ઍનકાઉન્ટર-અશોક દવે


ઍનકાઉન્ટર-અશોક દવેતમને કેમ ખબર પડે કે તમારા ગ્રહો સારા ચાલે છે કે ખરાબ?

-સાંજે દરવાજો ખોલવા કોણ આવે છે, એની માહિતી મળ્યા પછી ઘરમાં દાખલ થઉં છું.
(અજય જોશી, નાસિક-મહારાષ્ટ્ર)
વિધાનસભાની ચૂંટણીમાં, એક સ્ટાર તરીકે તમે કોને મત આપ્યો હતો?

-જે સ્ટાર બની શકે એવા નહોતા, એવાને!
(નાઝનીન કૌકાવાલા, સુરત)
હૅલ્લો સર... જવાબ તો આપો.

-સવાલ તો પૂછો.
(મિતલ છાટબાર)
એક નાની અમથી ભૂલ ને સમજદાર માણસોની સમજદારીનો અંત... સુઉં કિયો છો?

-માણસનો અંત આવી શકે છે... સમજદારીનો નહિ.
(દવ દિવ્યાંશ, ગઢડા (સ્વામી)
ઘણા ડૉક્ટરો-સર્જનોનું વિસર્જન કરી નાંખે છે...

-આવો સાલ કોઈ ગાયનેક ડૉક્ટરને ન પૂછશો... નવસર્જન એમની પાસે ન કરાવાય.
(અશ્વિન મોરે, વડોદરા)
સર્જરી વખતે ડૉક્ટરોને... કદાચ, આત્મા મળી આવે!

-એ કેટલામાં પડયો... એ જોવું પડે.
(ઋજુતા મનિષાબેન પારેખ, વલસાડ)
સી.રામચંદ્રની 'શારદા'નાં બે ગીતો સારાં હતાં, ઓ ચાંદ જહાં વો જાયે (લતા-આશા) અને મૂકેશનું 'જપજપજપજપજપ રે...'

-૮-રને આઉટ થઈ જનાર વિરાટ કોહલીએ બે ચોગ્ગા તો માર્યા જ કહેવાય... આપણને એ અપેક્ષા નહોતી.
(રેખા ઓઝા, ભાવનગર)
લાંચરુશ્વતનું નામ પડે ને લોકો પોલીસનું નામ કેમ દેતા હોય છે?

-હાસ્તો વળી... કોઈ પ્રધાનોનાં નામ દેવાય? બા કેવાં ખિજાય?
(ડીપેન જે. શિધીવાલા, ગોંડલ)
'દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે', તો નરેન્દ્ર મોદીની પાછળ કોણ?

-એમનાં પૂજ્ય માતુશ્રી.
(દીપક એમ. પંડયા, બિલિમોરા)
આજકાલ સંતો-મહંતો કે ફિલ્મીહસ્તિઓ રાજકારણીઓને વહાલા થવા કેમ દોડાદોડ કરે છે?

-આપણા દેશમાં ધાર્મિક ગુરુઓની એટલી વિરાટ બોલબાલા છે કે, નેતા-અભિનેતાઓએ એમની પાછળ ગાન્ડા કાઢવા પડે છે.
(જગજીવન ગોહિલ, અમદાવાદ)
પુસ્તક મેળામાં ખરીદીનું મહત્ત્વ કેમ ઘટતું જાય છે?

-ઈ-બૂક્સનો જમાનો લાંબુ ચાલવાનો નથી. હાર્ડ-કૉપી પુસ્તકો સિવાય છૂટકો નથી.
(જ્યોતીન્દ્ર એન. માંકડ, રાજકોટ)
શું 'ઍલિયન્સ' સાચ્ચે જ હોય છે?

-મારું વિઝિટિંગ-કાર્ડ તમારી પાસે ક્યાંથી આવ્યું?
(પરાગી રામકૃષ્ણ પટેલ, સુરત)
મારે પણ હાસ્યલેખક બનવું છે. સૌ પહેલા શું કરવું જોઈએ?

-બીજા હાસ્યલેખકોનું સન્માન કરતા શીખો.
(કેવલ જાદવ, વડોદરા)
આવતી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ-બન્ને તમને ટિકિટ આપવા તૈયાર હોય તો કોને પસંદ કરો?

-એકે ય ને નહિ. કાશ્મીરમાં આપણા આટલા જવાનો શહીદ થાય છે... બેમાંથી એકે ય પક્ષ પર દેશની સુરક્ષાનો ભરોસો મુકાય એવો છે?
(સુધીર બી. સોનેજી, રાજકોટ)
તમારા ફૅમિલી સાથે કેટલો સમય વિતાવો છો?

-મને અન્ય ફેમિલીમાંથી ઑફરો નથી આવતી, ભાઈ...
(સંકેત કે. વ્યાસ, રાલીસણા)
ફિલ્મ 'પદ્માવત' વિશે તમારે શું કહેવું છે?

-એ જ કે... મેં હજી જોઈ નથી.
(સંયમ વઘાસીયા, સુરત)
નિબંધ લખવામાં માસ્ટરી મેળવવી હોય તો શું કરવું?

-માસ્ટરી શું કામ મેળવવી છે? જે લખો, એને જ 'માસ્ટર-કૉપી' બનાવો.
(હમ્ઝા મકવાણા, ભાવનગર)
આપણા ભારતીયોનું માનસ ગુલામ કેમ છે?

-આપણને બાદશાહત ભોગવવા દે, એ માટે આજુબાજુના કોઈ દેશે તૈયાર થવું પડે ને?
(નયન વિરોજા, વાપી)
શું ભાજપની વિજયયાત્રામાં રાહુલબાબાનું યોગદાન હતું?

-હારવા માટે ભાજપ સંપૂર્ણ સ્વાવલંબી થઈ ચૂક્યું છે. એને રાહુલબાબા કે રામરહીમબાબાની જરૃર પડે એમ નથી.
(મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)
દેશભક્તિ એટલે શું?

-જેનું ખાઇએ, એનું ખોદીએ નહિ... ગર્વ લઈએ, એ!
(ભદ્રેશ પી. પટોલીયા, સુરત)
તાર-ટેલિગ્રામની જેમ પોસ્ટકાર્ડસ પણ બંધ થવાનાં હતાં, પણ તમારી 'એન્કાઉન્ટર'     કૉલમના પ્રોત્સાહનને કારણે એ જીવિત રહ્યા...

-'હમ જાનતે હૈં જન્નત-એ-હકીકત લેકીન, દિલ કો બહેલાને કે લિયે 'ગાલિબ', યે ખયાલ અચ્છા હૈ...'
(રાજુ પરિયાણી, આણંદ)
મૉર્નિંગ-વૉકમાં મેં જોયું કે, ગાર્ડનમાં એક ગૂ્રપ એમનું સૅશન પતાવીને નિયમિતપણે રાષ્ટ્રગીત ગાય છે... શું ભારત બદલાઈ રહ્યું નથી?

- રાષ્ટ્રગીત એ લોકો ફખ્રથી ગાય છે, જેઓ મફતનું નથી ખાતા-પીતા... દેશે આપણને બધું જ આપ્યું છે, ને બદલામાં રાષ્ટ્રગીતનું બસ... ગૌરવ જળવાવું જોઈએ.
(ડિમ્પલ ટેલર, અમદાવાદ)

'ઍનકાઉન્ટર'માં સવાલ પૂછનારાઓને કોઈ સલાહ...?
-મોટા ભાગના નવા વાચકો બાજુનું બૉક્સ વાંચતા નથી, પરિણામે એમના સવાલ ડબ્બામાં જાય છે.
(શ્રીરામ જે. પટેલ, વડોદરા)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

More Stories:-


Post Your Comment