ક્રાઇમબ્રાંચના નામે બે વેપારીના ૨૨ લાખના દાગીના સેરવી લેવાયા


ક્રાઇમબ્રાંચના નામે બે વેપારીના ૨૨ લાખના દાગીના સેરવી લેવાયા

-રાજકોટ સોની બજારમાં ચાર શખ્સો દ્વારા

-જેતપુર અને મુંબઇના બંને વેપારી હોલમાર્ક કરાવવા ગયા ને ચેકીંગ ચાલુ છે કહી ગઠીયા કળા કરી ગયા


રાજકોટ, તા.૧૫ મે 2018, મંગળવાર

રાજકોટની સોની બજારમાં ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી મુંબઇ અને જેતપુરના બે સોની વેપારીને વિશ્વાસમાં લઇ ચારેક શખ્સોએ પોલીસનું ચેકીંગ ચાલુ છે કહી થેલા ચેક કરવાના બહાને થેલામાંથી રૃા. ૨૧.૬૬ લાખની કિંમતના સોનાના દાગીના લઇ જઇ છેતરપીંડી આચર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

એ ડીવીઝન પોલીસે આ અંગે જેતપુરના જુની દેસાિ વાડી નજીક અવેડા ચોકમાં રહેતા જયવંતભઇ હરીભાઇ લાઠીગરા (૬૨)ની ફરિયાદ પરથી બે બાઇક પર આવેલા ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી શોધખોળ આદરી હતી. ફરિયાદી જેતપુરથી રાજકોટમાં સ્થિત બંસી હોલમાર્કમાં સોનાના દાગીનામાં હોલ માર્ક કરાવવા માટે બસ મારફત આવ્યા હતા. અને દાગીનામાં હોલમાર્ક કરાવી દાગીના સ્ટીલની ડબીમાં મુકી તે થેલામાં મુકી અન્ય એક દુકાને ઓજાર લેવા ગયા હતા.

ત્યાંથી અન્ય એક દુકાને બીજા ઓજાર લેવા માટે જઇ રહ્યા હતા ત્યારે સોની બજારમાં અભિષેક હોલના દરવાજા પાસે પહોંચતા ત્યાં હાજર એક શખ્સે રોકી અમે ક્રાઇમ બ્રાન્ચ માણસો છીએ. પોલીસનું ચેકીંગ ચાલુ છે કહી તેને સાઇડમાં લઇ ગયા હતા. અન્ય ત્રણેય શખ્સો આવી પહોંચ્યા હતા. અને થેલામાં શું છે તેમ પુછતા તેણે તેના થેલાનો ચેઇન ખોલીને બતાવતા અન્ય શખ્સોએ તેને વાતોમાં મશગુલ બનાવી એક  શખ્સે દાગીના કાઢી થેલો પરત તેને આપી દીધો હતો. બાદમાં ચારેય શખ્સો બાઇક પર ત્યાંથી નાસી છુટયા હતા.


બીજી તરફ થેલાનો વજન ઓછો લાગતા ફરિયાદએ ચેક કરતા થેલામાં રાખેલી સ્ટીલની ડબી કે જેમાં દાગીના હતા તે લઇ ગયાની જાણ થઇ હતા. જેથી તેના સંબંધી સાથે ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યા હતા.

જ્યાં અન્ય એક વ્યક્તિ બેઠા હોય અને તેનું નામ કલ્પેશ મંડેસા (રહે. મુંબઇ) હોવાનું જાણવા મળ્યું હતું. આ વેપારી પણ મુંબઇથી રાજકોટ દાગીના સેલ્સ કરવા માટે આવ્યા બાદ આવી જ રીતે તેને પણ ચાર અજાણ્યા શખ્સોએ દાગીના સેરવી લઇ બંને પાસેથી કુલ રૃા. ૨૧.૬૬ લાખની કિંમતના ૭૨૨.૬૫૦ મિલીગ્રામ દાગીના લઇ ગયા હોવાનું ખુલતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
 

More Stories:-


Post Your Comment