓક્ટોબરે તેને ફૂંકી માર્યો હતો.

૨૯ વર્ષનો નસીર પંડિત અને ૨૭ વર્ષનો વાસીમ મલ્લા પણ ટોપના હિઝબુલ કમાંડર હતા. આ લોકો પીડીપીના પ્રધાનના સિક્યોરિટીની બે એકે-૪૭ મશીનગન લઈને ભાગી ગયા હતા. આ બંને મોસ્ટ વૉન્ટેડ હતા. આ બંનેને શોફીયા ખાતેના એનકાઉન્ટરનો ભોગ બન્યા હતા. પથ્થરમારો કરતાં કાશ્મીરના યુવાનોને એ ખબર નથી કે તે પોતાની આર્થિક કરોડરજ્જુ તોડી રહ્યા છે. એકવાર આવક તૂટે પછી તે ભાગ્યેજ પાછી આવે છે. આજે પણ કાશ્મીરની હોટલો ખાલી જાય છે. પ્રવાસીઓમાં ભયનો માહોલ ઊભો થયો છે.
 

More Stories:-


Post Your Comment