ઑનલાઇન શોપિંગ ક્ષેત્રને અંકુશમાં લાવવા ચક્રો ગતિમાન


ઑનલાઇન શોપિંગ ક્ષેત્રને અંકુશમાં લાવવા ચક્રો ગતિમાન

ઇ-કોમર્સ વેબસાઇટ બિલાડીના ટોપની જેમ વિસ્તરી રહી છે


આ ક્ષેત્રમાં છેતરપિંડીના વધી રહેલા બનાવોને ધ્યાનમાં રાખી ઇ-કોમર્સ નીતિ ઘડવા માટેની કવાયત શરૃ

ઑનલાઇન શોપિંગના સતત વધતા ક્રેઝને કારણે દેશમાં ઇ-કોમર્સ માર્કેટમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. વિવિધ ચીજવસ્તુઓ માટેની સંખ્યાબંધ ઇ-કોમર્સ વેબસાઇટ બિલાડીના ટોપની જેમ વિસ્તરી રહી છે. તો બીજી તરફ આ ક્ષેત્રમાં છેતરપિંડીના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ઓનલાઇન શોપિંગ પર હાથ ધરાયેલા એક સર્વેના તારણમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઓનલાઇન ખરીદીમાં ત્રીજા ભાગની પ્રોડક્ટસ નકલી હોય છે તેમાં ય મહત્ત્વની બાબત તો એ છે કે ઓનલાઇન શોપિંગ ક્ષેત્રની નાની નાની કંપનીઓની સાથોસાથ જાયન્ટ કંપનીઓની સાઇટ પરથી પણ નકલી પ્રોડક્ટસ મળી રહી છે તેમ આ સર્વેમાં જણાવાયું હતું.

ઓનલાઇન શોપિંગમાં પરફ્યુમ્સ અને સ્પોર્ટ્સ ગુડ્ઝ ક્ષેત્રે નકલી પ્રોડક્ટસનું પ્રમાણ સૌથી વધુ છે. આ ઉપરાંત રેડીમેડ ગાર્મેન્ટ, શૂઝ અને લેધર એસેસરીઝમાં ખાસ કરીને બેગ્સમાં પણ મોટા પાયે નકલી પ્રોડક્ટસ ગ્રાહકના માથે ઠોકી દેવાય છે. ઇ-કોમર્સ ક્ષેત્રની અનેક વેબસાઇટો પર તોતિંગ ડિસ્કાઉન્ટની ઓફર જોઈને ગ્રાહકો તેને ખરીદવા આકર્ષાય છે. પરંતુ જ્યારે તેની ડિલીવરી મળે ત્યારે તે વસ્તુ નકલી હોય છે. આમ, દિન પ્રતિદિન આ મુદ્દાને લઈને ગ્રાહકોની ફરિયાદમાં સતત વધારો થઈ રહ્યો છે.

ઇ-કોમર્સ ક્ષેત્રની અનેક વેબસાઇટો પર બ્રાન્ડેડ ચીજવસ્તુઓ પર ૬૦થી ૭૦ ટકા જેટલા ડિસ્કાઉન્ટની ઓફરો રજૂ કરાઈને ગ્રાહકોને લલચાવવામાં આવે છે. બ્રાન્ડેડ ચીજવસ્તુમાં આટલું બધુ ડિસ્કાઉન્ટ મળતા ગ્રાહકો તેની ખરીદી માટે તૂટી પડતા હોય છે અને જ્યારે તેની ડિલીવરી મળે ત્યારે તે વસ્તુ નકલી હોય છે. અહીં મહત્ત્વની બાબત એ છે કે કોઈ પણ ચીજવસ્તુ પર જ્યારે ઊંચુ ડિસ્કાઉન્ટની ઓફર કરાઈ હોય તો સાવચેતી રાખવી જરૃરી છે. કારણ કે કોઈ પણ મોટી/ બ્રાન્ડ ધરાવતી કંપનીઓ આટલા ઊંચા ડિસ્કાઉન્ટ ઓફર કરતી જ નથી. આ કંપનીઓ ઓછા માર્જીન પર ટ્રેડિંગ કરતી જ નથી અને કરી પણ ના શકે તે એટલી જ વાસ્તવિકતા છે.

ગ્રાહકો જે તે પ્રોડક્ટસ પર ઊંચા ડિસ્કાઉન્ટ જોઈને ઓનલાઇન ક્ષેત્રે આંધળુકિયા કરતા હોય છે પરંતુ પાછળથી છેતરપિંડી થયાનું માલુમ પડે છે. ગ્રાહકોએ કોઈ પણ વસ્તુની ઓનલાઇન શોપિંગ કરતી વેળા ખૂબ જ સાવધાન રહેવાની જરૃર છે. જે સાઇટ પર કંપનીના લોગો, બ્રાન્ડ અથવા ટ્રેડમાર્કની ઇમેજ ઝાંખી દેખાતી હોય તેવી સાઇટથી દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત કંપનીના નામ પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. કારણ કે, ઘણી વખત બ્રાન્ડેડ કંપની જેવા જ ભળતા નામની કંપનીનો ઉલ્લેખ કરાયેલો હોય છે પંરતું ગ્રાહકો ઉતાવળમાં આ મુદ્દાને નજર અંદાજ કરતા હોય છે અને સરવાળે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે.

જો કે, આ ક્ષેત્રની આગેવાન કંપનીઓ તેમની સાઇટ્સ પરથી ખરીદીમાં છેતરપિંડી થાય નહિ તે માટે ચોક્કસ પગલા ભરતી હોય છે ઉપલબ્ધ ડેટા અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં સ્નેપડીલ કંપનીએ ૪૫૩૧૯ લોકો પર તેમનું પ્લેટફોર્મ વાપરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ લોકો સ્નેપડીલના પ્લેટફોર્મ પર ટર્મ્સ ઓફ કાયદાનું ઉલ્લંઘન કરતા આ પગલું ભરાયું હતું. આ ઉપરાંત એમેઝોન તેમજ ફ્લિપકાર્ટ કંપની દ્વારા પણ આવા બનાવો રોકવા આકરા પગલા ભરવામાં આવ્યા છે.

ઇ-કોમર્સ ક્ષેત્રે સતત વધી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્રમાં રહેલી ગેરરીતિઓને દૂર કરવા સરકાર દ્વારા નવી ઇ-કોમર્સ નીતિનો અમલ કરવાની તૈયારીઓ હાથ ધરાઈ છે જેના માટે એક ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે. આ ટાસ્ક ફોર્સ આગામી છ માસમાં આ નીતિ તૈયાર કરશે. જેમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મને અધિસૂચિત કરવાની સાથોસાથ ડેટા સુરક્ષા સહિતના અન્ય મુદ્દાઓને સમાવવામાં આવશે આ નીતિ તૈયાર કરવામાં ટેક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનિક ડેટા સુરક્ષા તેમજ સ્પર્ધાત્મક માહોલ જેવા મુદ્દાઓને પણ આવરી લેવાશે. ટાસ્ક ફોર્સ છ માસમાં તેનો રિપોર્ટ રજૂ કરશે તે પછી આ ક્ષેત્ર માટેના નવા નિયમોની જાહેરાત થશે.

આ નીતિમાં ઑનલાઇન પોર્ટલથી ઑફલાઇન બિઝનેસ પર અસર ન થાય તેવા મુદ્દા પર પણ ધ્યાન કેન્દ્રિત કરાશે. આમ પણ ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધતા ઑફલાઇન બિઝનેસ ગૃહો દ્વારા અપનાવાયેલી પોલિસીનો વિરોધ કરાયેલો છે તેથી આ મુદ્દાને પણ આ નીતિમાં સમાવવામાં આવશે. આમ, ઓનલાઇન શોપિંગ ક્ષેત્રે સતત ઉદ્ભવી રહેલી પ્રતિકૂળતાઓને ડામવાના ચક્રો ગતિમાન થયા છે.
 

More Stories:-


Post Your Comment