હોરાઈઝન ભવેન કચ્છી: માડી... બા.. મા... મમ્મી... મૉમ


હોરાઈઝન ભવેન કચ્છી: માડી... બા.. મા... મમ્મી... મૉમ

- આજે 'મધર્સ ડે'... 'મોમ' કી મૂર્તિ... જ્યોત જલાવે... તાપ સહન કરે અને પછી પીઘળી જાય


માડી... બા.. મા... મમ્મી... મૉમ....
નરસિંહ મહેતાના ભજનની પંક્તિ 'નામરૃપ જૂજવા અંતે તો હેમનું હેમ'માં આમ તો કણ કણમાં જુદા જુદા સ્વરૃપે ઈશ્વર જ બિરાજમાન છે તે તરફ તત્વજ્ઞાાન આપણને દોરી જાય છે. આધુનિક સંદર્ભમાં માતા માટે પણ આમ જ કહી શકાય. માડીથી મૉમ જે પણ નામથી બોલાવો... અંતે તો હેમનું હેમ.

માતાની સૂરત નજર સામે રાખીએ તો ભગવાનની મૂરતની પણ શું જરૃર પડે ?
ભગવાન શ્રીગણપતિજીએ આવી જ ઉન્નત ભાવના સાથે તીર્થધામોની જાત્રા કરવાની જગાએ તેમનાં માતાપિતા પાર્વતી-ભગવાન શંકરની પ્રદક્ષિણા કરી હતી ને.

ભારતીય સંસ્કૃતિમાં તો માતા સરસ્વતી એટલે કે જ્ઞાાન, દુર્ગાના સ્વરૃપે શક્તિ અને ઐશ્વર્યમાં લક્ષ્મીજી બિરાજે છે. ભક્તિ તો અંબાજીની જ. જ્ઞાાન, શક્તિ, લક્ષ્મી અને ભક્તિ આ ચારેય જીવનના પાયા છે. બીજી રીતે કહીએ તો આત્મ સાક્ષાત્કાર મેળવવાના પાથેય છે. તેઓનું મૂળ સ્વરૃપ માતાજી છે.

પૃથ્વી પરની પ્રત્યેક માતામાં આ ચારેય સ્વરૃપનો વાસ છે.
ઈશ્વરે પૃથ્વીનું સર્જન તો કરી દીધું, પણ પછી વિચાર આવ્યો કે હું કેટલી જગ્યાએ પહોંચી શકીશ. મારા સંતાનોના ઉત્કર્ષ સાથે તેઓનો ઉછેર કેમ કરીશ ? બસ, આથી જ તેણે પૃથ્વી પર નારીમાં માતાનું સંસ્કરણ કર્યું. જે પણ નિ:સ્વાર્થ ભાવના સાથે યાતના વેઠીને તેમના આશ્રિતો માટે ખુવાર થઈ જાય તે માતા. એટલે જ ધરતી હોય કે નદી, તેને આપણે માતાનો દરજ્જો આપ્યો છે.

જેમ ઈશ્વરના ગુણગાન ગાવા માટે પૃથ્વીરૃપી ખડિયો અને તેના જળ જેટલી શાહી લઈએ તોપણ તે શક્ય નથી તેમ જ માતાની આભારવિધિ કરવાનું અસંભવ છે.

પ્રત્યેક સંતાન જો સંવેદનશીલ બને તો તેને માતાનો મહિમાગાન કરતાં દિવ્ય સુખ અને આનંદની ચિરંજીવ અનુભૂતિ થઇ શકે છે. માતાનો અનાદર કરનાર એક પણ સંતાન હજુ સુધી સાચા અર્થમાં સુખી હોય તે જોવા નથી મળ્યું. ફિલ્મ 'દીવાર'નો પેલો સંવાદ કેટલો ચોટદાર છે. માતા પર પ્રેમનો હક જમાવી તેને પોતાની સાથે રહેવા લઈ જવા માગતો અને આડે રસ્તે કમાણી કરતો પુત્ર રોફ જમાવતા તેના પગારદાર ઇન્સ્પેકટર ભાઇને તતડાવે છે કે, 'મારી પાસે બંગલો છે, ગાડી છે, પૈસા છે, બધું જ છે. તારી પાસે શું છે ?'

ફરજનિષ્ઠ અને પ્રામાણિક ભાઈ એટલો જ જવાબ આપે છે કે, 'મારી પાસે મા છે.'
અમિતાભ બચ્ચન 'એંગ્રી યંગમૅન'ના બિરુદ સાથે સુપરસ્ટાર બન્યો તેના પાયામાં ફિલ્મોના તેના રોલમાં એવો પુત્ર બતાવાય છે જે તેની માતા પર સમાજ, સિસ્ટમ કે દગાબાજોએ જે જુલમ વિતાવ્યો હોય છે તેનો બદલો મોટો થઇને તે લે છે. પ્રત્યેક પ્રેક્ષક તાળીઓથી વધાવી તે જમાનામાં થિયેટરમાં તેની માતા પ્રત્યેનું જાણે ઋણ ચૂકવતો હોય તેમ ભીંજાઈ જતો હતો.

જમાનાએ કરવટ બદલી. જોગાનુજોગ એ જ અમિતાભને ભાગે 'બાગબાન' ફિલ્મ આવી. જેમાં આધુનિક સંતાનોને માતાપિતા કરતા તેમના કૂતરાઓ વહાલા હોય છે. આ ફિલ્મમાં મોટા ભાગના પીઢ પ્રેક્ષકો અમિતાભ અને હેમા માલિનીમાં તેમની જાતને જોઇને દ્રવી ઊઠે છે. અલબત્ત, સ્મશાન વૈરાગ્યના ધોરણે !

માતામાં એવું ઈશ્વરે શું મૂક્યું છે જે તેને આ હદે તેના સંતાનો માટે તેના સંપૂર્ણ અસ્તિત્વને ઓગાળી દેવા પ્રેરિત કરે છે, તે સંશોધનનો વિષય છે. માત્ર માનવીના સંદર્ભમાં જ માતાને શા માટે જોવી ? પ્રત્યેક કિટક, પશુપંખી અને જીવના માતૃત્વને કુતૂહલતાથી નિહાળશો તોપણ બ્રહ્મજ્ઞાાન થઈ શકે તેમ છે.

ઘણી વખત તો સંતાનને ખબર જ નથી હોતી કે માતા તેના માટે શું કરી ચૂકી છે. એક પ્રકારની 'ટેકન ફોર ગ્રાન્ટેડ' અને તેથી જ આપણા તરફથી થેન્કલેસ-આભારહીન જડતા તેના માટે બહાર પ્રસરતી રહે છે. થોડાં વર્ષો પહેલાં પદ્મારાણી અભિનીત 'બા રિટાયર થાય છે' નાટક આવ્યું હતું. ઘરના મોભીસમાન બા એક વખત ઘરના સભ્યોને સુધારવા તેની રોજિંદી ફરજોમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય લે છે અને પછી ઘરમાં જે તનાવ, સંઘર્ષ, ક્લેશ સર્જાય છે તેનું સચોટ નિરૃપણ કરાયું હતું.

પાશ્ચાત્ સમાજવ્યવસ્થા અને સંસ્કૃતિના આપણે ભલે વિરોધી હોઇએ, પણ તેઓએ 'ફાધર્સ ડે' અને 'મધર્સ ડે' જેવા ડે રાખીને વિશ્વ માટે ઉમદા ખ્યાલ વહેતો કર્યો છે.

ભારતમાં ભાઈ-બહેન માટેનો તહેવાર છે સગાં-સ્નેહીઓને આવકારવા માટેનાં પર્વો છે. દેવ-દેવીઓ માટેની ઉજવણીઓની જમાવટ છે, પણ માતાપિતાની હયાતીમાં તેમનો આભાર માનવાની તક ઊભી કરતો કોઈ અવસર દિન નથી. જે છે તે તેઓના નિધન પછીનો શ્રાદ્ધ પર્વ છે. બ્રહ્મલીન શ્રીરંગ અવધૂત મહારાજે સંન્યસ્ત અને ભગવાન શ્રીદત્તાત્રેયમાં એકાકાર થઈ જતી સાધના કરી હતી, પણ કદાચ ભારત વર્ષના તેઓ એક માત્ર ઋષિ છે કે જેમણે તેઓ જયાં જ્યાં સાધના કરી તે દરમિયાન તેમનાં માતુશ્રી રુકમ્બાદેવીને નજીકમાં જ કુટિર રાખીને સતત તેમની સાથે રાખ્યા.

માતાને ત્યજીને ઈશ્વર ક્યાંથી મળી શકે ? શ્રીરંગ અવધૂત મહારાજ કહેતા કે જો સંતાન તેની માતાને રીઝવે તો જ પરમ તત્વ તેના તરફ કૃપા કરવા લીલા રચ છે. આ એક સહજ પ્રક્રિયા છે કેમ કે તમે બીજને અળગું કરીને વૃક્ષ ન પામી શકો. જે ઘર કે કુટુંબમાં માતા અંતરના આશીર્વાદ ફેલાવતી હશે તે ઘરને કળિયુગનો પ્રભાવ સ્પર્શી નહીં શક્યો હોય તેની ગેરંટી આપી શકાય. તમે ખુદ નિરીક્ષણ કરજો. સંતાનો કાળજુ કકળાવે તે તો ઠીક સ્થૂળ રીતે કાળજું કાઢી લે તો પણ માતા તો હંમેશાં સંતાનનું ભલુ જ ઇચ્છે છે.

પ્રત્યેક માતામાં અસાધારણ તાકાત પડી જ હશે. સંતાનો માટેનું જીવનતર્પણ આવું જ હોય છે.
માતા પ્રાચીન કે આધુનિક નથી હોતી, જોકે આજની ઘણી માતાઓ કારકિર્દીલક્ષી બનવામાં કુટુંબને ઘણી વખત અન્યાય કરી બેસે છે, પણ તેનો હેતુ તો કુટુંબની પ્રગતિ થાય, સંતાનો ઉચ્ચ શિક્ષણ મેળવે તે જ હોય છે. અથાણાં-પાપડ બનાવીને ઘરમાં પ્રદાન આપતી ગૃહિણી માતા કે કોઈ કંપનીની એકિઝકયુટિવ તરીકે કાર્યરત મહિલા, બંનેના કેન્દ્રસ્થાને તો તેમનાં સંતાનો અને પતિ જ હોય છે.

જોકે આધુનિક માતાએ એક વાત સમજવા જેવી છે. અગાઉની માતા તેમનાં સંતાનો માટે લાગણીની અભિવ્યક્તિ સ્પર્શ, હૂંફ કે સંતાનની નજર સાથે જ સ્વાર્પણ આપીને કરાવી શકતી હતી. સંતાનોને માત્ર આર્થિક સવલતો અને આરામદેહ જીવનશૈલી આપવાના આશય હેઠળ તેની સાથેનો ભાવનાત્મક સેતુ તૂટી જતો હોય તો સંતાન અને માતા અરસપરસ આ અદ્ભુત ઈશ્વરીય સંબંધની અનુભૂતિ નથી મેળવી શકતા.

સંતાન માટે આયા રાખો, તેનાં માટે અદ્યતન રમકડાં, ઇલેકટ્રોનિક્સ મનોરંજન ઉપકરણ સાથેનો રૃમ બનાવી આપો. ડ્રાઇવર સાથેની ગાડી તેને આપો. મનમાગી આઇટમો પીરસતા રસોઇયા રાખો અને વિદેશમાં વૅકેશન માટે મોકલો પણ સંતાનને તેવું માતૃત્વ નથી જોઈતું.

જાતે બનાવીને તૈયાર કરેલો દૂધનો ગ્લાસ, ભોજન કે તેની સાથે વિતાવાતી પળો જ માતાને સાચી માતા બનાવે છે. સંતાનને કપાળે ફેરવતો હૂંફાળો હાથ ચમત્કારની ગરજ સારી શકે છે. વ્યસ્ત માતા બધું ગુમાવ્યા પછી ફિલ્મી લાગે તેવો સંવાદ બોલે કે, 'આ બધી વ્યસ્તતા આખરે મેં તારા માટે વીતાવી હતી.' ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હોય છે. એક પત્ની તરીકે તમે જે અપેક્ષા પતિ પાસે રાખો છો તેટલી સંતાન તમારા પાસેથી રાખતું હોય છે.

વિદેશની જેમ ભારતમાં આ જ કારણે ભાવિ પેઢી માતા સંતાનના સંબંધોને માત્ર દૈહિક કે બાયોલૉજિકલ રૃપે જ જોતી થઈ શકે તેવું ભયસ્થાન છે.

મહિલા, માતૃત્વના દિવ્ય અહેસાસથી પશ્ચિમ જગતના પ્રભાવ હેઠળ વંચિત રહે છે અને સંતાનના પણ તેવા જ હાલ થાય છે. એક વિકૃત અને તનાવભર્યો સમાજ આ કારણે નિર્માણ પામી સકે. માતા અને સંતાન બંનેને એકબીજા પ્રત્યે આભારની લાગણી સતત પ્રજવલિત જ રહે તે રીતે જીવનદ્રષ્ટિ કેળવવી જરૃરી છે.

માતા અને પિતાના જન્મદિને કમ-સે-કમ છેલબટાઉ છોકરી કે છોકરા માટે 'વેલેન્ટાઇન ડે' માં રાખીએ છીએ એટલો ઉમળકો બતાવીએ તો પણ શુભ શરૃઆત કહેવાશે.

માતૃવંદના
ગોઠણિયે ચાલતો શિશુ હતો ને, પગભર તે મને કિધો,
પા-પા પગલીયે ચલાવી પૃથ્વીના પંથોનાં વારસો દીધો
વત્સલમૂરત, સ્નેહલમૂરત હૃદય દૃદયના વંદન તને !
- ઉમાશંકર જોષી

* પરથમ પરણામ મારા માતાજીને કહેજો રે
માન્યુ જેણે માટીને રતનજી,
ભૂખ્યા રહી જમાડયા અમને, જાગી ઊંઘાડયા એવા
કાયાના કીધેલા જતનજી
- રા.વિ.પાઠક

* હાડ હાડમાં હેત ભર્યું જેને, વેણ વેણ વરદાન,
દેખ ઘેરઘેર એ જ બિરાજે ભૂતળમાં ભગવાન !
- મકરંદ દવે

* મીઠા મધુને મીઠા મોરલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનની જોડ સખી ! નહીં જડે રે લોલ
- કવિ બોટાદકર

* જાગ્યુ બાળક
દેખી માને, મલકી
ફરીથી પોઢ્યું
- સ્નેહરશ્મિ

* વિશ્વના સૌથી કદરૃપા સંતાનને પણ પોતે સુંદર છે
એવો અહેસાસ કરાવી શકે તેનું નામ મા
- ડો. ગ્રીવા ઠાકર

* કાગળ ઉપર તો શી રીતે છાપી શકાય બા,
પગલા તમારા ના હવે માપી શકાય બા.
કેવળ મઢાઈ કાચમાં અણસાર રહી શકે,
એને ફક્ત દિવાલમાં સ્થાપી શકાય બા.
આકાશમાંય નહીં તો હું આંબી લેત પણ
મારાથી તારી જેમ ક્યાં વ્યાપી શકાય બા,
સ્પર્શો ઉંડી ગયા એ સૂકાયેલી ત્વચાના,
ના લઇ શકાય, ના કશુ આપી શકાય બા.
ખોલીને બેગ આટલુ મારાથી થઇ શકે
તુજ ઓઢણીને છાતીએ ચાંપી શકાય બા
- હરકિશન જોષી

* પ્રભુને પણ અવતરવું પડે છે, માની ગોદમાં રમવું પડે છે
મા એ તો મા છે બધાને ત્યાં વિરમવું પડે છે
- જયંત પાઠક

* માતા ધરતી પિતા આકાશ, બંને વચ્ચે સૂરીલો પ્રાસ,
માતા હવા પિતા શ્વાસ, બ્રહ્માંડનો નવસર્જન રાસ
- અજ્ઞાાત
* ભલભલા વૈભવ-અમીરી સાવ ઝાંખા લાગતા
સાવ સાદો તો ય સધ્ધર એક બાનો સાડલો
- રાજેશ વ્યાસ મિસ્કિન

More Stories:-


Post Your Comment