ઍનકાઉન્ટર - અશોક દવે


ઍનકાઉન્ટર - અશોક દવે


હનીપ્રિતની ધરપકડ વિશે શું માનો છો ?

- થેન્ક ર્ગોડ...એણે હજી સ્ત્રીઓની છેડતીનો કેસ કરી દીધો નથી.
(જગદીશચંદ્ર, પરમાર, ભરૃચ)

... 'દુનિયા મેં કિતને ગમ હૈ...મેરે કિતને કમ હૈ'... આ વાક્ય ઉપર શું કહેવું છે?

- તે હશે... પણ મેરે તો બહુ
વધારે હૈં...!
(લલિત ઇન્દ્રવદન દોશી, કરજણ)

નોટબંધીને વર્ષ પૂરું થઇ ગયું... હવે ?

- વૉટબંધી.
(ભૂપેન્દ્ર બી.પંડયા, જૂનાગઢ)

માણસના પૂર્વજ વાંદરા હતા, પણ વાંદરાના પૂર્વજો કોણ ?

- હું કોઈની પર્સનલ લાઈફમાં માથું નથી મારતો.
(રીયાંશી પી. ભટ્ટ, જૂનાગઢ)

પૈસા વધારે મહત્ત્વના કે સંસ્કાર ?

- મને તો એટલી ખબર છે કે, સંસ્કારથી પૈસા ખરીદી શકાતા નથી.. ને પૈસો  હોય તો સંસ્કારને કોણ પૂછે છે ?
(હરદીપગીરી ગોસ્વામી, જૂનાગઢ)

કોલેજ કેન્ટીન અને હોસ્પિટલની કેન્ટીન વચ્ચે શું ફર્ક ?

- પેમેન્ટનો ! હોસ્પિટલની કેન્ટીનનાં બિલો ચૂકવીને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.
(મૂકેશ ચોરડીયા, સુરત)

તમને ભગવાન રસ્તામાં મળે તો શું માંગો ?

- એમનો મોબાઈલ નંબર...!
(મીના ચૌહાણ, અમરેલી)

આપણા દેશમાં હિંદુ, મુસલમાન, કિશ્ચિયન કે શિખ્ખો છે... એમાંથી ભારતીય કોણ ?

- બધા
(ભરત જે. વાધેલા, મંડાલી- મહેસાણા)

આજકાલ તમે પણ દાઢી વધારો છો, એ વાત સાચી ?

- ના. મારે તો કાળી આવે છે.
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)

ડેરાના રામ- રહિમ અને 'પ્લેબોય'ના હ્યૂ હેફનર વચ્ચે શું તફાવત ?

- બન્નેમાં આપણે જોઈને રાજી થવાનું !
(રોહિત દરજી, હિમતનગર)

પેટ્રોલના ભાવ...

- સાઇકલ લઈ આવો.
(મિહિર ગજેરા, સુરત)

હાથ ઊંચા કરીકરીને બોલેલું જૂઠ્ઠું કેટલું ચાલે ?

- બસ. આપણી આઝાદીને ૭૦ વર્ષ થયાં.
(અ.રહેમાન બોગલ, ગોધરા)

ભારતમાં દિવાળી, હોળી કે ઉત્તરાયણની ઉજવણીઓ ઉપર જ પ્રતિબંધ... ?

- દેશમાં બધા વૈષ્ણવ છે, પટેલ છે, બ્રાહ્મણ છે... હિંદુ ક્યાં છે ?
(દીપ્તિ ચેતન દવે, અમદાવાદ)

તમને જવાબો આપવાના પૈસા મળે છે, તો અમને સવાલ પૂછવાના કેમ નહિ ?

- આપણા દેશમાં સવાલો ઊભા કરનારા સવા-સો કરોડ છે... જવાબ આપનાર એક જ !
(નિકુંજ ભટ્ટ, ભાવનગર)

તમને નથી લાગતું, સવાલ સાથે અમારા ફોટા ય મૂકવા જોઈએ ?

- વાચકોને એમ ને એમ હસવા દો ને.. !
(મીરા ગોહેલ, ભાવનગર)

'એનકાઉન્ટર' માં તમારે મને સવાલ પૂછવાનો હોય તો કયો પૂછો ?

- 'હવે મટી ગયું ?
(દેવ શુકલ, ભાવનગર)

ગુજરાતમાં દારૃબંધી ક્યાં છે ? એક ગામ તો બતાવો !

- જે ગામમાં હોય, ત્યાં કોઈ જાય ખરું ?
(કિરીટગીરી ગોસાઈ, ખેરવા- મહેસાણા)

ચીનમાં સિંહોનાં નાક કેવાં હશે ?

- અડી આવો.
(સ્મિત આચાર્ય, અમદાવાદ)

ફૂટબોલનો 'ફિફા વર્લ્ડ કપ... અન્ડર-૧૭ હોય છે, પણ અન્ડર-૧૯ કેમ નહિ ?

- 'સ્વિટ- સૅવન્ટીન સારું લાગે... 'નવર્સ- નાઈનટીન નહિ !
(મૂકેશ કે. શાહ, અમદાવાદ )

પોપટલાલનાં લગ્ન થશે ?

- ચાંદલો કરવો પડે, એવો કોઈ પ્રસંગ મને ગમતો નથી.
(વિશાલ કુમાવત, નવસારી)

અમદાવાદની ટ્રાફિક- સેન્સ ઉધારવા કોઈ ઉપાય ?

- નવી મુંબઈ કે નવી દિલ્હીની માફક 'નવું અમદાવાદ' આકાર લેશે.
(તપન ખત્રી, અમદાવાદ )

તમને જવાબો આપવાની શું ફીલિંગ થાય ?

- એ જ કે, આનો જવાબ શું આપવો !
(રાકેશ રાઠોડ, કુકસવાડા, માળિયા- હાટિના)

આજકાલ કેજરીવાલનું મોંઢું બંધ છે ને રાહુલબાબાનું ખૂલ્યું છે...

- કેજરી કરતાં રાહુલ વધુ સેન્સિબલ તો છે !
(અમિત શર્મા, આણંદ) 

More Stories:-


Post Your Comment