રિલાયન્સે 'જીયો' બ્રાઉઝર તૈયાર કરી 'ક્રોમ'ને પડકારવું જોઈએ


રિલાયન્સે 'જીયો' બ્રાઉઝર તૈયાર કરી 'ક્રોમ'ને પડકારવું જોઈએ

- ઇન્ટરનેટ ટેકનોલોજી ક્ષેત્રે સંશોધનની જરૃર

- ભારત આઇટીના કાયદા બનાવવામાં વ્યસ્ત તો ચીન ટેકનોલોજી સંશોધનમાં મસ્ત


ભારત ઇન્ફોર્મેશન ટેકનોલોજીના નવા કાયદા બનાવવામાં અટવાયેલું છે. તો ચીન ઇન્ટરનેટ ટેકનોલોજી પર ભાર મુકી રહ્યું છે. ભારતના કોઇ કાયદા એડવાન્સમાં નથી બનતા જેમ જેમ જરૃરીયાત પડે એમ એમ કાયદા બને છે. કાયદા બનાવવાની પ્રોસીજર એટલી લાંબી હોય છે કે ત્યાં સુધીમાં છેતરપીંડી કરનારાઓએ ઘણાંને નુકસાન પહોંચાડી દીધું હોય છે.

ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે શરૃઆતથી જ નબળા કાયદા હતા. છેતરપીંડી કરનારા કાયદાના અભાવે છુટી જતા હતા. વેબસાઇટમાં ડોમેઇન નેમના માલિકી હક્ક વિશે પણ કોર્ટો બહુ અસરકારક ચુકાદા આપી શકતી નહોતી.

ઇન્ટરનેટ ટેકનોલોજી પરના સંશોધનના બદલે ભારતે આઇટીના કાયદાને વધુ પ્રોત્સાહન આપતું આવ્યું છે. વર્તમાન સ્થિતિ એવી છે કે ઇન્ટરનેટ ટેકનોલોજી ક્ષેત્રે ભારત કોઇ નવું સંશોધન લાવી શક્યું નથી અને કોઇ કડક કાયદા પણ લાવી શક્યું નથી.

ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવાના ભારતે અનેક ચાન્સ ગુમાવ્યા છે. હવે સ્ટાર્ટઅપ જેવી સ્કીમો મુકાઇ છે પરંતુ મૂલ ટેકનોલોજી તો અમેરિકા અને ચીને બનાવેલી વપરાય છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના કાયદા કરતાં વધુ મહત્વનું ઇન્ટરનેટ ટેકનોલોજી છે.

ગયા વર્ષે ભારતે ગુગલ ક્રોમ જેવા બ્રાઉઝર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેનું નામ પણ નક્કી કરાયું હતું. જો આ પ્રોજેક્ટને સફળતા મળત તો કોઇ ભારતીય 'ક્રોમ' ના વાપરત પણ સફળતા મળી નહોતી. મોઝીલા ફાયર ફોક્સ બ્રાઉઝરના સ્ટાફને તોડીને ગુગલે ગુગલ ક્રોમ બનાવ્યું હતું.

ભારતમાં ઇન્ટરનેટના વપરાશકારોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે. હવે તો ચૂંટણી ઢંઢેરામાં પણ મફત સ્માર્ટ ફોન કે લેપટોપ આપવાની જાહેરાતો થાય છે ત્યારે ત્યારે દૂરના ગામડાઓમાં પણ સ્માર્ટ ફોનના વપરાશકારો વધશે. સ્માર્ટ ફોનના વધતા વપરાશના કારણે તો ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોન અને વોલમાર્ટે ભારતની કંપની ફલીપકાર્ટ ખરીદવા એડી-ચોટીનું જોર લગાવ્યું હતું.

જેમ ઇ-કોમર્સનો વ્યાપ વધ્યો છે, તેનાથી બમણી સંખ્યામાં ઇ-એજ્યુકેશનનો વપરાશ વધ્યો છે. જોકે આ બધી સિસ્ટમમાં અમેરિકી ટેકનોલોજી વપરાય છે એ ભૂલવું ના જોઈએ. અત્યાર સુધી તો પેમેન્ટ ગેટ-વે પણ વિદેશના વાપરવામાં આવતા હતા.

ભારતના ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રનો વહિવટ ૬૫ વર્ષના પ્રધાનને સોંપવાના બદલે કોઇ ૨૫-૩૦ વર્ષના યુવાનને સોંપવો જોઈએ. અમેરિકાની સિલિકોન વેલીમાં આવેલી કોઇ કંપનીમાં ૬૦ વર્ષથી ઉપરનો સ્ટાફ નથી !!
ટેલિકોમ ક્ષેત્ર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વચ્ચે આસમાન જમીનનો ફર્ક છે એ હજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમજી શક્યા નથી એમ લાગે છે. પ્રથમ ટેલિકોમ ક્ષેત્ર ડેવલોપ થયું હતું. દેશમાં નવું અને લેટેસ્ટ વિકસેલું ક્ષેત્ર ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે. ભારતમાં વધતા શિક્ષણના પગલે ઇન્ટરનેટના વપરાશમાં મોટો વધારો થયો હતો.

ભારતે ચીન પાસેથી શીખવાની જરૃર છે. ચીને જે રીતે પ્રથમ ટેકનોલોજી પછી કાયદા એ નીતિ અપનાવી છે તેનું અનુકરણ કરવાની જરૃર છે. ઇન્ટરનેટ ટેકનોલોજી ક્ષેત્રે ભારતે કોઇ મોટુ સંશોધન વિશ્વના તખ્તા પર મુકવાની જરૃર છે.

મોબાઇલ ક્ષેત્રે રીલાયન્સ જીયોએ ખળભળાટ સર્જ્યો છે. એક વર્ષ માટે મફત જેવી ચિત્તાકર્ષક સ્કીમો મુકીને સૌથી વધુ મોબાઇલ વપરાશકારો મેળવી લીધા છે. રીલાયન્સને આઇટી નિષ્ણાતોએ સજેશન કર્યું છે કે ગુગલ ક્રોમ બ્રાઉઝરની જેમ રીલાયન્સ 'જીયો' નામનું બ્રાઉઝર તૈયાર કરવું જોઈએ. રીલાયન્સ પાસે વપરાશકારોનો મોટો બેઝ છે, રોકાણ કરવાની ક્ષમતા છે.

ગુગલે પોતાનું બ્રાઉઝર પોતાની ઇ-મેલ સર્વિસ સહિતની અન્ય ૫૦ જેટલી સવલતો ઇન્ટરનેટ વપરાશકારો માટે મુકતાં લોકોએ ગુગલનો ઉપયોગ કાયમ બનાવી દીધો છે. ઇન્ટરનેટ સાથે સંકલાયેલા તમામ ગુગલનો ઉપયોગ કરે છે. ક્રોમ જેવા અન્ય બ્રાઉઝર છે પરંતુ ઇન્ટરનેટ વપરાશકારો પૈકી ૮૦ ટકા ક્રોમનો ઉપયોગ કરતા થઇ ગયા છે. એટલે જ જો કોઇ ભારતીય કંપની પોતાનું બ્રાઉઝર બનાવે તો ચમત્કાર સર્જી શકે છે.

ભારતે આઇ.ટી. કાયદા બનાવવામાં બહુ સમય બગાડયો છે.... એટલો સમય ટેકનોલોજીને ડેવલોપ કરવા માટે પણ ઇન્વેસ્ટ કરવાની જરૃર છે.

એટલે જ સૌની નજર રીલાયન્સ પર છે. રીલાયન્સ પાસે ફોર-જી વપરાશકારોનો સૌથી મોટો ગ્રાહક બેઝ છે. તે પોતાના ફોનમાં પોતાનું બ્રાઉઝર ઇનબીલ્ટ કરીને આપી શકે છે. 'જીયો' બ્રાન્ડ નેમનું બ્રાઉઝર ભારતની ઇન્ટરનેટ ટેકનોલોજીમાં હરણફાળ સમાન સાબિત થઇ શકે છે.

More Stories:-


Post Your Comment