હોરાઈઝન - ભવેન કચ્છી


હોરાઈઝન - ભવેન કચ્છી

ભગવાન શિવ પર યુવા જગતનો અભિષેક

શિવરાત્રિનો તહેવાર અને ભોલેનાથનો નાદ


આપણા પુરૃષ પ્રધાન સમાજમાં મહિલા તો શું પત્ની જોડે પણ અંતર જોવા મળે છે જ્યારે ભગવાન શંકર હંમેશા પાર્વતીને બાજુમાં માનભેર સ્થાન આપે છે

ભૌતિક કે આધ્યાત્મિક, જેવી જેની ઈચ્છા અને લક્ષ્ય. પણ માત્ર ઈશ્વરની કૃપા જ નહીં સાક્ષાત દર્શન સાથે કૃપા મેળવવી હોય તો ભગવાન શિવની પૂજા કે ધ્યાન ધરવું. આપણા વેદો, શાસ્ત્રો અને પૂરાણોનો અભ્યાસ કરીશું તો જણાશે કે ખુદ દેવો અને રાજાઓ તો ઠીક રાવણથી માંડી રાક્ષસો પણ ભગવાન શિવનું ધ્યાન ધરી તેને રીઝવી દેવલોક અને પૃથ્વીલોક પર તારાજી, નરસંહાર કરીને રાજ કરી શકાય તેવા આશીર્વાદ સીફતથી મેળવી ચૂક્યા છે.

તમે એવા કોઇ ભોળા અને કરૃણા ધરાવતા ભગવાન વિશે જાણ્યું છે જેનું ધ્યાન કરીને તમે અન્ય ભગવાનના કે સિધ્ધ મહાત્માના દર્શન કરવા છે તેમ તેની પાસે માંગો અરે શિવ ભગવાન પોતે જ રીઝે તો તમને આત્મજ્ઞાાન કે સાક્ષાત્કાર કરાવવા તમને તમારા સ્તરના ઈશ્વર કે અવતારના દર્શન કરાવે.

નરસિંહ મહેતાનો ભગવાન શ્રીકૃષ્ણની લીલા જોડે સાક્ષાત્કાર તો વાયા મહાદેવની પૂજા અને આજીજીથી શક્ય બન્યો હતો. આપણે નાહકના શૈવ અને કૃષ્ણપંથીના વર્ગ વિગ્રહ અને વૈમનસ્યના વિષ પીધા છે. ખરેખર તો ભગવાન શિવે જ પૃથ્વીલોક પરનું સંકટ ટાળતા અન્ય દેવોએ અમૃત પીધું ત્યારે સમુદ્ર મંથનનું વિષ પોતે ગટગટાવી લીધું.

પાર્વતીને ખબર પડી કે ભોળપણની આ હદ ? તેમણે તાત્કાલિક દોડી જઇને વિષ હજુ ગળા સુધી પહોંચ્યું હતું ત્યાં જ તેમની દિવ્ય શક્તિ ધારવતી આંગળીઓ ગળા પર મૂકીને તેને ત્યાં જ અટકાવી દીધું. જો કે ભગવાન શિવ પોતે પણ આવી શક્તિ ધરાવતા જ હતા. શિવના કેટકેટલા નામ છે. ભોળેનાથ અને નિલકંઠ.

ભગવાન શિવ આપણને સ્થુળ રીતે એવો બોધ આપે છે કે જીવનમાં ભોળા બનવું. ક્રોધ ભલે આભ ફાડી નાંખતો હોય પણ જક્કી કે અહંકારી બનીને તેને મનમાં સંઘરી ના રાખવો. ભોળા બનીને બધાને ખુશ રાખવા. ઘણી વખત તો આ ભોળપણની પરાકાષ્ઠાને લીધે રાક્ષસોને પણ એવા વરદાન આપી દેતા કે દેવલોક અને પૃથ્વીલોકનું અસ્તિત્વ અને સુખાકારી જોખમમાં મૂકાઇ જતી. પણ દેવો ભગવાન શિવનું તપ કરીને તેને રીઝવી લેતા અને રાક્ષસોના વરદાનને ખતમ કરતા  નૂસખા માંગી લેતા.

વર્તમાનમાં એવો સ્વાર્થી અને માત્ર એકતરફી લાભ, ભોગ મેળવતો સમાજ રચાતો જાય છે કે તમે ભલા બનીને સામી વ્યક્તિને જાણે દૂધ નાંખતા રહીને રીઝવો તો પણ તે સ્વકેન્દ્રી વ્યક્તિના હૃદયમાં આભારની લાગણી કે કરૃણાની એક લહરખી પણ ના સળવળે. ભગવાન શિવની પ્રેરણા લેવાની છે.

ભોળા બનો. ગાંઠ બાંધી ના રાખો. બીજાના હીત માટે ઝેર ના પી શકાય પણ થોડી તકલીફ હસતા મોંએ વહોરો. તમે ભલા ભોળા હોઇ તમને કોઇ કુપાત્ર રીઝવી જાય અને તમે કંઇક તેના કલ્યાણ માટે આપી પણ દો તો પણ ભગવાન શિવ ભોળપણમાં કેટલું છેતરાયા હતા તે યાદ કરો. જેનું વસ્ત્ર વ્યાઘ્રચર્મ હોય, જેના ગળા પર સર્પ હોય જેના શરીરે ભસ્મ ચોપડેલી હોય અને જેને  કંઇ જોઇતું ના હોય તેની જ આવી ખુમારી હોઇ શકે.

ભગવાન શિવનો સાચો ભક્ત કે તેની ભક્તિ કરીને જ્ઞાાની હોવાનો દાવો કરનાર સંસારી ભય કે અસુરક્ષા ન અનુભવી. કોઇ મને રસ્તા પર લાવી દેશે તો તેવો ભય રાખી શકે ખરો ?

આપણા સિધ્ધ સંતો, મહાત્મા, ઋષિઓએ પણ ભગવાન શિવની જેમ ત્યજ્યું, કંતાન પહેર્યા, કંટક પથ પર ચાલ્યા, ભોલેનાથની ઈચ્છા હશે તો પાંદડા ખાઇને પણ જીવીશું તેવો મિજાજ કેળવેલો. હિમાલયની હાડ ગાળતી ઠંડીમાં તપ કરનારની સામે આપણી શું વિસાત ? કોણ આપનારો, કોણ છેતરનારો, કોણ લઇ જનારો અને શું લઇ જનારોના ફક્કડ મસ્તરામ મિજાજ સાથે જ શ્રીરંગ અવધુતે નારેશ્વરના જર્જરિત શિવ મંદિરમાં તપ સાધના કરીને ભગવાન દત્તાત્રેયને તેમનામાં સમાવવા પ્રેમવશ કર્યા હતા.

માતર સ્થિત બ્રહ્મલીન બાલ અવધુત કહેતા કે આપણે જેમનામાં શ્રધ્ધા હોય છે તે ભગવાનનું ધ્યાન કરીએ પણ ભગવાનો પણ ધ્યાનની મુદ્રામાં બેઠેલા હોય તેવા  ફોટા જોયા હશે. અરે ભગવાન શિવ પોતે જ કૈલાસ પર ધ્યાન મુદ્રામાં રહેતા.. તો ભગવાનો, અવતારો અને ભગવાન શિવ કોનું ધ્યાન કરતા હશે ? તેનો જવાબ છે.. 'શિવોહમ્... શિવોહમ્'. આ એક અમર મંત્ર છે.

ભગવાન શિવ કહે છે કે હું તમારા સૌમાં બિરાજમાન છું. તમે પોતે જ શિવ છો. જો તમે તેને પ્રાપ્ત કરી શકો. હા, તમારે તેને શિવની પૂર્ણ હૃદયિક પ્રકૃતિ સાથે મેળવવાના છે બાકી રાવણ જેવા હાલ થાય. અહંકારમુક્ત બનીને ભોળપણ, સમર્પણ અને કરૃણા અવિરત પ્રગટાવો તો તમે 'શિવોહમ્'ને સાકાર કરી શકશો.

''કંકર મેં શંકર'' કહેવત જ એ તરફ નિર્દેશ કરે છે કે તમારે જ્ઞાાનરૃપી ઈશ્વરને મેળવવા માટે ભવ્ય મંદિરો કે લાખો-કરોડોની આરસની મૂર્તિ, અલંકારો, છપ્પન ભોગની જરૃર નથી. ભોગ, મીઠાઇ, સુવર્ણ, નાણા કે અન્ન ચઢાવવાની પણ જરૃર નથી. તમે દૂધ અને પાણી પણ તેને અર્પી શકો. એક જમાનામાં દૂધ અને પાણીનો કોઇ હિસાબ ન હતો પણ ભગવાન શિવ એ હદે ભોળા છે

કે તમે માત્ર તમારા સંતોષ ખાતર પ્રતિકાત્મક નાની લોટીમાં પાણી - દૂધ રાખો તો ઠીક છે બાકી તે જર્જરિત પર્ણથી જ અનાયાસે પારધી પર પ્રસન્ન થયા હતા ને. માત્ર નામ સ્મરણ કે મંત્ર કાફી છે. ઘણા ભક્તો ૧૦૧ કે હજારેક મંત્ર બોલતા રહે અને પાણી-દૂધ રેડતા રહે તે હદે બગાડ કરે ત્યારે ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખુલી શકે છે. તેમને પ્રકૃતિ - પર્યાવરણની સંપદાનો બગાડ પસંદ નથી. અત્યારે દેશના શિવ મંદિરો શિવલિંગ પર સોનાના આવરણ, કલાકો સુધી દૂધ, મધ, પાણી રેડતા રહે છે તેવું શિવપૂજા પરંપરામાં નથી.

શિવ તો ભસ્મ અને તેમાં પણ ઉજ્જૈનના મહકાલેશ્વરની ભસ્મ આરતી તો ત્યાંના સ્મશાનના પૂર્વદિનના શબની ભસ્મથી અઘોરી દ્વારા થતી હોય છે.  ભગવાન શિવને કંઇક આધારની, ભોગની જરૃર નથી. વતન જૂનાગઢના શિવરાત્રિના મેળામાં નાગા બાવાઓ ભસ્મ ચોળીને શિવને પામે છે. ભવનાથ, જટા શંકર, કાશી વિશ્વનાથ, ભૂતનાથ, માંગનાથ, બિલેશ્વર અને અમારા ઈષ્ટદેવ હાટકેશની સાદગીનો વૈભવ જોવા જેવો છે.

'જય ગિરનારી' અને 'મહાદેવ હર'થી એકબીજાને શિવભક્તો બોલાવે કે છૂટા પડે. જ્યાં શિવનો વાસ ત્યાં દિવ્ય અને ગેબી ખેંચાણના આંદોલનો હોવાના જ. રંગ અવધૂત મહારાજ કહેતા કે ''એક વખત તેના દરબારમાં આવવો જોઇએ. પછી ક્યાં જવાનો ? ચિત્ત તો મારામાં જ રહેવાનું.''

શિવ ભગવાનનું આકર્ષતું એક જ્ઞાાન એ છે તેઓ આદિનાથ છે એટલે કે સૌથી જૂના. છતાં તેમની આધુનિકતા એ હતી કે તેમના પત્ની પાર્વતીની સાથે જ બાજુમાં તેમને સ્થાન આપીને બિરાજમાન હોય. શિવ સતી અને તેમાંથી અવતાર પામેલ પત્ની પાર્વતી તેમનામાં જ છે તેમ માનતા હોઇ 'અર્ધનારેશ્વર' પણ ઓળખાય છે.

પત્નીને, નારીને સન્માન આપતા ભગવાન શિવમાંથી પ્રેરણા લેવાની જગાએ આપણે નારીને ઘૂમટામાં રાખી. અંધારા ઓરડામાં સ્થાન આપ્યું. પુરૃષની સામે કે સાથે મહિલા બેસી ના શકે, તે દૂર નીચે જમીન પર આસન ગ્રહણ કરે અને વડીલો પુરુષ પ્રધાન વર્ચસ્વ બનાવતા ઊંચા આસન પર બેઠા હોય. 

આ સમયે હાથમાં ફરતી માળા સાથે 'ઓમ નમઃ શિવાય'ના જાપ ચાલે...! કેવો દંભ. અન્ય નારી તો સમજ્યા.. પત્નીની સાથે પણ ના ચાલે અને તેની બાજુમાં બેસે પણ નહીં.. જે આવું આચરણ કરતો હોય તે શિવને રીઝવે છે કે પજવે છે તે સમજાતું નથી. શિવે તેમની જટામાં ચંદ્રને સમાવી તેને શાપમાંથી મુક્ત કર્યો. સર્પને ગળે વીંટાળીને તે કહે છે કે ભયમુક્ત બનો, અનુકંપાની પરાકાષ્ઠા હશે તો સર્પને પણ વશ કરી શકશો.

ભગવાન શિવ તેમની નૃત્ય મુદ્રા થકી 'નટરાજ' તરીકે પણ ઓળખાય છે. પુરૃષો પણ નૃત્ય કરી શકે છે તેવું તેમણે પ્રસ્થાપિત કર્યું. કામદેવ પણ ખરા. રૌદ્ર સ્વરૃપના અશ્રુ એટલે રૃદ્રાક્ષ. પૃથ્વી પરની જેના અશ્રુ બુંદમાંથી માનવજગત માટે કૃપા અને સિધ્ધી જ વરસે તેમ જુદા જુદા મૂખ ધરાવતા રૃદ્રાક્ષના અનેરા ફાયદા છે. જો રૃદ્રાક્ષ કોઇ દ્વારા અનાયાસે જ ભેટમાં મળી જાય તો અતિ ઉત્તમ. મહિલાઓ.

ભગવાન શિવ અને હનુમાનજીની ભક્તિ-પૂજા કરી જ શકે. પૃથ્વી એ યોની છે તો સંહાર અને સર્જકના નિમિત્ત અને પૂરક એવા શિવ સાથેનું પ્રતિકાત્મક સંવનન એ જ લીલા છે. સજીવ જ નહીં નિર્જીવ બધા જ તેના સંતાનો છે. આપણે સ્થૂળ અશ્લીલ ભાવ સાથે ગુપ્તાંગો તરીકે તેને નથી જોવાના.

ભગવાન શિવને આપણે 'મહામૃત્યુંજય'ના અમોઘ મંત્રના દાતા તરીકે સાષ્ટાંગ કરવા જ રહ્યા. ખરેખર તો ઋગ્વેદમાં સમાવિષ્ટ મૃત્યુ પરના વિજયના આ મંત્રમાં એવો ભાવ છે કે આધિ-વ્યાધિથી અમારૃ રક્ષણ કર પણ મૃત્યુ નિશ્ચિત જ હોય તો અમને તેનો ભય ના રહે પણ સહજતાથી અમે અમારા આત્માં અને દેહને મુક્ત કરીએ. એક પરમ શાંતિ અને આનંદની મુદ્રા અમે ધારણ કરેલી હોય. અમે મૃત્યુ પર વિજય એટલે કે જન્મ-મરણના ફેરામાંથી જ મુક્ત થઇએ અને મોક્ષ પામીએ તેવી આ મંત્રમાં અર્જ પણ છે અને તેવી સિધ્ધી આપણને પ્રાપ્ત થાય તેવી તાકાત પણ છે.

હા, જ્યાં સુધી મૃત્યુ નથી ત્યાં સુધીનું જીવન રોગ, ભય, વ્યાધી વગરનું રહે તેવી મહામૃત્યુંજય મંત્રમાં તાકાત જ છે એટલે જ રાગ કે સંગીત થેરેપીના કેન્દ્ર સ્થાને આ મંત્ર છે.

હાટકેશ કૃપા પામેલા જૂનાગઢના જાણીતા ગાયક નયન વૈષ્નવ કે જેણે જૂનાગઢની નરસિંહ યુનિવર્સિટીનું ગીત રચ્યું અને કંઠ પણ આપ્યો છે તેમનું વૃંદ આ શિવરાત્રિએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરના પટાંગણમાં ત્રણેય પ્રહરમાં 'મહામૃત્યુંજય'ના મંત્રનું ગાયન જુદા જુદા શાસ્ત્રીય રાગમાં કરવાના છે.

પોતે મ્યુઝિક થેરેપિસ્ટ પણ હોઇ નયન વૈષ્નવ કયા રાગમાં મહામૃત્યુંજય મંત્રગાન કરવાથી કયા રોગની સારવાર થઇ શકે તેવું નિદર્શન પણ કરવાના છે. આ એક વિજ્ઞાાન છે અને કઇ રીતે મંત્ર મસ્તિષ્ક, હૃદય અને અંગો-ઉપાંગો, ઈન્દ્રિયોને અસર કરે છે તેની પૂરવાર થયેલી પધ્ધતિ છે. પ્રાચીન કાળમાં ઋષિઓ અને દેવો પણ મહામૃત્યુંજય થકી સારવાર કે કષ્ટમુક્તિ મેળવતા હતા. સ્થૂળ અને સૂક્ષ્મ દેહ માટે આ બેજોડ મંત્ર છે.

ભગવાન શિવના ડમરૃ,  ત્રિશૂલ અને સર્પના ટેટ્ટુ, 'ઓમ નમઃ શિવાય'ની પ્રિન્ટ ધરાવતા ઝભ્ભા-કૂર્તા યુવા-યુવતીઓમાં પણ લોકપ્રિય બનતા જાય છે. શિવના મંદિરોમાં પાણીનો કે દુધનો લોટો લઇને યુવા પેઢીને જોઇને હિન્દુ સંસ્કૃતિ મલકાય છે.

સારો પતિ, કામ-દામ અને શામ સાથેનું દામ્પત્ય જીવન અને સાદગી સાથે ઐશ્વર્ય મેળવવાનો મફતના ભાવે સરળ રાજમાર્ગ એટલે  શિવભક્તિ.

કૈલાસ એ સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે અંતિમ યાત્રા જ છે ને... જીવ અને શિવ જ્યાં મળે ત્યાં જ દિવ્યતા... ઐશ્વર્ય.. સદેહે વિદેહીની ભાવના, રંગેરંગ અરંગી, સુરક્ષા.. અગ્રતા.. મસ્તફકિરી અને આખરે મોક્ષ.. રંગ અવધૂત મહારાજે દત્ત બાવનીમાં લખ્યું છે તેમ.. ''દીધી રિધ્ધી સિધ્ધી અપાર.. અંતે મુક્તિ મહાપદ સાર.''
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

More Stories:-


Post Your Comment