હોરાઈઝન - ભવેન કચ્છી


હોરાઈઝન - ભવેન કચ્છી

નિષ્ફળતાની નિસરણી પછી જ સફળતાની સરવાણી

અમેરિકાના બાસ્કેટબોલ લેજન્ડ માઇકલ જોર્ડનની આગવી જ્ઞાનવાણી


Be a "Warrior" not a "Worrier" : યોદ્ધા બનો ચિંતા છોડો

તમે પાણીમાં પડી જવાથી મૃત્યુ નથી પામતા પણ ત્યાં જ પડયા રહેવાને કારણે ગુંગળાઈ જાવ છો

સફળતા એટલે શું ? સફળ થવાની પ્રક્રિયા ખરી કે ? સફળતા અંગે જે પણ વાંચ્યું, સાંભળ્યું કે સફળ વ્યક્તિઓના ચરિત્રોનો અભ્યાસ કર્યો તેમાંથી જે ગુણો કે લાક્ષણિકતાના આપણે તારવીએ છીએ તે જરૃરી તો છે જ પણ હજુ સફળતા માટેની મૂળ ચોટલી આપણે પકડી નથી શક્યા એટલે ખંત, નિષ્ઠા, આત્મવિશ્વાસ, નવો ચીલો ચાતરનારા કે દુનિયાની બીબાઢાળ સોચથી જુદું કરનારા તેવી રેસીપી પ્રેરણાત્મક પ્રવચનોમાં આપવામાં આવે છે. પણ અંગત રીતે જો અમને સૌથી વધુ સ્પર્શાયા  હોય તો તે બાસ્કેટબોલ લેજન્ડ માઇકલ જોર્ડનના આ અંગેના વિચારો છે.

માઇકલ જોર્ડન કહે છે મને સૌથી વધુ પૂછાતો પ્રશ્ન એ હોય છે કે, તમે આ મુકામ પર કઈ રીતે પહોંચ્યા ? જોર્ડન ઉમેરે છે કે ખરેખર હું પણ વિચારતો થાઉં છું કે, એવું કયું એક પરિબળ છે કે જે મને આ ઉંચાઈ પર લાવ્યું.

જોર્ડને ભાગ્યે જ કોઈ સફળ હસ્તીઓ જણાવી હોય તેવી વાત કરી કે ખરેખર તમે જે ધ્યેય ધરાવતા હો છો તેના પગથિયા ચઢવા દરમ્યાન મોટે ભાગે નિષ્ફળતા, જાકારો (રીજેક્શન) મળતો હોય છે. સંજોગો, હરીફાઈ કે સામી વ્યક્તિની તમારી મુલવણી તમને જ્યાં હતા ત્યાં ધકેલી દે. તમારે તો કઈ ખામી કે સંજોગો તમને અટકાવે છે તેમાં સજ્જ થઈને પ્રયત્નો જારી રાખવાના છે એટલે કે સફળતા માટેના બંધ દ્વારની નજીક જઈને તેને ખટખટાવવાના છે. અર્થાત્ નેવર ગિવ અપ.. જોર્ડન તેના અનુભવને યાદ કરે છે કે કારકિર્દીના શરુના વર્ષોમાં મને કોઈ ક્લબ કરારબદ્ધ નહોતી કરતી પણ પ્રત્યેક સિઝનમાં સારા સ્કોર સાથે હું ટીમ સિલેકશન માટેના ડ્રાફ્ટિંગમાં સામેલ થઇ જતો પણ મને સારી કલબ નહોતી મળતી.

ફરી નિષ્ફળતા... વધુ એક.. નિષ્ફળતા અને તેના પછી ફરી એક જાકારો મળે તો પણ જો તમે આ સફર જારી રાખો તો ગણિતના નિયમ પ્રમાણે  તમારો દસ ટ્રાયલમાંથી એકમાં નંબર લાગી જાય. ઘણાને પહેલા જ પ્રયત્ને સફળતાનું પ્લેટફોર્મ મળી જાય છે પણ આગળ જતા તેને તે ટકાવી નથી રાખતાં  અને એવું પણ બને કે નાસીપાસ થયા વગર વ્યક્તિ પ્રયત્ન કરતી રહે અને સફળતાનું પ્લેટફોર્મ થોડું મોડું મળે પણ તે પછી તેમાં  યશકલગી ઉમેરતી જ રહે.

જોર્ડનના કહેવાનો મતલબ એટલો કે 'લગે રહો' એ જ સફળતા માટેનું સૂત્ર. સફળતાની સીડી નહી અહીં નિષ્ફળતાની સીડીની વાત છે. તમે નિષ્ફળતાની સીડીના પગથિયા ચડતા રહો છો આગળનું એક પગથિયું સફળતાનું આવે આવે ને આવે જ...

એક પ્રસિદ્ધ લેખકના ૩૭ લેખ કારકિર્દીના પ્રારંભે સંપાદક દ્વારા નકારાયા હતા. જે ૩૮મો લેખ (આમ જુઓ તો અમારો પ્રથમ પ્રકાશિત લેખ) હતો તે જ સફળતાનું પ્રથમ પગથિયું હતું. હવે જ્યારે તમારા ૧૫- ૨૦- ૨૫ લેખ નકારાય ત્યારે કાં તો તમે તમારો આત્મવિશ્વાસ ગુમાવી દો કે ડિપ્રેશનમાં સરી જાવ. કાયમ માટે તમે લેખન માટે અનફીટ છો તેમ માની આ ક્ષેત્ર જ છોડી દો તેવું બને.

ફિલ્મ કલાકારો તેના જુદા જુદા ફોટો, વિડિયો પ્રોફાઇલ અને કામના અનુભવ દર્શાવતી ફાઇલ લઈને લોકલ ટ્રેનમાં બેસીને એક પછી એક ફિલ્મ નિર્માતા, નિર્દેશકો, એજન્સીના દ્વાર ખખડાવીને તેમનો દિવસ પૂરો કરે છે.

ખેલાડીઓ ટીમમાં સ્થાન મેળવવા કે લીગમાં કરારબદ્ધ થવા સતત પ્રેક્ટિસ અને પરફોર્મ કરે છે. ખેલાડી નિષ્ફળતાના દોરમાં બ્રેક લઈને કે ઇજા થાય તો સર્જરી કરાવીને પણ ફીઝીયો પાસે પુન:સ્થાપન કરીને મેદાન કે કોર્ટમાં બમણા ઇરાદા સાથે પરત ફરે છે. જીતવા માટે ૩૦૦ રનનો પડકાર હોય અને ૧૦૦ રનમાં પાંચ વિકેટ પડી ગઈ હોય તો પણ ક્રીઝ પરના બેટ્સમેન જીતવા માટે જ રમે છે અને જીતી પણ બતાવે છે.

વન-ડેમાં એક ટીમ ૨૦૦માં ખખડે તો પણ હરિફ ટીમને તે પણ નહીં કરવા દઈએ તેવો મિજાજ બતાવીને જીતે છે.

તમે કીડી કે મંકોડાને જોજો. ગળપણથી ખેંચાઈને તે ગમે ત્યાંથી આવી પહોંચશે તમે તેને એક વખત દૂર કરશો તો ફરી આવશે... ફરી તેમ કરશે.. બીજી દિશાએથી આવશે છેલ્લા તેનાથી તે ગોળની ગાંગડી નહીં ઉંચકાય તો ભાઈબંધોની ફોજ ખડકીને ગળી વસ્તુને તેના દર નજીક ઉંચકીને મૂકીને જ ઝંપશે. આત્મશ્રદ્ધા નહિ ગુમાવવાની અને નિષ્ળતા જ સફળતાનો માર્ગ છે તે સિદ્ધાંત મનમાં દ્રઢ કરવો કોઈ ઇન્ટરવ્યૂ લેનાર, સમાજ, તમારા વાલી તમારે માટે ભલે અભિપ્રાય બાંધે પણ તમે મનથી તેઓને આ માટેના હકદાર ના માનો.

ગુગલ, એમેઝોન અને એપલના ઇન્ટરવ્યૂના પહેલા જ રાઉન્ડમાં રીજેક્ટ થયેલા માઇક્રોસોફ્ટના પાંચ રાઉન્ડની જટિલ પ્રક્રિયા બાદ જોબ મેળવતા હોય છે. મહેનતની સાથે નસીબ જેવું પણ કંઈક છે તેમ શ્રદ્ધા રાખવી ખોટી નથી. તો ચાલો સફળતાની સીડી તરફ જઈએ.

* જો તમે એવી આત્મશ્રધ્ધા ધરાવશો કે તમે સરસ દેખાવ કરી જ શકશો તો માનજો કે તમે અડધી સફળતા તો મેળવી લીધી.

* તમને જે પણ આવડતું હોય તો તેને પહેલા પૂર્ણ કરો જેથી તમને એટલી તો મનોમન ખાતરી થશે કે તમે ઉત્તિર્ણ થવા જેટલા કે તેની નજીકના માર્ક મેળવી લીધા.

* સફળ થવાની શરૃઆત કરનાર પહેલેથી મહાન નથી હોતો તેની એક જ ખાસિયત હોય છે કે તેણે શરૃઆત કરી હોય છે.

* ઓર્ડિનરી અને એક્સ્ટ્રા ઓર્ડિનરી વચ્ચેનો ફર્ક તે શબ્દમાં જ ''એક્સ્ટ્રા'' છે તે જ હોય છે.

* જો તમારા માટે કંઇક મહત્વનું હશે તો તમે તેનો રસ્તો કાઢીને જ રહેશો અને મહત્વનું નહીં લાગતુ હોય તો બહાના કાઢશો.

* જીવનના બે કાયદા છે. કાયદા નંબર ૧ ક્યારેય હોંશલો ગુમાવીને કોઇ ધ્યેય છોડી ના દો અને કાયદા નંબર ૨ એ કે કાયદા નંબર ૧ ને કાયમ યાદ રાખો.

* હું વ્યક્તિ પર્વતથી શિખરે પહોંચ્યો તેથી તેને દાદ નથી આપતો પણ કેટલી બધી વખત એક ટુંક પર પહોંચી પર્વતારોહક તળેટીએ પટકાય છે અને ફરી  બેઠો થઇને પ્રયત્ન જારી રાખે છે. તેના હોંસલાને સલામ કરૃં છું.

* જો તમને એમ લાગતું હોય કે તમે ભારે યાતનાપૂર્ણ પરિશ્રમના સમયગાળામાંથી પસાર થઇ રહ્યા છો. તો પણ ચાલુ જ રાખજો. આ જ સંકેતો છે કે તમે હવે સફળતાની નજીક છો.

* નિષ્ફળતા તો વધુ સારી રીતે ફરી તૈયારી કરવાની, દેખાવ કરવાની મળેલી તક છે.

* તમે પાણીમાં પડી જતા મૃત્યુ નથી પામતા પણ ત્યાંને ત્યાં જ પડયા રહેવાને લીધે ગુંગળાઇ જતા હો છો માટે હાથ-પગ મસ્તિષ્ક હલાવો.

* વર્ષાઋતુમાં આકાશમાં મેઘધનુષને જુઓ અને અંધારામાં તારાના દર્શન કરો. આપણે સફળતામાંથી નહીં નિષ્ફળતામાંથી જ શીખીએ છીએ.

*  ધારો કે તમારામાંથી એવો અવાજ નીકળે કે 'હું પેઇન્ટિંગ નથી કરી શકતો' તો તમે થોડી સજ્જતા કેળવી ધરાર તે કરવાનો પ્રયત્ન કરો. તમે તમારા નકારાત્મક અવાજને શાંત પાડી દો. ગમે તેવું પણ પેઇન્ટિંગ તો તમે જ કરી જ શકશો. હવે તેને સુધારવા તરફ આગળ વધો.

* દરેકને પોતપોતાની મર્યાદા અને ખાસિયત ઇશ્વરે બક્ષી છે. માછલી પાસેથી વૃક્ષ પર ચઢવાની કે ઉડવાની આશા ના રખાય અને પંખી માછલી બનીને તરી ના શકે. તમે તમારી મર્યાદાથી વિચલીત ના થાવ પણ તમને મળેલી આગવીતાને બહાર લાવો.

* અરે હું પડી જઇશ તો ? પણ માની લો કે તમે ઉડવાની ક્ષમતા તે પ્રયત્ન કરવા દરમિયાન પ્રાપ્ત કરી લો તો.

* બી એ 'વોરિયર' નોટ એ વરિયર : યોધ્ધા બનો સતત ચિંતા કરનારા નહીં. જો તમને કંઇ ચેલેન્જ નહીં કરતું હોય તો તમને તે તમારામાં 'ચેન્જ' આપવાની પણ કોઇ શક્યતા નથી.

* 'નથિંગ ઇઝ Impossible ' આ શબ્દ પોતે જ કહે છે કે I M  Possible

વિદ્યાર્થી મિત્રોએ અટાપટ્ટુને ગુરૃ બનાવવો જોઇએ

છ વર્ષમાં બે જ રન... તે પછી છ બેવડી સદી

કોમેન્ટેટર હર્ષા ભોગલે શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મર્વન અટાપટ્ટુના કેરિયર ગ્રાફનું તેના પ્રેરણાત્મક પ્રવચનમાં અવારનવાર ઉદાહરણ આપે છે.

અટાપટ્ટુએ તેની કારકિર્દીની સૌ પ્રથમ ટેસ્ટમાં બંને ઇનિંગમાં શૂન્ય રન નોંધાવ્યા હતા. તેને તે પછીની ટેસ્ટમાં વધુ તક આપ્યા વગર પડતો મુકાયો હતો.

પુનરાગમનના મક્કમ ઇરાદા સાથે તે રોજના પાંચ-પાંચ કલાક નેટ પ્રેક્ટિસ કરતો હતો. શ્રીલંકાના ઘરઆંગણાના ક્રિકેટમાં પણ રમતો રહ્યો. ઘરઆંગણાના ક્રિકેટના ધરખમ ફોર્મ અને ધગશને જોતા પસંદગી સમિતિએ તેને ૨૧ મહિના પછી ફરી ટેસ્ટ ટીમમાં તક આપી. આ વખતે પ્રથમ ઇનિંગમાં શૂન્ય અને બીજી ઇનિંગમાં તેણે એક જ રન બનાવ્યો.

ફરી તેને પડતો મુકાયો. અટાપટ્ટુએ જરા પણ નાસીપાસ થયા વગર ફરી એ જ રીતે રોજના પાંચ-છ કલાક નેટ પ્રેક્ટિસ જારી રાખી. હવે તેણે ઘરઆંગણાના ક્રિકેટમાં પહેલા કરતા પણ રનનાં ઢગલા ખડકવાનું શરૃ કર્યું. સતત આ રીતે મીડિયામાં ચમકતો રહેતો હોઈ પસંદગી સમિતિ પર ફરી તેને ટેસ્ટ ટીમમાં લેવાનું દબાણ સર્જાયું.

૧૭ મહિના વધુ વીતી ચૂક્યા હતા અને તેને તેની કારકિર્દીની વધુ એક ટેસ્ટ રમવા મળી. ઉફ...અટાપટુએ ફરી બંને ઇનિંગમાં મીડું નોંધાવ્યું. ફરી તરત જ તેને પડતો મુકાયો. બધા માનતા હતા કે હવે અટાપટુની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.કોઈ વિવેચકે કહ્યું કે તેનામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો મિજાજ જ નથી તો કોઇએ તેનું ક્રિકેટ જ્ઞાાન પ્રદર્શિત કરતા કોમેન્ટ કરી કે તેની બેટિંગ ટેકનિક ઉચ્ચ લેવલના ક્રિકેટ માટે છે જ નહીં.

હારે તે બીજા...અટાપટ્ટુએ તેના યુનિવર્સિટી ક્રિકેટના બોલર મિત્રોને બોલાવીને અવિરત પ્રેક્ટિસ કરતા રહીને તેની બેટિંગ ટેકનિકમાં વધુને વધુ પરફેકશન મેળવવા માંડયું. તેને નાની વયે સૌ પ્રથમ ટેસ્ટ રમવા મળી હોઈ ઉંમરની રીતે તેને ફાયદો હતો. હવે ત્રણ વર્ષ પછી તેને ફરી શ્રીલંકાની ટીમમાં સ્થાન મળે છે. બસ હવે તેનો સુવર્ણકાળ શરૃ થયો.

અટાપટ્ટુએ શ્રીલંકા તરફથી ૫૦૦૦થી વધુ ટેસ્ટ રન ખડક્યા જેમાં ૧૬ સદી અને છ બેવડી સદીનો સમાવેશ થતો હતો. તે શ્રીલંકાનો કેપ્ટન બનવામાં પણ સફળ થયો.
જી હા...અટાપટ્ટુને તેની ટેસ્ટ કારકિર્દીના બે રન બનાવવા માટે ત્રણ વર્ષ લાગ્યા હતા ! ત્રણ વર્ષ વધુ એક તકના ઉમેરો તો છ વર્ષ !

હર્ષા ભોગલે શ્રોતાઓને કે જેમાના મોટાભાગના યુવાનો હોય છે તેમને પુછે છે કે આ હદે નિષ્ફળતા, હતાશા અને દબાણને કોણ નિયંત્રણમાં જાળવી શકે ? મોટાભાગના તો ડીપ્રેશનમાં આવી જાય. રમત જ છોડીને અન્ય કારકિર્દી અપનાવી લે કે ઇંગ્લિશ કાઉન્ટી રમવા ચાલ્યા જાય. વ્યસનના રવાડે પણ ચઢી જાય. પણ તેણે અસાધારણ દ્રઢ મનોબળ બતાવ્યું. વિદ્યાર્થી મિત્રોએ જ નહીં યુવા પેઢીએ પણ અટાપટ્ટુ અને અન્ય રમતોના ખેલાડીઓએ જુદા જુદા સંજોગોમાં આત્મશ્રધ્ધા કેળવીને જે અભિગમ દર્શાવ્યો છે તેની પ્રેરણા મેળવવી જોઇએ.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

More Stories:-


Post Your Comment