ભાજપના ધારાસભ્ય નીમા આચાર્ય, કાંતિ અમૃતિયા સહિત ૩ને એક વર્ષની સજા


ભાજપના ધારાસભ્ય નીમા આચાર્ય, કાંતિ અમૃતિયા સહિત ૩ને એક વર્ષની સજા

-૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં આચાર સંહિતા ભંગ મામલે

-મોરબીમાં યોજાયેલા કાર્યકરોના સંમેલનમાં જે વોર્ડમાંથી વધુ મતો મળશે તેને ઈનામો આપવાની અપાઈ હતી લાલચ


મોરબી, તા.12 ફેબ્રુઆરી 2018,સોમવાર

૨૦૦૯માં યોજાયેલી લોકસભા ચુંટણીની એક સભામાં તે વખતના બે ભાજપના ધારાસભ્ય અને યુવા નેતા સામે થયેલી આચારસંહિતા ભંગની ફરિયાદ મામલે આજે મોરબી એડિશ્નલ ચિફ કોર્ટ ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, મોરબીના માજી ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને હાલના પાસ આગેવાન મનોજ પનારાને એક એક વર્ષની સજા  ફટકારી હતી. જો કે, આ હુકમ સામે કોર્ટે સ્ટે આપતા હવે ત્રણેય ઉપલી કોર્ટમાં અપીલ કરાશે.

વર્ષ ૨૦૦૯માં યોજાયેલી લોકસભા ચુંટણી સમયે તે વખતના ભાજપના ઉમેદવાર પૂનમબેન જાટના સમર્થનમાં કાર્યકર સંમેલન મોરબી ખાતે યોજવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ અને સભા માટેની મંજુરી તે વખતના યુવા ભાજપના નેતા મનોજ પનારાના નામે લેવામાં આવી હતી.

સભામાં ઉપસ્થિત ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય અને મોરબીના માજી ધારાસભ્ય પણ તે વખતે ઉપસ્થિત હોય, જેણે કાર્યકરોને જે વોર્ડમાંથી વધુ મતો મળશે તેને ઈનામો આપવાની લાલચ આપવામાં આવી હોય, તે સંદર્ભે તે વખતે આચારસંહિતા ભંગની  ફરિયાદ થઈ હતી.

આ અંગે આજે મોરબી  એડિશ્નલ ચિફ કોર્ટમાં કેસ ચાલી સરકારી વકીલ રેહાનાબેન ગોરીની દલીલોને માન્ય રાખીને કોર્ટે ત્રણેય આરોપીઓને આચારસંહિતા ભંગ મામલે દોષિત ઠેરવ્યા હતા.

કોર્ટે ભુજના ધારાસભ્ય અને વિધાનસભાના પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્ય, મોરબીના માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા અને તે વખતના યુવા ભાજપ નેતા અને હાલ પાસના આગેવાન મનોજ પનારાને એક એક વર્ષની કેદની સજા અને ૧૦૦૦ રૃપિયા દંડ ફટકાર્યો છે. સજા સામે ત્રણેયે એડિશનલ ચિફ કોર્ટમાં જ હુકમ સામે અરજી કરતા આરોપીઓને ઉપલી કોર્ટમાં અરજી કરવા માટે એક માસની મુદત માટે હુકમ સામે સ્ટે આપવામાં આવ્યો હતો.

More Stories:-


Post Your Comment