કમોસમી વરસાદથી મોટું નુકસાન ખેડૂતોએ સ્ટોરેજ ઉભા કરવા જરૃરી


કમોસમી વરસાદથી મોટું નુકસાન ખેડૂતોએ સ્ટોરેજ ઉભા કરવા જરૃરી

માર્કેટીંગ યાર્ડના સંચાલકો કમોસમને સમજી ના શક્યા

અનાજની કિંમત નથી : ક્યારેક સડે છે તો ક્યારેક ઉંદરડા ખાય છે, ક્યારેક પલળી જાય છે


કમોસમી વરસાદે મોટું નુકશાન કર્યું છે. કુદરતી આપત્તિ વારંવાર કિસાનોની પરીક્ષા કરતું હોય છે. સત્તાવાળાઓ તરફથી કિસાનોને માંડ થોડી રાહત મળે છે પણ કુદરતી આપત્તિ તો બધું વાળી-ઝુડીને સાફ કરી નાખે છે. કિસાનો કુદરતી પ્રકોપથી ટેવાઈ ગયા છે. કોઈપણ સ્થિતિમાં આનંદમાં રહેવાયેલો કિસાન કુદરતથી બહુ નારાજ નથી પણ સરકારી તંત્ર અને સરકારી વાયદાથી નારાજ છે.

સરકારી ગોડાઉનના અનાજ સડી જવાં, ઉંદરો ખાઈ જાય, પાણીમાં પલળી જાય જેવી ઘટનાઓ વારંવાર જોવા મળે છે. એકતરફ લોકોને બે ટંક ખાવાના ફાંફા છે તો બીજી તરફ અનાજ સડતું હોય એવી સ્થિતિ પાછળ સરકાર જવાબદાર છે.

ખેત ઉત્પાદન પછી, તે માર્કેટ યાર્ડમાં વેચાવવા જાય છે. કૃષિ ઉત્પાદનથી માંડીને વેચાણ સુધી એ બધું જ ભગવાનના ભરોસે જ બધું ચાલતું હોય છે.

એમ લાગે છે કે આપણને અનાજની કિંમત નથી. માંડ ઉત્પાદન કરેલું અનાજ માણસની બેદરકારીનો ભોગ બનતું આવ્યું છે. કમોસમી વાતાવરણ હોવા છતાં અનાજને ખુલ્લું રખાયું હતું. માર્કેટીંગ યાર્ડ પાસે પણ મજબુત સ્ટોરેજ નથી. ગયા અઠવાડીયાની સ્થિતિ જોઈને એમ લાગે છે કે દરેક માર્કેટીંગ યાર્ડે વિશાળ સ્ટોરેજ ઉભા કરવા જોઈએ.

ઉત્પાદન સાથે સંકળાયેલી કોઈપણ કંપની પોતાના સ્ટોરેજ રાખે છે, વેરહાઉસ રાખે છે પરંતુ જે દેશમાં ૬૦ ટકા ઉત્પાદન કિસાનો દ્વારા થતું હોય છતાં તેમના ઉત્પાદનના સ્ટોરેજ માટે કોઈ વ્યવસ્થા નથી હોતી !!

કિસાન પાસે પોતાનો કૂવો, ટ્રેક્ટર, પશુધન હોય છે પણ સ્ટોરેજવાળો કોન્સેપ્ટ હજુ તેણે નથી સ્વીકાર્યો !! તમાકુના ઉત્પાદકો તમાકુના સ્ટોરેજ માટે ખળી બનાવે છે. તમાકુ કેમ સુકાય એમ વધુ પૈસા કમાવી આપે છે.

તાજેતરના કમોસમી વરસાદે કિસાનો કરતાં માર્કેટ યાર્ડ વધુ રોયા છે. માર્કેટ યાર્ડના સંચાલકો પાસે સ્ટોરેજની કેપેસીટી મર્યાદિત હોય છે. હવે તો કમોસમી વરસાદની માહિતી કે વાતાવરણ બદલાવવાની શક્યતા બે દિવસ અગાઉ જાણવા મળી જાય છે. કેટલાક ખગોળશાસ્ત્રીઓ એડવાન્સમાં આગાહી કરે છે. ગયા અઠવાડીયે કમોસમી ઝાપટાંની આગાહી કરાઈ હોવા છતાં માર્કેટ યાર્ડ ના તો માલને ઢાંકી શક્યું કે ના તો ખુલ્લામાં પડેલા જથ્થાને સલામત જગ્યાએ ખસેડી ના શક્યા !!

ગુજરાતમાં કમોસમી વરસાદ એ સામાન્ય વાત બની ગઈ છે. કમોસમી વરસાદ પડે એટલે સમાચારોમાં બે-ચાર મુદ્દા નિશ્ચિતપણે જોવા મળે છે. જેમકે ખુલ્લામાં રહેલું અનાજ પલળી ગયું, બોરીબંધ અનાજ પણ બગડી ગયું, ખેતરમાં કાપીને તૈયાર કરેલો માલ પલળી ગયો વગેરે... વગેરે... કિસાનોને કેટલું નુકશાન થયું છે તેનો ઉચ્ચક આંક નક્કી કરીને સરકાર પાસે વળતર માગવાની શરૃઆત કરે છે. વળતરની માગણીમાં વત્તું-ઓછું નુકશાન ધ્યાનમાં નથી લેવાતું, દરેકને રાહત આપવાની જાહેરાત થાય છે.

કમોસમી વરસાદ વણનોતર્યા મહેમાન જેવો છે. કિસાનને આ મહેમાન કોઠે પડી ગયો છે છતાં ઘરમાં કોઈ સવલત ના હોય એ કેવું ? અનાજનો સંગ્રહ કરવા નાનો સ્ટોરેજ ઘરમાં કે ઘરની બાજુમાં ઉભો કરી શકાય છે. આ સ્ટોરેજનો ખર્ચ સામાન્ય થાય છે પણ તે લાંબા નુકશાનમાંથી બચાવી લે છે.

કમોસમી વરસાદમાં સૌરાષ્ટ્રની કેસર કેરીને નુકશાન થયું છે. આ વખતે કેરીનો પાક સારો હતો પણ કુદરતી પ્રકોપે બધું વેરણ-છેરણ કરી નાખ્યું છે.

કમોસમી વરસાદની ચેતવણી છતાં માર્કેટ યાર્ડનો માલ સલામત સ્થળે નહોતો ખસેડાયો. ઊંઝામાં ઈસબગુલના ગઠ્ઠા જોઈને વેપારીઓ રડમસ બની ગયા હતા. કમોસમી વરસાદ કિસાનોને ખોટનો ફટકો મારે છે તો સરકારની પોલ ખુલ્લી કરે છે. માંડ ઉત્પાદન થાય છે અને તે વેડફાઈ જાય છે. દરેક ખેતરમાં સ્ટોરેજ ઉભો કરવા સરકારે ખાસ સબસીડી આપવી જોઈએ. જેટલું ખેત તલાવડીનું મહત્વ છે એટલું જ સ્ટોરેજનું પણ છે...

જે લોકો અનાજ સ્ટોર કરી શકે છે તે સિઝન પછીના વેચાણથી વધુ નફો લઈ શકે છે. આગળ તમાકુની ખળીનું ઉદાહરણ આપ્યું છે.

માણસ કુદરત સામે ટકરાઈ શકતો નથી પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા તો જરૃર ઉભી કરી શકે છે. કિસાનોને સ્ટોરેજ માટે ટ્રેઈન કરવાની જરૃર છે.

આ સ્ટોરેજ એ મંદિર સમાન હોય છે. કિસાનોએ પોતાની સૂઝ અને આંતરિક શક્તિઓ સ્ટોરેજ માટે કામે લગાડવા જેવી છે.
 

More Stories:-


Post Your Comment