કર્ણાટકનો રાજકીય સંઘર્ષ વિજય માટેની સતત ઝંખના


કર્ણાટકનો રાજકીય સંઘર્ષ વિજય માટેની સતત ઝંખના

રાજકારણીઓ પાસેથી બોધપાઠ લેવો જોઇએ

જો વચનો પ્રમાણે કામ કર્યું હોય તો પ્રચાર માટે નીકળવું જ ના પડે !!


કર્ણાટક એ ભારત નથી. આપણે ત્યાં લડાતી તમામ ચૂંટણીઓ મહાભારતના યુધ્ધની જેમ લડાઇ રહી છે. નથી તો કોઇ મહાભારતના સિધ્ધાંતોને યાદ કરતું કે નથી મહાભારતની આચાર સંહિતાને કોઇ પાળતું. બે પક્ષ વચ્ચેની સ્પર્ધા પર મહાભારતનું લેબલ મારી દેવામાં આવે છે. ગુજરાતમાં ચૂંટણી લડાઇ ત્યારે પણ મહાભારત કહેવાયું; હવે કર્ણાટકના જંગની સાથે પણ મહાભારતને વણી લેવામાં આવ્યું છે. ટૂંકમાં દરેક ચૂંટણીઓ ખરાખરીના ખેલ સમાન હોય છે.

ભારતના લોકોએ ચૂંટણીઓના જંગ પરથી જીંદગીના બોધપાઠ લેવાની જરૃર છે. આગળ વધવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે, સતત મજૂરી કરવી પડે છે; સતત ફરતા રહેવું પડે છે. કોંગ્રેસ સૌથી જુનો પક્ષ છે. જો તેણે પ્રજાલક્ષી કામો કર્યા હોત તો રાહુલ ગાંધીએ ઘેર-ઘેર પ્રચાર માટે ફરવું ના પડત !! એવી જ રીતે વડાપ્રધાન મોદી પણ તેમના ચાર વર્ષના શાસનમાં કોઇ ચમત્કાર લાવી શક્યા હોત તો તેમણે પણ કર્ણાટકમાં જાહેરસભાઓ ના સંબોધવી પડત !

ભારતના યુવાધને તો આ રાજકીય ચડસા-ચડસીને સમજવા જેવી છે. ''દિલ માગે મૉર''વાળી ઝંખના સાથે રાજકારણીઓ લડે છે. ભાજપ પાસે ૨૩ રાજ્યો છે. કર્ણાટક હારી જાય તો પણ શું ફર્ક પડે છે. ઘણાં એવું વિચારે છે કે ભાજપે કર્ણાટક મેળવવા કરોડો રૃપિયા ખર્ચ્યા, રેડ્ડી બ્રધર્સ જેવા ભ્રષ્ટાચારીઓ સાથે હાથ મિલાવ્યા; ગુનેગારોને ટીકીટ આપવી પડી તેના બદલે કોંગ્રેસને જીતવા દેવી જોઇતી હતી. ભાજપ કરોડો રૃપિયા બચાવી શકત અને તેનો ઉપયોગ કર્ણાટકના વિકાસમાં કરી શકત !!

એક પક્ષ રાજ્ય પડાવી લેવા ઈચ્છે છે તો બીજો રાજ્યને સાચવી રાખવા માગે છે. ઘેર-ઘેર કર્ણાટકની ચર્ચા ચાલે છે. ચૂંટણીની હાર-જીત લોકોના માનસ પર લાંબો સમય ટકતી નથી. કર્ણાટકના પરિણામો ૧૧ વાગ્યા સુધીમાં સ્પષ્ટ થવા સાથે જ લોકો તે જંગને ભૂલી જશે તે પણ નક્કી છે. માહોલ એવો ઊભો કરાય છે કે જાણે કોંગ્રેસ કે ભાજપ જીતશે તો ભારતની ગરીબી, બેરોજગારી રાતોરાત અદ્રશ્ય થઇ જશે !! સેંકડો ચૂંટણીઓ લડાઇ પણ કોઇ ચમત્કારીક ફર્ક નથી પડયો.

ભારતમાં ઘણાં લોકો ચૂંટણીના ઘોંઘાટીયા વાતાવરણ, હૂંસા-તૂંસી, બે-નંબરના પૈસાની હેરાફેરી, મતદારોને અપાતી ગીફ્ટ વગેરેથી નારાજ છે. મતદારોને આડકતરી રીતે ખરીદવાની કોશિષ કરાય છે. મતદારોને લોલીપોપ બતાવીને ચૂંટણી જંગ જીતતા રાજકીય પક્ષો પાંચ વર્ષ માટે રાજા બની જાય છે અને પછી પ્રજાને ભૂલી જાય છે.

ચૂંટણી જીતીશું તો લેપટોપ આપીશું એવું વચન શા માટે ? દરેક પક્ષ જીત્યા વિના પણ લેપટોપ આપી શકે એટલો પૈસાદાર હોય છે.

ભારતની ગરીબી અને બેરોજગારીનો લાભ ઉઠાવવાની ફાવટ રાજકીય પક્ષોને આવી ગઇ છે. આવા લોકોની સંખ્યા ૭૦ ટકા છે. તેમાં કિસાનો પણ આવી જાય છે. સતત ૭૦ વર્ષથી રાજકીય પક્ષો સત્તા મેળવવા પાંચ-દશ મુદ્દે લડયા કરે છે. આ પૈકીના એકેય મુદ્દે સોલ્યુશન નથી આવતું. છાશવારે આવતી ચૂંટણીઓ અને તેમાં સત્તા મેળવવા ધમપછાડા કરતા રાજકીય પક્ષો જુઠ્ઠાણા ફેલાવતા મશીન જેવા હોય છ.

આ પક્ષોને પ્રજાની લગ્ગીરેય પડી નથી હોતી. પ્રચાર પૂરો થયા પછી મતદાન અને ત્યારબાદ સંભવિત બેઠકો માટેની પ્રીડીકશનો લોકોનો સમય બગાડી રહ્યા છે.

કર્ણાટકના પરિણામો હવે ગલ્લા ટૉક બની ગયા છે. દરેક પક્ષના સમર્થકો પોતાના પક્ષ તરફી પરિણામો ઈચ્છે છે. અનિશ્ચિત સ્થિતિના કારણે ભાવિ ભાખનારાઓનો રાફડો ફાટયો છે. આખો દેશ કર્ણાટકની દિશામાં જોઇ રહ્યો છે. દેશ અનેક સમસ્યાઓથી પીડાઇ રહ્યો છે.

કર્ણાટકનો જંગ પત્યા પછી તરત જ મધ્યપ્રદેશ, રાજસ્થાનનો જંગ શરૃ થશે. ત્યારપછી તરત લોકસભાનો જંગ આવશે. પ્રજાએ વચનોના વરસાદમાં ભીંજાયા કરવાનું જો પક્ષો બોલે છે તે પ્રમાણે કે વચનો આપ્યા પ્રમાણેના ૨૫ ટકા કામો કરે તો પણ પ્રજાની સમસ્યાઓ હલ થાય એમ છે !!

દરેક રાજ્યમાં બિઝનેસ સમિટ થાય છે જેમાં કરોડોના એમઓયુ થાય છે પરંતુ  ૨૫ ટકા કંપનીઓ જ રોકાણ કરે છે. આ રીતે ચૂંટણી પ્રચાર એ રાજકીય પક્ષોએ પ્રજા સાથે કરેલ એમઓયુ છે. આ એમઓયુ પૈકી માંડ દશ ટકા વચનોનું અમલીકરણ થાય છે; બાકીના વચનો પાંચ વર્ષ પછી ફરી રીપીટ કરાય છે !!

લોકોની નબળી યાદશક્તિનો લાભ ઊઠાવવામાં રાજકીય પક્ષો ઉસ્તાદ છે..
 

More Stories:-


Post Your Comment