હોરાઈઝન-ભવેન કચ્છી


હોરાઈઝન-ભવેન કચ્છી

બે મહાન રાજનેતાઓની ભીડાવવાની રાજનીતિ

હવે સરદાર પટેલ કાશ્મીર વિવાદ અંતર્ગત ચર્ચાની એરણ પર


'ઝીણા જો હિન્દુ બહુમતી ધરાવતા જૂનાગઢની મમતે ચઢ્યા હોય તો મુસ્લિમ પ્રભાવિત કાશ્મીર ભારત પાસે કેમ ન રહે'

માત્ર 'જો અને તો'ની ધારણાને આધારે થયેલા વિશ્લેષણો અર્ધસત્યથી વિશેષ કંઈ નથી

હવે સરદાર પટેલનું કદ નાનું કરવા અર્થઘટનો થવા માંડયા છે

સરદાર પટેલ પોતે જ નેહરૃને અદમ્ય

આદર આપતા હતા

વડાપ્રધાન મોદીએ સંસદમાં જવાહરલાલ નેહરૃ અને ગાંધી પરિવારને આડે હાથ લેતા ભારતની વર્તમાન હાલત માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવીને એવી કોમેન્ટ ઉમેરી હતી કે 'જો સરદાર પટેલને કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવાનું સોંપાયું હોત તો આજે સમગ્ર કાશ્મીર આપણા હસ્તક હોત.'

બસ પછી તો દેશના રાજકીય વિશ્લેષકો અને ઇતિહાસકારો પણ આર્કાઇવ્ઝના પાના ઉથલાવવા માંડયા. એક બહોળા વર્ગને સરદાર પટેલ હીરો તરીકે પ્રોજેક્ટ થાય તે હંમેશા ખૂંચતું રહ્યું છે. મોદીની સ્પિચની ટીકા તો થઈ જ પણ ભાજપ કે જે નેહરુ- ગાંધી પરિવારને હાંસિયામાં ધકેલવાનો ધ્યેય રાખે છે તેઓએ પણ કદાચ પ્રથમ વખત જડબાતોડ જવાબ આપવાની રણનીતિ અપનાવી છે એવું પુરવાર કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે કે સરદાર પટેલના નામે વર્ષોથી 'જો અને તો'ના દાવા થાય છે અને વિશેષ કરીને કાશ્મીર પ્રશ્નનો નીવેડો સરદાર લાવી જ દેત તેવી થીમ આગળ વધારીને નેહરૃને વિલન ચીતરવામાં આવે છે તે ઐતિહાસિક તથ્ય નથી.

આપણી કમનસીબી એ છે કે ભારતની આઝાદીના ઐતિહાસિક નાયકોને સામસામે ભીડાવીને આપણે ખરેખર તો બે મહા નેતાઓના સમર્થક જૂથમાં વહેંચાઈને આ મહાન નેતાઓના ગૌરવ પર જ કલંકિત છાંટા ઉડાડીએ છીએ. અહીં જે સંદર્ભો આપ્યા છે તેમાં પણ ઇતિહાસકારો અને વિશ્લેષકો તો તેમની પોતપોતાની બુદ્ધિ અને ઇરાદા પ્રમાણે અર્થઘટન કરે છે. આગામી લોકસભાની ચૂંટણી સુધી ભાજપ, કોંગ્રેસના નેતાઓને અને કોંગ્રેસ, ભાજપના નેતાઓને કદ પ્રમાણે વેતરવા લાઇબ્રેરી, આર્કાઇવ્ઝમાં ફાફાંફોળા કરતા રહેશે. આવો જોઇએ  મોદીની સરદાર પટેલ પરની કોમેન્ટ બાદ કઇ રીતે સરદાર પટેલ કાશ્મીર પ્રશ્ને આજકાલ  ચર્ચાની એરણ પર છે.

લોર્ડ માઉન્ટબેટનના રાજકીય સલાહકાર વી પી મેનને ભારતને કઇ શરતો અને મંત્રણાને આધીન આઝાદી મળશે તેનું બિલ બ્રિટનને તૈયાર કરવામાં મદદ કરી હતી. ૧૯૫૬માં મેનને ઈન્ટીગ્રેશન ઓફ ધ ઈન્ડિયન સ્ટેટ્સ નામનું પુસ્તક લખ્યું છે જેના ૩૬૫ નંબરના પાના પરનો ફકરો કંઇક આવો છે.

''આઝાદીના બે મહિના પહેલા ૨૩ જૂન, ૧૯૪૭ના રોજ લોર્ડ માઉન્ટબેટને કાશ્મીરના મહારાજા હરિ સિંઘને કહ્યું હતું કે ''જો કાશ્મીર પાકિસ્તાનને હસ્તક આપી દેવામાં આવે તો ભારત સરકાર દ્વારા તમારા આ પગલાને ભારત જોડે નિષ્ઠા નથી તે રીતે જોવામાં નહીં આવે.''

તે પછી વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને ઉમેર્યું કે ''તેને આ બાબત સરદાર પટેલ તરફ પાક્કી ખાતરી આપવામાં આવી છે.''

સરદાર પટેલના તે વખતના રાજકીય બાબતના સચિવ વી. શંકરે ૧૯૭૪માં ''શંકર ઃ માય રેમિનિસેન્સ ઓફ સરદાર પટેલ'' નામનું પુસ્તક લખ્યું હતું. તેના ૧૨૭મા પૃષ્ઠ પર છે કે ''સરદાર પટેલે કાશ્મીર ભારતમાં ભળે કે પાકિસ્તાનમાં તે નિર્ણય સંપૂર્ણપણે રાજા હરિ સિંઘ પર છોડી દીધો હતો. જો રાજા હરિ સિંઘ એવું માનતા હોત કે કાશ્મીર પાકિસ્તાન જોડે ભળી જાય અને તેઓ તેમ કરવા માંગતા હોત તો સરદાર પટેલ તેમાં દખલગીરી કરવાના ન હતા.

સરદાર પટેલના કાશ્મીર બાબતના કુણાં વલણની રાજમોહન ગાંધીએ ૧૯૯૧માં પ્રકાશિત તેમના પુસ્તક ''ગાંધી ઃ પટેલ ઃ અ લાઈફ''માં પણ ૪૩૯મા પૃષ્ઠ પર આ રીતે નોંધ લીધી છે.

''સરદાર પટેલનો કાશ્મીર માટેનો ઠંડો પ્રતિભાવ ૧૨ સપ્ટેબર, ૧૯૪૭ સુધીનો હતો જ. તે દિવસે ભારતના સૌપ્રથમ સંરક્ષણ મંત્રી બળદેવ સિંઘને પત્રમાં તેણે એવો નિર્દેશ આપ્યો હતો કે ''જો કાશ્મીર અન્ય દેશ (પાકિસ્તન) સાથે જોડાવા માંગતુ હોય તો તેનો તે સ્વીકાર કરશે. પણ તે સાંજે તેમને જેવી ખબર પડી કે પાકિસ્તાને જૂનાગઢને પોતાનામાં ભેળવવાની માંગ કરી તે સાથે જ સરદાર પટેલે કાશ્મીર પ્રશ્ને લડાયક મિજાજ ધારણ કર્યો હતો. તેણે કહ્યું કે ''જો ઝીણા હિંદુઓની મહત્તમ વસ્તી ધરાવતા જૂનાગઢ પર પાકિસ્તાનનો હક્ક માંગતા હોય તો ભારત મુસ્લિમોની બહુમતિ ધરાવતા કાશ્મીરની માંગ કેમ ના કરી શકે.''

તે પછી રાજમોહન ગાંધીના મતે જૂનાગઢ અને કાશ્મીર એ બે સરદાર પટેલને માટે ભારતની પ્રતિષ્ઠા અને ગૌરવના મુદ્દા બની ગયા હતા.

સરદાર પટેલ શતાબ્દી ગ્રંથમાળા-૧માં ૭૪મા પાને ઝીણાએ લાહોરની મુલાકાત દરમ્યાન માઉન્ટબેટનના ધ્યાન પર લાવેલ વાત લખી છે.. ''જો ઝીણાએ હૈદ્રાબાદ અને જૂનાગઢ કોઇ પણ જાતની ખેંચતાણ વગર એમ જ ભારતને આપી દેવા સંમતિ દર્શાવી હોત તો સરદાર પટેલ કાશ્મીર આપી દેવા તૈયાર જ હતા તેવું લાગતું હતું પણ ઝીણાએ હૈદ્રાબાદ, જૂનાગઢ અને કાશ્મીર ત્રણેય પાકિસ્તાન હસ્તક હોવા જોઇએ તેવી નિર્લજ્જ માંગ કરી અને દાદાગીરીનો અંદાજ અપનાવ્યો. અને સરદાર પટેલે ઝીણાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.

આમ છતાં સરદાર પટેલે ૧૪ નવેમ્બર, ૧૯૪૭ના રોજ જૂનાગઢમાં જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે ''જો હૈદ્રાબાદ જેમ બને ઝડપથી ભારતમાં ભળી જવાનો નિર્ણય નહીં કરે તો તેનું કોકડું પણ જૂનાગઢની જેમ ગુંચવાશે. પાકિસ્તાન કાશ્મીરનો કબ્જો મેળવવા જૂનાગઢનો ઉપયોગ કરી રહ્યું છે. જૂનાગઢ આપણું જ છે પણ એવો સોદો કરી ઉપકાર કરવા માગે છે કે જૂનાગઢ તમને આપી દઇએ, તમે કાશ્મીર બદલામાં અપને આપો. અમારો તેઓને એવો જવાબ હતો કે જો તેઓ હૈદ્રાબાદ અમને સોંપી દેવા તૈયાર હોય તો અમે કાશ્મીર પાકિસ્તાનને હસ્તક કરી દેવા તૈયાર છીએ.''

સરદાર પટેલ શતાબ્દી વોલ્યુમ-૨માં સંપાદક જી એમ નંદુરકરે ઉપરોક્ત પ્રવચનના અંશ નોંધ્યા છે જેનો પણ રાજમોહન ગાંધીએ સમાવેશ કર્યો છે. આ જ પુસ્તકમાં ૪૪૨મા પાના પર એક પ્રસંગ છે પણ તેના પરથી કંઇ સ્પષ્ટ નથી થતું તેથી તે સંદિગ્ધ કહી શકાય. જે આ પ્રમાણે છે.

''સપ્ટેમ્બર ૧૯૪૭માં નહેરૃએ સરદાર પટેલને એવો રીપોર્ટ સુપ્રત કર્યો કે પાકિસ્તાન કાશ્મીરને કબ્જે કરવા માટે મોટી સંખ્યામાં તેના સૈન્યને ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. ૨૬ ઓકટોબરે નહેરૃના નિવાસસ્થાને નહેરૃ, મહારાજા હરિ સિંઘના મંત્રી મેહર ચંદન અને સરદાર પટેલ વચ્ચે મીટિંગ યોજાઇ હતી જેમાં મેહર ચંદને ભય અને ભારે વિવશતા સાથે વિનવણી કરી કે ''જો કાશ્મીરમાં અમને ભારતીય સૈન્યની મદદ નહી આપો તો કાશ્મીર પાકિસ્તાનના હાથમાં ચાલ્યું જશે. આ સમયે નહેરૃએ ભારે ગુસ્સા સાથે મહેર ચંદનને જણાવ્યું કે ''તો ચાલ્યો જા.'' બરાબર આ જ સમયે સરદાર પટેલે વચ્ચે ઝુકાવતા કહ્યું કે ''મહેર જવાનું એટલે પાકિસ્તાનમાં જવાનો આદેશ નથી આપ્યો હોં.''

હવે એ રહસ્ય અકબંધ જ રહ્યું કે નહેરૃ મહેર ચંદનને ખરેખર 'ગેટ આઉટ'ના ટોનમાં કહેતા હતા કે તેેણે ચંદન મહેરને પાકિસ્તાનની તરફ બેસી જાવ તેવો સંકેત આપ્યો હતો. સરદાર પટેલ નહેરૃના આ દ્વીઅર્થી સૂચનને પારખી ગયા ગયા અને મહેર ચંદનને કોઇ દુઃસાહસ ન કરવા ચીમકી આપી હતી.

રાજમોહન ગાંધી એમ પણ લખે છે કે સરદાર કહેતા કે ભારત કાશ્મીર પ્રશ્ને જે રણનીતિ અખત્યાર કરે છે તે ગંભીર પરિણામોને  જન્મ આપશે.

લોકમત, યુનાઇટેડ નેશન્સને પ્રશ્ન સોંપવાનો વિચાર, પાકિસ્તાનના સૈન્યને ખદેડવામાં ઢીલાશ જેના પગલે રાજા હરિ સિંઘને નાસી જવું પડયું તેવા નિર્ણયોને સરદાર પટેલે મુર્ખામીભર્યા ગણાવ્યા. આ નિર્ણયોમાં નહેરૃ કેન્દ્રસ્થાને હોઇ સરદાર પટેલ હીરો બન્યા. સરદાર પટેલે નહેરૃના નિર્ણયોની ટીકા કરી હતી પણ પોતે કાશ્મીરને ભારતને હસ્તગત કરવા કોઇ નક્કર ફોર્મ્યુલા નહતી આપી.

સરદાર પટેલને નહેરૃ માટે કડવાશ ન હતી. નેશનલ બુક ટ્રસ્ટે સરદાર પટેલે લખેલા પત્રોનું સંકલન કરીને પુસ્તક બહાર પાડયું છે. સરદાર પટેલનો એક પત્ર પંડિત જિયાલાલ કૌલ જલાટી (આસીસ્ટન્ટ જનરલ જમ્મુ કાશ્મીર, ૧૬ જૂન, ૧૯૪૬)ને સંબોધી લખ્યો છે ''રાજકીય આંદોલનને કોમી પ્રશ્નોથી દૂર રાખવું જોઇએ. હું માનું છું કે નહેરૃ પોતે શાંતિનો પૈગામ લઇને જાતે ંકંઇક સમજુતિ સાધવા કાશ્મીર આવી રહ્યા છે. નહેરૃ હિંદુ તો છે જ પણ પોતે કાશ્મીરી પંડિત છે. તેઓ અગ્રણી દેશભક્ત છે. આધુનિક ભારતના મહાન નેતા છે. આખરે નહેરૃ પણ માનવ છે. તેનાંથી પણ કોઇ ભૂલ થઇ શકે છે. માનવી તરીકે પણ નહેરૃ ઉત્તમ કોટીના છે. તેમના જે પણ કાર્યો અને નિર્ણયો છે તેમાં તેની દેશ માટેની ઉત્કૃષ્ટ ભાવના જ સમાયેલી છે. આપણે આશા રાખીએ કે કાશ્મીરનો ઉકેલ ઝડપથી આવી જાય. આપણે કોઇના પ્રત્યે કડવાશ ના રાખવી જોઇએ.''

નહેરૃને ૮ ઓકટોબર, ૧૯૪૭ના રોજ સરદાર પટેલે લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે ''મને લાગે છે કે કાશ્મીર સમસ્યામાં મેં કશું જ બાકી નથી રાખ્યું. કાશ્મીર બાબતની નીતિ સંદર્ભે આપણા વચ્ચે કોઇ મતભેદ હોય તો પણ હું જાણતો નથી. આમ છતાં આ એક કમનસીબ બાબત છે કે ઘણા એવું માને છે કે આપણા સંબંધો અને અરસપરસની સદ્ભાવના બાબત ઊંડી ખાઇ આવેી છે. મને આ વાતનું પણ ઘણું જ દુઃખ છે.''

રાજમોહન ગાંધી લખે છે કે કાશ્મીર પ્રશ્ન નહેરૃએ તેમની પાસે રાખ્યો હતો. પણ સરદાર પટેલ ઈચ્છતા હતા કે તે તેમને સોંપવામા ંઆવે પણ તેમ થયું નહીં. તેથી સરદાર પટેલ તેના પત્રો દ્વારા કે રાજકીય મિત્રોને તેઓ પાસે કાશ્મીર પ્રશ્નની ગુત્થી ઉકેલવાનું આવે તે પ્રકારનો મત પ્રગટ કરતા હતા પણ તેમણે ક્યારેય તેની પોતાની ફોર્મ્યુલા આપી જ નથી. માની લો કે કાશ્મીર પ્રશ્ન નહેરૃએ તેને સોંપ્યો હોત તો સરદાર પટેલ કઇ રણનીતિ અપનાવત તે તેમણે જાહેર કર્યું જ નથી. એક વખત અચ્યુત પટવર્ધનને તેમણે લખેલું કે તેઓનું ચાલે તો શીખ સમુદાયને ત્યાં સ્થિર કરી દે. સરદાર પટેલે જયપ્રકાશ નારાયણને એક વખત કહેલું કે કાશ્મીર પ્રશ્નનો કોઇ ઉકેલ નથી.

સરદાર પટેલે જયપ્રકાશ નારાયણને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલી ના શકાય તેવો છે તેવું ઓગસ્ટ ૧૯૫૦માં કહ્યું હતું. જયપ્રકાશ નારાયણે સરદાર પટેલના નિવેદનથી કહ્યું કે તેઓ તેને કઇ રીતે ઉકેલાત તે અંગે પટેલે જરા પણ પ્રકાશ તેના મિત્રવર્તુળમાં નથી પાડયો. મહત્વની વાત એ હતી કે તેઓ કાશ્મીર સહિતના મોટાભગના ઈસ્યુમાં નહેરુ સાથે એકમત હતા. કાશ્મીર બાબત નહેરૃના પગલાની અંગત દ્વેષ સાથે ટીકા નથી કરી પણ તેમણે શું કરી શકાય તેવો ફોડ પણ નહતો જ પાડયો. સરદાર પટેલે આયોજન પંચના પ્રથમ સભ્ય એવા આર કે પાટીલને ૨૮ સપ્ટેમ્બર, ૧૯૫૦ના રોજ કહ્યું હતું કે, કાશ્મીરમાં આપણે કરોડો રૃપિયા ખર્ચી કાઢ્યા છે. જો લોકમત માટે આપણે સ્વીકારીશું તો કાશ્મીર આપણે ગુમાવીશું.''

સરદાર પટેલે ૨૯ જુન, ૧૯૪૯ના રોજ ડો. રાજેન્દ્ર પ્રસાદને લખેલું કે કાશ્મીરનો પ્રશ્ન પણ ઉકેલાઇ જાત પણ જવાહરે ૧૯૪૭-૪૮ની કાશ્મીર વોર વખતે ભારતીય સેનાને બારામુલાથી દોમેલ સુધી જવાની પરવાનગી નહતી આપી અને તેની જગાએ સેનાને પૂંચ તરફ આગેકૂચ કરવા કહ્યું હતું.''

સરદાર પટેલે કાશ્મીર પર ભારતનો જ હક્ક રહેશે તે બાબતના તીખા તેવર ૩ જાન્યુઆરી, ૧૯૪૮ના ભાષણમાં બતાવ્યા હતા. તેમણે  પાકિસ્તાનને પડકારેલું કે ગેરિલા યુધ્ધ કરો છો તેના કરતા સીધો સામસામે જંગ છેડો ને. જો કાશ્મીર તલવારથી જીતાતું હોય તો લોકમતની ક્યાં માંડો છો ? અમે કાશ્મીરની એક ઈચ જગા પણ પાકિસ્તાનને નહીં આપીએ.''

સરદાર પટેલનો કાશ્મીર બાબતનો રોષ પાકિસ્તાન સામે આર યા પારનો હતો પણ નહેરૃએ તેને કાશ્મીર પ્રશ્ને કેન્દ્રવર્તી ભૂમિકા રહસ્યમય કારણોસર આપી જ નહીં. સરદાર પટેલ કાશ્મીર સમસ્યા ઉકેલી બતાવત તેમ કહેવા કરતા તેમનો અંદાજ આક્રમક અને દેશપ્રેમથી ધગધગતો હતો તેમ જરૃર કહી શકાય ભલે સરદાર પટેલ એમ ઓન રેકોર્ડ જણાવી ગયા કે મારા અને નહેરૃ વચ્ચે દુનિયા માને છે તેવી કોઇ તીરાડ કે મનભેદ નથી પણ ખરેખર તે પ્રવર્તતો હતો. હા, અંગત દ્વેષ ન હતો પણ નહેરૃની નીતિથી તેઓ આઘાત અને લાચારીના અનુભવની પીડા ભોગવતા હતા. કદાચ નહેરૃ જોડેની કડવાશને ઈતિહાસ યાદ રાખે તેથી બન્ને વચ્ચેની વિવાદાસ્પદ બાબતોથી દૂર રહ્યા હોય તેવી  પણ શંકા જાગે.

જો કે સો વાતની એક વાત એ છે કે સરદાર કે નહેરૃ જેવા હતા તેવા પણ મોદીની સરકાર હવે કાશ્મીર પ્રશ્ને શું કરવા માંગે છે તે જ વર્તમાન પેઢીને માટે મહત્વનું છે. લિંકન આમ હતા કે ચર્ચિલ તેમ હતા તેમ અમેરિકા, બ્રિટનના નેતા નથી કહેતા.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

More Stories:-


Post Your Comment