આજે રાત્રે સાધુ-સંતોની રવેડીનો લંબાવાતો રૃટ, મૃગિકુંડમાં સ્નાન


આજે રાત્રે સાધુ-સંતોની રવેડીનો લંબાવાતો રૃટ, મૃગિકુંડમાં સ્નાન

-દિગંબર સાધુઓ દ્વારા અંગકસરત, લાઠીદાવ, તલવારબાજી સહિતના કરતબો બનશે રવેડીના આકર્ષણનું કેન્દ્ર, લોકો બ


જૂનાગઢ, તા.12 ફેબ્રુઆરી 2018,સોમવાર

જૂનાગઢના ભવનાથમાં ચાલી રહેલા શિવરાત્રી મેળાના ચોથા દિવસે આજે અંદાજે ચાર લાખથી વધુ લોકો ઉમટી પડયા હતા. જ્યારે આવતીકાલે શિવરાત્રીના મેળાના અંતિમ દિવસે રાત્રીના સાધુ-સંતોની રવેડી યોજાશે.

જેમાં દિગંબર સાધુઓના અંગકસરત, લાઠીદાવ, તલવારબાજી સહિતના કરતબો રવેડીના આકર્ષણનું કેન્દ્ર બનશે. રવેડી પૂર્ણ થયા બાદ ભવનાથ મંદિરે પરત ફરશે. જ્યાં સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરશે. એ સાથે પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ થશે. આ વખતે પ્રથમ વખત રવેડીનો રૃટ લંબાવાયો છે જેથી વધુ લોકો રવેડીના દર્શન કરી શકશે.

અગાઉ દુધેશ્વરની જગ્યાએથી રવેડી પરત ફરતી હતી પરંતુ નવા રૃટ મુજબ જૂના અખાડા ખાતેથી સાધુ-સંતોની રવેડીનો પ્રારંભ થશે. જે ભવનાથ મંદિર મંગલધામ આશ્રમ, દતચોક, ટૂરિઝન ગેઈટ, રૃપાયતન ત્રણ રસ્તા, લાલબાપુની જગ્યા, આપાગીગાનો ઉતારો, ભારતીબાપુ આશ્રમ, પંચ દશનાથ અખાડા નજીકથી થઈ પરત ભવનાથ મંદિરે પહોંચશે. રૃટ આસપાસ બેરીકેડ લગાડાશે.

ગિરનારની ગોદમાં ગત તા. ૯ના મહાવદ નોમના ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. ગત રાત્રીથી યાત્રીકોનો અવિરત પ્રવાહ ભવનાથ તરફ વહી રહ્યો છે. આજે સવારથી પણ આવી જ સ્થિતી જોવા મળી હતી. આજે શિવરાત્રી મેળામાં અંદાજે ચાર લાખથી વધુ લોકો ઉમટી પડયા હતા અને તેઓએ અન્નક્ષેત્રોમાં ભોજન-પ્રસાદ લઈ રાત્રે ભજનો-સંતવાણીની મજા માણી હતી.

હવે આવતીકાલે મહાશિવરાત્રીના દિવસભર ભગવાન મહાદેવની આરાધના થશે અને રાત્રે શ્રી પંચ દશનામ જૂના અખાડા ખાતેથી જૂના અખાડા આવાહન અને અગ્નિ અખાડાના સાધુઓ તેમજ નાગા સાધુઓની વાજતે-ગાજતે રવેડી નીકળશે. જેમાં ધર્મધજા, ધર્મદંડ સાથે સાધુઓ પોતાના અખાડાનું પ્રતિનિધિત્વ કરશે. મહામંડલેશ્વર તેમજ થાનાપતિઓ, મહંત, શ્રીમહંતો પણ રવેડીમાં જોડાશે. રવેડીમાં અખાડાના ઈષ્ટદેવને પાલખીમાં બિરાજમાન કરાવાશે.

રવેડી દરમ્યાન સાધુ-સંતો અંગકસરત, લાઠીદાવ, તલવારબાજી સહિતના કરતબો રજૂ કરશે. રવેડીનો રૃટ આ વખતે લંબાવાયો છે તેથી વધુ લોકો દર્શનનો લાભ લઈ શકશે. મોડી રાત્રીના રવેડી પરત ભવનાથ મંદિરે પરત પહોંચશે. જ્યાં સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરશે અને ત્યાર પછી ભવનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી થશે. મહાઆરતી બાદ મેળાની પૂર્ણાહુતિ થશે.

મહા શિવરાત્રીના દિવસે મેળાનું મુખ્ય આકર્ષણ સાધુ-સંતોની રવેડી છે. આવતીકાલે બપોરથી જ રવેડીના રૃટ આસપાસ બેરીકેડીંગ થઈ જશે અને હજારો લોક રવેડી નિહાળવા માટે બપોરથી જ રૃટની આસપાસ ગોઠવાઈ જશે અને કલાકો સુધી એક જ સ્થળે બેસી રહી રવેડી નીકળવાની પ્રતિક્ષા કરશે.

આવતીકાલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાના અંદાજ તેમજ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના હોવાથી આજથી જ વાહનોને તળેટી તરફ જવા માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. આવતીકાલે તો જે વાહનો ભવનાથ ક્ષેત્રમાં છે તેને પણ બહાર લાવવા સવારથી જ કાર્યવાહી કરવામાં આવશે.

More Stories:-


Post Your Comment