કહો કોઇ જીનપીંગને કે ઉપરની સંસદમાં કોઇ એક્ષટેન્શન નથી


કહો કોઇ જીનપીંગને કે ઉપરની સંસદમાં કોઇ એક્ષટેન્શન નથી

રાજાશાહી સ્ટાઇલ; જીનપીંગ આજીવન સત્તા પર

વિશ્વમાં ચીનની ટીકા :ચીનમાં નેતાઓનો અભાવ; લોકો કંટાળીને બળવો કરી શકે છે


કહો કોઇ ચીનની સંસદને કે ઉપરવાળાની (ભગવાન) કોર્ટમાં કોઇ એક્સટેન્શન કે આજીવન જેવી ચીજ નથી હોતી. જ્યારે સમય આવે ત્યારે સેકન્ડમાં પત્તું કપાઇ જાય છે.

 ગમે તેવો મોટો પૈસાદાર કે ગમે એટલો મોટો સત્તાધીશ જ્યારે ઉપરથી દોરી કપાય છે ત્યારે ડોળા મોટા થઇ જાય છે. જીનપીંગ માટે બે ટર્મનો નિયમ બદલીને આજીવનનો નિયમ લાદવામાં આવ્યો તે આશ્ચર્યજનક છે.

'ઉપર'વાળાની સંસદમાં કોઇ મનુષ્યને એક સેકન્ડનું એક્સટેન્શન નથી મળતું. કેટલાય સાધકો, સંતો, નેતાઓ, સેલિબ્રીટીઓને ક્યારે 'બુલાવા' આવે છે તેની ખબર નથી પડતી. બે તૃતીયાંસ સાંસદો કોઇ એક શાસકને આજીવન સત્તા માટે લાલજાજમ પાથરે ત્યારે તે વિશ્વમાં ટીકાનું કારણ બને છે.

સત્તા માટેનું વળગણ માત્ર ભારતમાં છે એવું નથી; ચીને તો આખા વિશ્વને ચોંકાવી દીધું છે. રાષ્ટ્રપતિ શી જીનપીંગ આજીવન રાષ્ટ્રપતિ તરીકે રહી શકે એવો નિર્ણય ચીનની સંસદે લીધો છે. ૩ હજારમાંથી બે તૃતીયાંશ સાંસદોએ મંજૂરી આપીને કહ્યું છે કે ચીનને જીનપીંગ સિવાય કંઇ ના ખપે !!

વિશ્વભરમાં પ્રમુખ માટે બે ટર્મ ચાલે છે. ભારતમાં કોઇ એક વ્યક્તિ બે ટર્મ માટે વડાપ્રધાન બની શકે પછી વ્યક્તિ બદલવી પડે. છેલ્લે મનમોહનસિંહ દસ વર્ષ માટે રહ્યા હતા.

જીનપીંગને આજીવન સત્તાનો અર્થ એ થાય છે કે ચીન પાસે નેતાઓ નથી. ચીનમાં લોકશાહી નથી. ચીનમાં બળવાખોરોને નહિવત્ જગ્યા મળે છે. ચીનના લોકો ભારતની સંસદની કાર્યવાહી જુવે કે ભારતના રાજકારણીઓની વિરોધ કરવાની સ્ટાઇલ જુવે તો તેમને ચક્કર આવી જાય.

ચીનમાં મોં ખોલવાની હિંમત નથી હોતી તો ભારતમાં કોઇ મોં બંધ નથી કરતું. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં પ્રજા, નેતાઓ અને શાસકો હિંમતભેર પોતાની રજૂઆતો કરે છે તે તો ઠીક પણ સંસદ સત્રને પણ દાવ પર લગાવી દે છે.

જીનપીંગ હાલમાં બીજી ટર્મ હેઠળ શાસન કરે છે. તેમની ત્રીજી ટર્મ ૨૦૨૩થી શરૃ થશે. જીનપીંગે જોકે પાણી પહેલાં પાળ બાંધી દીધી છે.

જીનપીંગ ૬૩ વર્ષના છે. હવેની ૨૦૨૩ની ચૂંટણીમાં તે ૬૮ વર્ષના થશે. ત્યારે તે ફરી ત્રીજી ટર્મ માટે પસંદ થશે. આમને આમ ચાલ્યા કરશે તો ચીનના રૃઢિચુસ્ત રાજકારણમાં બળવો થશે તે નક્કી છે.

ચીને બહુ મોટી ભૂલ કરી છે. બે તૃતીયાંશ બહુમતીથી બે વર્ષની મર્યાદા ખતમ કરનાર સાંસદોને એ ખબર નથી કે એન્ટી ઈન્કમ્બન્સી ફેકટર ઘણાં નેગેટીવ પરિણામો લાવી શકે છે. ચીને જીનપીંગ માટે સમયમર્યાદા કાઢીને દર્શાવ્યું છે કે ચીનનો રાજા જીનપીંગ છે; તેમને હટાવી શકાય નહીં.

એક ને એક વડાપ્રધાન હેઠળનું શાસન કંટાળાજનક લાગે છે. નવો ચહેરો, નવું બ્રેઇન વગેેરે દેશ માટે ઉપયોગી બની જાય છે. ભારતમાં ચીન જેવો કાયમી શાસનનો નિર્ણય ના હોવા છતાં એક જ પરિવાર શાસનમાં રહ્યો હતો. જોકે આ સ્થિતિ પણ ભારતમાં ટીકારૃપ બની હતી.

ચીનના નિર્ણયથી અન્ય કોઇ નેતાને પ્રમુખ બનવાની તક નહીં મળે. જીનપીંગનું એકહથ્થુ શાસન ચીનમાં અસંતોષ પ્રસરાવશે તે નક્કી છે.

ચીનને ઉપરવાળાની અદાલતનું બહુ જ્ઞાાન નથી. આ દેશ પાડોશીઓ સાથે લુચ્ચાઇ કરતો આવ્યો છે અને જમીનો હડપ કરતો આવ્યો છે. સૌથી વધુ વસ્તી ધરાવતા આ દેશમાં પ્રજા સરકારને તાબે થઇને રહે છે.

કાશ્મીરમાં અત્યાચારની ટીકા કરનાર ચીન પોતાને ત્યાં પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર મારે છે. પાકિસ્તાનને ચીન એટલા માટે ટેકો આપે છે કે તે ભારતને પરેશાન કરી શકે. ચીનનો વેપાર, તેની ડમ્પીંગ પોલીસી વગેરેથી અમેરિકા જેવી મહાસત્તા પણ ચિંતીત છે.

બે મહાસત્તાઓ પૈકી એક અમેરિકામાં પ્રમુખ બે ટર્મ માટે છે તો બીજા ચીનમાં પ્રમુખને અમર્યાદ ટર્મ આપવામાં આવી છે. બહુમતી શું કરી શકે તેનું લેટેસ્ટ ઉદાહરણ જીનપીંગ છે.

ચીન ભલે શક્તિશાળી હોય અને ધારે એવા નિર્ણયો લઇ શકે પણ કુદરતની સંસદને તે ઓળખી શક્યું નથી તે પણ હકીકત છે. ભારતને આ નિર્ણયથી કોઇ ફર્ક પડતો નથી પરંતુ જો જીનપીંગ કાયમ માટે રહે તો ભારત સાથેના સંબંધોમાં પણ કોઇ ખાસ ફર્ક નહીં પડે.
 

More Stories:-


Post Your Comment