કોંગ્રેસે ચૂંટણી જીતવા ચીલાચાલુના બદલે નવા મુદ્દા શોધવા જોઈએ


કોંગ્રેસે ચૂંટણી જીતવા ચીલાચાલુના બદલે નવા મુદ્દા શોધવા જોઈએ

36th chamber of Shaolin જોવી જોઈએ

અનામત, દલિત સમસ્યા, રામમંદિર જેવા મુદ્દા સેન્સેશન ઉભું કરી શક્તા નથી


લોકસભાનો ૨૦૧૯નો જંગ જીતવા માટેનો પ્લાન કરતા પહેલાં કોંગ્રેસ અને વિરોધ પક્ષોએ ૯૦ના દાયકાની ફિલ્મ 36th chamber of Shaolin અચૂક જોવી જોઈએ. માર્શલ આર્ટ સાથે સંકળાયેલી આ ફિલ્મ માસ્ટર કીલર તરીકે પણ ઓળખાતી હતી. જેમાં અસામાજીક તત્વો સામે કોઇ જીતી શકતું નહોતું. હિરો એક મઠમાં જઈને જે દાવપેચ શીખે છે તે અસામાજીક તત્વોને પણ આવડતા હતા. છેલ્લે હિરો લડાઈ માટે એક નવી ટેકનીક (દાવ) શોધે છે અને અસામાજીક તત્વોને ઠેકાણે લાવી દે છે.

આપણે ત્યાં ચૂંટણી યુદ્ધની જેમ લડાય છે. દરેક પક્ષો ચૂંટણીના દાવપેચ જાણે છે. ભાજપે ૨૦૧૪નો જંગ 'વિકાસ' નામના શસ્ત્રથી જીત્યો હતો. ટોપમાં બેઠેલા માયાવતી એટલા માટે ખીણમાં ગબડી પડયા હતા કે તેમની પાસે દલીત સિવાયનો કોઇ મુદ્દો નહોતો. પ્રાદેશિક પક્ષોનો ઝોક હંમેશા સત્તા લક્ષી રહ્યો છે, કોઈ લઘુમતીની આળ પંપાળ કરે છે તો કોઈ દલીતોની !!

આ બંને એટલે કે લઘુમતી (મુસ્લિમો) અને દલિતોના મુદ્દાનો હરીફોને હરાવવા શસ્ત્ર તરીકે ઉપયોગ થયો છે. ભારતમાં ચૂંટણી જીતવા માટે શસ્ત્રોના ભાથામાં ગણીને ચાર-પાંચ શસ્ત્રો હોય છે જેમાં હિંદુ, મુસ્લિમ, દલીત, કોમવાદ, જાતિવાદ વગેરેનો સમાવેશ થાય છે.

૨૦૧૪નો જંગ ભાજપે એક અલગ શસ્ત્ર નામે વિકાસથી જીતી બતાવ્યો હતો. સ્પષ્ટ બહુમતી મેળવીને ભાજપે કેન્દ્રમાં સત્તા રચી હતી. સત્તા રચ્યા પછી કોંગ્રેસ હોય કે ભાજપ એ બધાજ એક માળાના મણકા બની જતા હોય છે. ૨૦૧૪માં શાસન સંભાળ્યા પછી ભાજપ કોઈ ધાડ મારી શક્યું નથી. અનેક સ્તરે ભાજપના વિચારોનું દેવાળીયું ફૂંકાયું હતું. ના તો ભ્રષ્ટાચારીઓ ભાજપથી ડર્યા કે ના તો કોમવાદીઓ ડર્યા ! બેરોજગારીની વિકરાળ સમસ્યા મ્હોં ફાડીને ઉભી છે ત્યારે ભાજપ તેની રામમંદિર જેવા રાજકીય મૂરાદો અમલી બનાવવા મથે છે.

કોંગ્રેસના કોનવન્ટીયા સલાહકારો ભારતના લોકોની મૂળભૂત જરૃરીયાતોને સમજી શકતા નથી એટલે જુના શસ્ત્રોથી યુદ્ધ લડયા કરે છે. ૨૦૧૯ માટે કોંગ્રેસે પકડેલો દલીત-લઘુમતીનો મુદ્દો એ વારંવાર વપરાઈ ગયેલું શસ્ત્ર છે. હવે તો તે કાટ ખાઈ ગયેલું છે. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવે છેલ્લે સરકાર બનાવી ત્યારે ફ્રી લેપટોપની સ્કીમ આપી હતી. મુલાયમને પોતાને તો હજુ લેપટોપ નથી આવડતું. ચૂંટણી જીતવાનો તેમનો આ પ્લાન સફળ થયો હતો પરંતુ આવો એકનો એક મુદ્દો બીજી વાર ચાલી શક્તો નથી.

કોંગ્રેસે બ્રેન સ્ટોર્મીંગ કરીને પ્રજા માટે કોઈ નવી લોલીપોપ તૈયાર કરવાની જરૃર છે. ભારતના મતદારના ગળે શીરાની જેમ ઉતરી જાય તેવી લોલીપોપ હોય તો દરેક જ્ઞાાતિના મતદારો મતપેટી છલકાવી દે ! કોંગ્રેસ મતપેટી છલકાય તેવું (હવે ઈવીએમ) સપનું રોજ જોયા કરે છે પણ તે સિદ્ધ કરવા જુના આઇડયા અપનાવ્યા કરે છે.

કોંગ્રેસે યુવા ચહેરો રાહુલ ગાંધી લોકો સમક્ષ મુકયો છે પરંતુ આ યુવા ચહેરો પણ દલીત રાજકારણ, લઘુમતી રાજકારણમાં અટવાયેલો છે.

જાતિવાદના નવા સમિકરણો રચવાના કારણે અંતે તો ભારતને નુકશાન થાય છે. સૌથી જુના પક્ષ તરીકે કોંગ્રેસની જવાબદારી બને છે કે જાતિવાદની ખાણને વધુ પહોળી ના કરો ! પ્રાદેશિક પક્ષો અડુકીયા- દડુકીયા જેવા છે. તેમની પક્ષ પલટાની નીતિ અને સત્તાલક્ષી નીતિના કારણે તેમના રાજ્યોને નુકસાન થયું છે.

કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોની તકવાદી વિચારસરણી સાથે કદમ મીલાવવાના બદલે 36th chamber of Shaolin ની જેમ પોતાની આગવી છાપ સાથે આગળ વધવાની જરૃર છે.

પ્રાદેશિક પક્ષો સાથેનું જોડાણ એ કોઇ શોપીંગ મોલની ફ્રેન્ચાઇસી સમાન છે. આ પક્ષો એકલપંડે શેકેલો પાપડ પણ ભાંગી શકે એમ નથી. તેમને કોંગ્રેસની જરૃર છે નહીં કે કોંગ્રેસને આવા પક્ષોની !

જોકે મમતા બેનરજી, શરદ પવાર, અખિલેશ, માયાવતી વગેરેએ એવો માહોલ ઉભો કર્યો છે કે જાણે કોંગ્રેસ નંબર ટુ છે. કોંગ્રેસ શું કરી શકે ?

ગાડરીયા પ્રવાહની જેમ પ્રાદેશિક પક્ષોનો પાલવ પકડવાથી ચૂંટણી જંગ જીતવો ધોળા દહાડે સપનાં સમાન બની શકે છે.અનામત જેવા જુના હથિયાર સાથે લોકસભાનો જંગ જીતવા નીકળેલી કોંગ્રેસે સમાજમાં ખોટા સંકેતો પહોંચાડયા છે. દલીતોની તરફેણ અને સવર્ણોની તરફેણ કરતાં આંદોલનો હંમેશા વેરઝેર ઉભા કરતા આવ્યા છે. સિનિયર મોસ્ટ રાજકીય પક્ષ કોંગ્રેસે કેટલાક મુદ્દાઓનો પ્રસાર-પ્રચાર અટકાવવો જોઈએ તેના બદલે સમાજમાં કડવાશ ઉભા કરે તેવા મુદ્દાઓની આળ-પંપાળ શરૃ કરી છે.

પ્રજાના મન નેગેટીવીટી તરફ દોરાય એવા પ્રયાસો કરતા રાજકીય પક્ષોએ ચેતવું જોઈએ. દલિત નેતાઓએ આપેલા બંધ દરમ્યાન થયેલા તોફાનોથી દલિતોને કોઇ પરોક્ષ લાભ નથી થયો પણ એલાન આપનાર પક્ષોને સીધો લાભ થયો છે.


 

More Stories:-


Post Your Comment