પોલીસે માર મારતા વિસાવદરની યુવતીનો ઝેરી દવા પી આપઘાત


પોલીસે માર મારતા વિસાવદરની યુવતીનો ઝેરી દવા પી આપઘાત

- ગુજરાત પોલીસના માથે કાળી ટીલી લગાડતી શરમજનક ઘટના

- પિતાને પોલીસનો માર ખાતા જોઈ વચ્ચે પડેલી દીકરી પર પણ પોલીસનો સીતમ


વિસાવદર, તા. 16.મે 2018 બુધવાર

પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવાનું છે. તેનો અર્થ એવો નથી કે તે કિંગ છે અને મનફાવે તેમ વર્તન કરી શકે છે.

વિસાવદરમાં એક યુવતી અને તેના પિતાને પોલીસે માર મારતા યુવતીને લાગી આવ્યું હતું અને તેણે ઘરે જઈને ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે વિસાવદરમાં અશાંતિ ન ફેલાય તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રઝાકભાઈ મોદી (રહે.વિસાવદર બસ સ્ટેન્ડ પાછળ) છોટા હાથી ચલાવે છે. તેમનું વાહન જૂના બસ સ્ટેન્ડ ચોકમાં પડયું હતું. પોલીસે તે ગઈકાલે બપોરે સાડા બાર વાગ્યે ડીટેઇન કરી લીધું હતું.

રઝાકભાઈ પોલીસ સ્ટેશને છોડાવા જતા પીએસઆઈ આર. કે. સાનિયા, પીએસઆઈ પરમાર અને બે મહિલા કોન્સ્ટેબલ તેમને માર મારવા લાગ્યા. તેમની પુત્રી આસિયાના (ઉ.વ.૧૯) પણ એ સમયે ત્યાં હતી. તે પિતાને છોડાવવા વચ્ચે પડતા પોલીસે તેની સાથે પણ મારઝૂડ કરી હતી.

બનાવને પગલે આસિયાનાને લાગી આવ્યું હતું. બપોરે ઘરે જઈ લગભગ એકથી દોઢ વાગ્યા વચ્ચે તેણે ઝેર ગટગટાવી લીધું હતું. પરિવારના સદસ્યોને એ વિશે જાણ થતા તેઓ તુરંત તેને વિસાવદર સરકારી હોસ્પિટલે અને ત્યાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

બપોરે પાંચ વાગીને ૧૦ મિનિટે તેનું મૃત્યુ થયું હતું. યુવતીએ ડાયિંગ ડેક્લેરેશનમાં લખાવ્યું હતું કે બે પીએસઆઈ અને બે મહિલા કોન્સ્ટેબલે તેને મારતા અને ત્રાસ આપતા આ પગલું ભરી લીધું છે.

આ ઘટનાથી વિસાવદરમાં સનસનાટી મચી ગઈ હતી. એસપીએ તરત જ જૂનાગઢ એલસીબી, એસઓજી, મેંદરડા તથા બિલખા પોલીસનો સ્ટાફ વિસાવદરમાં તૈનાત કરી દીધો હતો.

More Stories:-


Post Your Comment