વિપક્ષોની એકતા માટે 'દીદી' નહીં પણ 'દાદા'ની ભૂમિકામાં મમતા


વિપક્ષોની એકતા માટે 'દીદી' નહીં પણ 'દાદા'ની ભૂમિકામાં મમતા

ચંદ્રાબાબુ નાયડુ પ્રભાવ ના પાડી શક્યા

કર્ણાટકના પરિણામો આવ્યા પછી ત્રીજો મોરચો વધુ સક્રિય બનશે


જેમ જંગલમાં 'સિંહ' લટાર મારવા નીકળ્યો હોય ત્યારે જંગલમાં સન્નાટો મચી જાય એવું મમતા બેનરજીની દિલ્હી મુલાકાત દરમ્યાન થયું હતું. મમતા બેનરજી ૧૨૫ લોકોને મળ્યા હતા તેમને મળવા આવનારા શરદ પવાર સહિતના લોકો તેમને 'મમતા દીદી' કે માત્ર 'દીદી' કહીને સંબોધતા હતા. વિપક્ષના મોટા માથા 'દીદી' આગળ વામણા લાગતા હતા. ખરેખર... દીદી 'દાદા'ની જેમ વિપક્ષના રાજકીય તખ્તા ઉપર ફર્યા હતા. દીદી કોને મળે છે અને કેટલા સમય માટે મળે છે તેની નોંધ માત્ર ભાજપ રાખતું હતું એવું નથી પણ કોંગ્રેસ પણ દીદીની મુવમેન્ટ પર નજર રાખતું હતું.

આશ્ચર્ય તો એ થાય છે કે વિપક્ષના એકમાત્ર નેતા એવા છે જે જાહેરમાં કહે છે કે, ભાજપને હરાવવા માટે હું ગમે તેની સાથે જોડાવા તૈયાર છું. પોતાના અતિ કટ્ટર હરીફ ડાબેરી પક્ષો સાથે પણ તે બેસવા તૈયાર છે. દીદીની દાદાગીરી વિપક્ષોએ જોઈ હતી તે કેજરીવાલના રાજકીય હરીફ એવા પ્રશાંત ભૂષણને પણ મળ્યા હતા અને ખુદ કેજરીવાલને પણ મળ્યા હતા. બંનેએ હસતા હસતા વિદાય લીધી કતે દર્શાવે છે કે મમતા પાસે ઉશ્કેરાટથી વાતો કરતા લોકોને મનાવવા માટે કોઈ જાદુઈ લાકડી છે.

મમતા પોતે ડાબેરીઓ આગળ કૂણા પડતા જોઈને તો માયાવતી સમાજવાદી પક્ષના બોસ અખિલેશ સાથે હાથ મિલાવવા તૈયાર થયા હતા. મમતા બેનરજીએ દરેક નેતાને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સામે ઇમ્પિચમેન્ટ અંગે દાણો ચાંપી જોયો હતો. પ્રશાંત ભૂષણ તો ઇમ્પિચમેન્ટ લાવવા તલપાપડ છે એમ ડાબેરી પક્ષો પણ આ મુદ્દે ટેકો આપવા તૈયાર છે.

પ્રશાંત ભૂષણ અને મમતા વચ્ચે એ મુદ્દે પણ ચર્ચા થઈ હતી કે વિપક્ષ પાસે બહુમતી નથી પરંતુ ઉહાપોહ કરીને પ્રોસેસ શરુ કરાય તો મોદી સરકારને બદનામ પણ કરી શકાય તેમજ મુંઝવણમાં પણ મૂકી શકાય ! એટલે જ્યારે મમતાએ દિલ્હી છોડયું ત્યારે બધા સાંભળે એ રીતે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના જે ચાર જજોએ ચીફ જસ્ટીસ વિરુદ્ધ રજૂઆતો કરી હતી તેને ગંભીરતાથી લેવી જોઈએ.

ટૂંકમાં મમતા ઇમ્પિચમેન્ટ અંગેના મિસફાયરથી ડરતા નથી ૧૨૫ લોકોને મળ્યા પણ કયારેય તેમણે ભાજપે ત્રિપૂરા તેમજ પૂર્વના રાજ્યો આંચકી લીધા તે અંગે હરફ ઉચ્ચાર્યો નથી. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન હોય એટલે ત્યાંના લોકોને ખુશ કરવા ભાજપ વિરુદ્ધ બોલવામાં તેમને ફાવટ આવી ગઈ છે.

મમતાને મળવા માટે જે નેતા આવતા હતા તેમનું સ્વાગત બટર ટોસ્ટ, કટલેસ અને મીઠાઈ સાથે કરાતું હતું અહીં જે ૧૨૫ લોકોને મળવાની વાત થઈ તેમાં એક નેતા સાથે આવતા તેના ૧૦- ૧૨ સમર્થકોનો પણ સમાવેશ થાય છે મમતા પ્રથમ બધાને મળતા તેમના હોદ્દા જાણતા અને પછી તેમના નેતા સાથે વન-ટુ-વન ચર્ચા કરતા હતા.

દિલ્હીના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને દિલ્હીના સાઉથ એવન્યુ ખાતે મળ્યા ત્યારે તેમને પીરસવાની વાનગીમાં ગરમાગરમ પકોડાને ખાસ સ્થાન અપાયું હતું. કેજરીવાલની તબિયત ખરાબ હોઈ તે બધી વાનગીનો સ્વાદ લઈ શક્યા નહોતા.

જો કે ભાજપને ૨૦૧૯માં હરાવવા પ્રાદેશિક પક્ષોનું એક થવું જરૃરી છે. એ સાંભળતા જ કેજરીવાલના મોમાં પાણી આવી ગયું હતું. કેજરીવાલના માફીનામાથી તેમની પ્રતિષ્ઠામાં ઓટ આવી છે. આ માણસે છેલ્લે અરૃણ જેટલીની લેખિત માફી માગી હતી. જો કે અરવિંદ કેજરીવાલને માફી માગવામાં કોઈ નાનમ નથી લાગી તો તે પણ ત્રીજા મોરચામાં સક્રિય ભાગીદાર બનવા તલપાપડ બન્યા છે.

જેમ દીદી દિલ્હીમાં ફર્યા એમ આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ પણ વિપક્ષી એકતા માટે ફર્યા હતા. પરંતુ જે પ્રભાવ મમતાનો હતો એવો પ્રભાવ ચંદ્રાબાબુનો નહોતો. ચંદ્રાબાબુ તેમના કટ્ટર હરીફોને સાથ નહોતા આપતા. મમતાએ દિલ્હીમાં દુશ્મનો ઓછા બનાવ્યા છે અને મિત્રો વધારે બનાવ્યા છે એટલે જ તે નિખાલસપણે અન્ય નેતાઓને મળતા હતા. જ્યારે ચંદ્રબાબુ નાયડુની વિપક્ષો સાથે સંબંધો બાંધવાની કળામાં આવડતનો અભાવ જણાયો હતો. કેન્દ્રમાં પ્રવેશ મેળવવા તો ચંદ્રાબાબુ નાયડુએ એનડીએ સરકાર સાથેનો નાતો તોડયો હતો.

આપણે મમતાને દીદી કહીએ છીએ પણ ચંદ્રાબાબુ નાયડુ આઇ.ટી. પ્રોફેશનલ જેવા લાગે છે. ચંદ્રાબાબુ નાયડુને બહુ આગળ વધવાનો ટેકો ના આપવો એમ તેલંગાણાના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવે મમતા પાસેથી પ્રોમિસ લીધું હોવાનું મનાય છે.

દીદીએ વિપક્ષની એકતા માટે કરેલા પ્રયાસોને બહુ પ્રતિભાવ નથી મળ્યો ! હજુ એક વર્ષની વાર છે મમતા કહે છે કે હજુ 'તેલ જુઓ તેલની ધાર જુઓ...'
 

More Stories:-


Post Your Comment