જાણો કયા પ્રકારનું ઝેરી મટિરિયલ ભેળવાતુ હતુ ડુપ્લિકેટ ચામાં......


જાણો કયા પ્રકારનું ઝેરી મટિરિયલ ભેળવાતુ હતુ ડુપ્લિકેટ ચામાં......

- રાજકોટના ઈતિહાસમાં પહેલીવાર નકલી ચાનું કૌભાંડ,1050 કિલો નકલી ચાની ભૂકી ઝડપાઈ

- રાજકોટ ઉપરાંત ભાવનગર,અમરેલી સહિતના સ્થળે સસ્તામાં વેચાતી આ ઝેરી ચા


રાજકોટ,તા.16.મે 2018, બુધવાર

કાઠીયાવાડમાં આતિથ્ય સત્કાર માટે દાયકાઓથી વપરાતું પીણું ચા છે. તે માત્ર એક પીણું નથી પણ તેમાં એક આદરભાવના છલકે છે. પરંતુ, નફાખોર તત્વો હવે તેને પણ આભડી રહ્યા છે. રાજકોટમાં મનપાના ઈતિહાસમાં પ્રથમવાર  નકલી કેમીકલ કલરવાળી ઝેરી ચાનું મોટાપાયે ઉત્પાદન કરવાનું કારખાનુ ''દર્શન ટી, અર્હમ કોમ્પલેક્સ, ઘી પીઠના ડેલા સામે, હાથી મસાલા પાછળ, પરાબજાર, રાજકોટ''ખાતે ધમધમતું મળી આવ્યાનું મનપાએ જાહેર કર્યું છે.

આ અંગે ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું કે આ સ્થળે ચાના નામે એક પ્રકારનું ઝેર સેંકડો કિલોના હિસાબે બનતું હતું અને સૌરાષ્ટ્રભરમાં તેનું વેચાણ થતું હોવાનું પ્રાથમિક રીતે તપાસમાં જણાતા આ પ્રોડક્શન યુનિટનો તમામ માલસામાન,મશીનરી સીઝ કરીને ઉત્પાદન બંધ કરાવાયું છે અને ચાની ભુકીનો નમુનો સરકારી લેબોરેટરીમાં મોકલ્યો છે જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. તેમણે જણાવ્યું કે બે-ત્રણ દાયકામાં અનેકવિધ ભેળસેળ મનપાએ પકડી છે પણ આવી ગંભીર પ્રકારની અને મોટાપાયે અને તે પણ ચામાં જોખમી ભેળસેળ પ્રથમવાર પકડાઈ છે.

મ્યુનિ.સૂત્રો અનુસાર 'પંકજભાઈ શશીકાંતભાઈ શાહ, દર્શન ટી'માં આજે ફૂડ વિભાગની ટીમે ચેકીંગ હાથ ધરતા નકલી ચાનું થતું ઉત્પાદન પકડાયું હતું અને સ્થળ પરથી પાવડર બનાવવા, મિક્સીંગ કરવાનું મશીન, ૬૦ કિલો ભુંસુ (જે ચા જ નથી હોતી) ચા બન્યા પછી કચરામાં નાંખી દેવાતી ભુકી, ૬૦ કિલો કેમીકલ કલર (જેનાથી ભુકાને રંગી ઝેરી નકલી ચા બનાવાય) અને દરેક ૩૦ કિલોગ્રામની એવી ૩૫ નંગ, કૂલ ૧૦૫૦ કિલો આવી નકલી ચાની ભુકી કબજે કરાઈ હતી. આ પેઢી ઈ.સ.૨૦૦૫થી રજીસ્ટર્ડ થયેલી છે અને ત્યારે ઘણા સમયથી આ કારસ્તાન ચાલતું હોવાની શંકા જન્મી છે.

આ સ્થળે અગાશી પર કલરથી રંગેલી ચાનો પાવડર સુકાવા માટે રખાયો હતો અને તેની બાજુમાં લિક્વીડ કલર પણ પડયો હતો. આખી અગાશી પણ રંગથી ભરાયેલી નજરે પડી હતી.

ગ્રાઉન્ડ ફ્લોર પરથી ગુયાબારી, અલંકાર, ટી ઓકે, તાતોપાણી,સંન્યાસી, વીર જોહરા, વગેરે જુદા જુદા નામથી રાજકોટના વિવિધ ચા વિતરકો,ચાના થડાંવાળા ઉપરાંત ભાવનગર, અમરેલી, સિહોર સહિત સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થળે તેનું વેચાણ થતું હતું.

ચોંકાવનારી વાત એ છે કે આ ધંધાર્થી ટ્રાન્સપોર્ટરો પાસેથી અને ટી શોપ્સમાંથી રૃ।.૧૫થી ૨૦ના કિલોના ભાવે વેસ્ટેજ ટી (ચાની ભુકી) ખરીદીને પછી તેમાં ભુંસુ, કલર ઉમેરી, તેને ગ્રાઈન્ડીંગ અને ડ્રાઈંગ મશીનથી પ્રોસેસ કરીને આ નકલી ચા કિલોના રૃ।.૩૦થી ૪૦ના ભાવે બજારમાં વેચી દેવાતી હોવાનું મનપાની તપાસમાં ખુલ્યું છે.નકલી ચા બનાવવા લાકડાનો વ્હેર,ભુકો પણ ઉપયોગમાં લેવાતો હોવાનું જણાયું છે.

ડો.રાઠોડે ઉમેર્યું કે બજારમાંથી ચા બની ગયા પછી વધતી ભુકી મોટીમાત્રામાં ખરીદી, તેમાં ભુંસુ વગેરે નાંખી, તેને મિક્સ કરીને બાદમાં તે ચાની ભુકી લાગે તેવો સિન્થેટીક કેમીકલ કલર અને એસેન્સ ઉમેરી ચા બનાવાતી હોવાનું જણાયું છે, આ ચામાં કેવા ઝેરી તત્વો હતા તે લેબોરેટરી રિપોર્ટ પરથી ખુલશે અને હાલ આ ઉત્પાદન યુનિટને બંધ કરાવી દેવાયું છે.

More Stories:-


Post Your Comment