હોટલાઈન - ભાલચંદ્ર જાની


હોટલાઈન - ભાલચંદ્ર જાની

આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠન :ઈન્ટરપોલ

જગતભરના ત્રાસવાદી, ગુંડા-બદમાશ, ભાગેડુઓ પર જાપ્તો રાખતું


દુનિયાના ગમે તે ખૂણે જઈને ગુનેગારનું કાંડું આમળવાની કામગીરી ઈન્ટરપોલના પોલીસ અધિકારીઓ બહુ કુશળતાપૂર્વક પાર પાડે છે.

લલિત  મોદી,  વિજય માલ્યા  દેશમાં  કરોડોના  ગોટાળાં, લાંચ-કૌભાંડ કરીને  વિદેશ  ચાલ્યા ગયા. તાજેતરમાં  નીરવ મોદી અને મેહુલ ચોક્સી પણ તેમના જ પગલે બેન્કોના અબજો રૃપિયા ગભન કરી  વિદેશ નાસી ગયા  છે.

તેઓ ભારત  છોડીને ક્યાં સેટલ થયા  છે તેની જાતજાતની  અટકળો ચાલે છે.  નીરવ મોદીના કેસમાં તો અમેરિકાના સરકારી તંત્રએ પણ  આ ભાગેડુ તેમના દેશમાં  ક્યાંક લપાયો  હોય તો ખબર નથી એવું કહીને  હાથ ઊંચા કરી દીધા  છે.  કોઈ કહે  છે કે નીરવ- મેહુલ બેલ્જિયમમાં  છે તો કોઈ કહે  છે કે તેઓ સેન્ટ કીટ્સમાં સ્થાયી  થયા  છે. હવે આ કૌભાંડકારીઓ  ક્યાં  છુપાયા  છે તે શોધી કાઢવા  પોલીસ તપાસ વિદેશની ભૂમિ પર આગળ વધારવી પડશે અને આપણા પોલીસતંત્રના હાથ એટલા લાંબા નથી.

પરદેશમાં તો આપણા જાસૂસી તંત્ર સી.બી.આઈ. રૉ  ( રિસર્ચ એન એનાલિસિસ વીંગ)  કે ઈન્ટેલીજન્સ બ્યુરોનું પણ કંઈ ખાસ ઊપજે નહીં, ઈન્ટરપોલની સહાય લઈને કેસ આગળ ચલાવે તો જરૃર નક્કર પરિણામ આવે. દિલ્હી પોલીસ અને સી.બી.આઈ. એ આ જ માર્ગ અપનાવ્યો છે તેથી  બે સપ્તાહ  પૂર્વે  જ  અખબારોમાં ઈન્ટરપોલનું નામ  ચમક્યું  .  આ ઈન્ટરપોલ એટલે શું? એ કોઈ જાસૂસીતંત્ર છે કે પછી પોલીસ સંગઠન?

દુનિયાભરમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એકબીજાનાં સહકારમાં કામ કરતી માફિયા ગેંગને ઝબ્બે કરવાના આશયથી ૯૪ વર્ષ પહેલાં ૧૯૨૩માં વિશ્વના ૧૯ આગેવાન દેશોએ એક સર્વસામાન્ય પોલીસતંત્રની રચના કરીને તેનું નામ રાખ્યું ઈન્ટરપોલ. પૂરું નામ છે : ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન.

ઈન્ટરપોલ  (ઈન્ટરનેશનલ  ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન) ની સ્થાપના  થઈ ત્યારે  શરૃઆતના  કાળમાં   તેનું  નામ  ઈન્ટરનેશનલ  ક્રિમીનલ પોલીસ કમિશન હતું. ૧૯૪૬માં  ટેલિગ્રાફિક  એડ્રેસ રૃપે   ૈંશ્ઈઇ ઁર્ંન્ નામ નક્કી કરવામાં આવ્યું અને ૧૯૫૬થી આ  જ  નામે  ઓળખાય  છે. આ પોલીસ સંગઠનની પ્રારંભિક કચેરી વિયેનામાં હતી.

ઈન્ટરપોલની વિધિવત સ્થાપના થઈ એ પૂર્વે મોનાકોના પ્રિન્સ આલબર્ટ પહેલાએ પોલીસ અધિકારીઓની એક બેઠકમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે જગતના શક્ય તેટલા વધુ દેશોને સાંકળી લેતા એક આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠનની રચના કરવી જોઈએ જે એક દેશમાં રહીને બીજા દેશમાં અપરાધવૃત્તિ આચરનારા ગુનેગારો સામે કાયદાનો દંડો ઉગામી શકે તથા ઈન્ટરનેશનલ પોલીસની ધાક બેસાડી શકે. ઓસ્ટ્રિયાના બાહોશ પોલીસ વડા ડૉક્ટર જ્હોન સ્કોબારે સૌથી વધુ રસ લઈને આ આંતરરાષ્ટ્રીય સંગઠનની રચના કરી હોવાથી તેનું વડું મથક વિયેનામાં સ્થાપ્યું હતું.

પ્રારંભથી જ ઈન્ટર પોલનો મુખ્ય ઉદ્દેશ એવો રહ્યો છે કે જુદા જુદા દેશના કાયદાની મર્યાદામાં રહીને પોલીસ તથા બીજી ગુનાશોધક એજન્સીઓનો સહકાર મેળવી આંતરરાષ્ટ્રીય ગુનાખોરીને ડામવા તેમ જ પ્રત્યેક દેશને અપરાધ ઉકેલવામાં જરૃરી સહાય કરવી તેમ જ આંતરરાષ્ટ્રીય ગુનેગારોની તેમ જ ગુનાહિત પ્રવૃત્તિઓની વિગતો એકઠી કરીને તેની વ્યવસ્થિત નોંધ રાખવી.

સ્થાપના થયા પછી પ્રારંભના દોઢ દાયકામાં ઈન્ટરપોલે ઘણી ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી. આ સંગઠન વધુ દ્રઢ બનતું જતું હતું એવામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. યુદ્ધ દરમિયાન જર્મનીના હિટલરે ઓસ્ટ્રિયા પર કબજો જમાવ્યો. નાઝી લશ્કરે તેની રાજધાની વિયેનાને ઘમરોળી નાખ્યું તેમાં ઈન્ટરપોલના વડા મથકના પણ હાલહવાલ થઈ ગયા. નાઝી સૈનિકોએ મકાનની અંદર ઘૂસીને ઈન્ટરપોલની તાલીમ ફાઈલો-દસ્તાવેજો સળગાવી નાખ્યા.

આમ સાતેક વર્ષ સુધી ઈન્ટરપોલ નિષ્ક્રિય રહ્યા પછી ૧૯૪૭માં તેનો પુનર્જન્મ થયો. બ્રસેલ્સમાં વીસેક દેશોના પોલીસ વડાઓનું સંમેલન ભરાયું તેમાં ઈન્ટરપોલને ફરી સજીવન કરવાનો નિર્ણય લેવાયો. પરંતુ તેનું નવું વડું મથક વિયેનાને બદલે પેરિસ (ફ્રાન્સ)માં રાખવું એવું સર્વાનુમતે નક્કી થયું. ત્યાર બાદ વર્ષો સુધી ૨૬, રૃઆર્મેંગડ, ૯૨ સ્ટ્રીટ ક્લૉડ, ફ્રાન્સએ ઈન્ટરપોલનું અધિકૃત સરનામું રહ્યું. જોતજોતામાં આ પોલીસ સંસ્થાની સભ્ય સંખ્યા સોનો આંક વટાવી ગઈ.

આમ છતાં પોલેન્ડ, હંગેરી, રશિયા વગેરે સામ્યવાદી દેશો છેવટ સુધી ઈન્ટરપોલના સભ્ય બન્યા નહોતા. પરંતુ ભારત તો છેક ૧૯૩૮થી આ આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠનનું સભ્યપદ ધરાવે છે. બે  દાયકા પહેલાં આપણી કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા સી.બી.આઈ.ના નિર્દેશક ઈન્ટરપોલની રાષ્ટ્રીય કેન્દ્રસ્થ કચેરીના અધ્યક્ષપદે હતા તેમ જ ઈન્ટરપોલમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કરતા હતા.

ઈન્ટરપોલનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવાનો છે. દુનિયાના ગમે તે ખૂણે જઈને ગુનેગારનું કાંડું આમળવાની કામગીરી ઈન્ટરપોલના પોલીસ અધિકારીઓ બહુ કુશળતાપૂર્વક પાર પાડે છે. વર્ષો  પૂર્વે  મુંબઈના યુવાન ડામમંડ મર્ચન્ટનું અપહરણ થયા પછી તેમાંનાં ગૌતમ મહેતાના ક્રેડિટ કાર્ડ પર સિંગાપુરમાં ખરીદી થઈ હોવાની માહિતી સર્વપ્રથમ ઈન્ટરપોલે જ સી.બી.આઈ.ને આપી હતી.   

ઈન્ટરપોલની ખાસિયત એ છે કે તેની પ્રવૃત્તિઓ પર હંમેશાં ગુપ્તતાનું આવરણ રહેતું હોવાથી તેનું ખરૃં સ્વરૃપ લોકોને જાણવા મળતું નથી. અમેરિકી જાસૂસી સંસ્થા સી.આઈ.એ. રશિયન જાસૂસીતંત્ર કે.જી.બી. કે ઈઝરાયલની કાતિલ જાસૂસ સંસ્થા મોસાર્દ વિશે અખબાર સામયિકોમાં જેટલું લખાયું છે એટલું ઈન્ટરપોલ વિશે કોઈ સાહિત્ય ઉપલબ્ધ થતું નથી તેને કારણે ઈન્ટરપોલ વિશે લોકોમાં ભ્રામક ખ્યાલ પ્રવર્તે છે. અમુક લોકો તેની સરખામણી અમેરિકાના સી.આઈ.એ. સાથે કરે છે તથા ઈન્ટરપોલના અધિકારીઓને જેમ્સ બોન્ડ જેવા બાહોશ જાસૂસ પાત્ર સાથે સરખાવે છે.

હકીકતમાં ઈન્ટરપોલ એ કોઈ જાસૂસીતંત્ર નથી કે નથી એ કંઈ ચાલાક ડિટેક્ટિવોની ફોજ નિભાવતી! હા, તેના ચુનંદા પોલીસ ઓફિસરો તેમની કામગીરીમાં ખૂબ જ બાહોશ છે. સભ્ય દેશોની મદદ લઈને ગુનેગારને ગમે ત્યાંથી શોધી કાઢી જે તે દેશની અદાલતના પિંજરામાં ઊભો કરવાની કામગીરી ઈન્ટરપોલ નિષ્ઠાપૂર્વક બજાવે છે.

વિવિધ દેશોની પોલીસ સંસ્થા વચ્ચે સમન્વય સાધીને અપરાધીને શોધી કાઢવા માહિતીની આપ-લે કરે છે. ઈન્ટરપોલની ફાઈલોમાં દુનિયાના હજારો ગુનેગારો, માફિયા સરદારોની કરતૂત-કુંડળી, તેમના ચારિત્ર્ય, બાહ્ય દેખાવ વિશેની વિગતો હોય છે. ઉપરાંત બે લાખથી વધુ ગુનેગારોની ફિંગર પ્રિન્ટ્સનો સંગ્રહ ઈન્ટરપોલ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય અપરાધ જગતને લગતો ઈન્ટરપોલનો રેકોર્ડ એટલો વિશાળ છે કે તેને ગુના સંશોધન માહિતી કેન્દ્ર કહીએ તો પણ ચાલે.

અખબારમાં કોઈ ચોંકાવનારા ગુનાહિત કૌભાંડ વિશેના સમાચારમાં ઈન્ટરપોલની સહાય માગવામાં આવી એવું વાંચો ત્યારે એનો અર્થ મોટે ભાગે એવો કરવાનો કે સ્થાનિક પોલીસે શકમંદ વ્યક્તિને શોધી કાઢવા માટે ઈન્ટરપોલ પાસે જરૃરી માહિતી માગી અથવા ગુનેગાર વ્યક્તિ વિશેની વિગતો ઈન્ટરપોલ મારફતે બીજા દેશના પોલીસવડાને પહોંચાડી.

ઉદાહરણરૃપે  યાકુબ અને ટાઈગર મેમન બોમ્બ બ્લાસ્ટ પૂર્વે ભાગી ગયા પછી  તેમની  પૂરી વિગતો  તસવીરો, રેખા ચિત્રો  ભારતીય  એજન્સીઓએ   ઈન્ટરપોલને  સુપરત  કર્યા. ત્યાર પછી ઈન્ટરપોલે આ માહિતી ઈઝરાયલ, બેલ્જિયમ, હોંગકોંગ, સિંગાપુર, પાકિસ્તાન તથા બ્રિટનના પોલીસતંત્રને પ્રસારિત કરી. આ રીતે કોઈ કેસની તપાસ હાથ ધરે ત્યારે ગુનો ચોક્કસ કયા સંજોગોમાં અને કઈ પદ્ધતિથી આચરવામાં આવ્યો હતો તે સંપૂર્ણ મોડ્સ ઓપરેન્ડીની ઝીણવટભરી વિગતો ઈન્ટરપોલ બીજા દેશના પોલીસતંત્રને પહોંચાડે છે.

જેના પરથી જે તે દેશની પોલીસ સર્વ પ્રથમ તો પોતાનો રેકોર્ડ ચકાસીને એમના દેશમાં એ જ પદ્ધતિ અજમાવીને કોઈએ અપરાધ કર્યો હતો કે કેમ એ શોધી કાઢે છે. એ જ રીત અજમાવીને કોઈ ટોળકીએ ગુનો અગાઉ આચર્યો હોય તો તેમનાં નામ-ઠામ, ફિંગર પ્રિન્ટરની વિગતો એકઠી કરી એક ડોકેટ તૈયાર કરીને એ ઈન્ટરપોલને પહોંચાડાય છે. જેના આધારે ઈન્ટરપોલના પોલીસ અધિકારીઓ તપાસ કાર્ય આગળ ધપાવી શકે.

જરૃર લાગે ત્યારે ઈન્ટરપોલ ગુનેગારને પકડવા માટે સંબંધિત દેશની અનુમતિ મેળવી લે છે જેથી અપરાધી પર મુકદમો ચલાવી શકાય. સભ્ય દેશ ધરપકડ કરવાને બદલે માત્ર શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખીને તેની હિલચાલથી અમને વાકેફ કરતા રહેજો એવી  અપેક્ષા  રાખે  તો એ કામ પણ ઈન્ટરપોલ બજાવે છે. આ સિવાય કોઈ ચોક્કસ અપરાધના કિસ્સામાં સંડોવાયેલી મનાતી લાપત્તા અથવા મૃત્યુ પામેલી વ્યક્તિને ઓળખી કાઢવાનું મહત્ત્વનું કાર્ય ઈન્ટરપોલ કરે છે.

ઈન્ટરપોલનું  વાર્ષિક બજેટ  સવા કરોડ યુરો જેટલું  છે.  વિશ્વના  ૧૯૨ દેશો જે આ સંસ્થાના સભ્ય છે તેઓ દ્વારા  અપાતા ભંડોળ વડે સંસ્થાનું કામકાજ ચાલે છે. આ પોલીસ સંસ્થાના જનરલ સેક્રેટરીએટમાં સ્ટાફની કુલ સંખ્યા ૭૫૬  છે.  જ્યારે વર્તમાન સેક્રેટરી જનરલ  જુરગન સ્ટોક છે જેઓ પહેલાં  જર્મનીની  ફેડરેલ ક્રિમિનલ પોલીસ  ઓફિસના નાયબ વડા હતા. તેમના પુરોગામી રોનાલ્ડ  નોબલે આ પદ પર ૧૪ વર્ષ  સેવા બજાવી હતી.  ઈન્ટરપોલના   વર્તમાન  પ્રમુખ  મેંગ હોંગવઈ  છે જેઓ પહેલા ચીનના  સલામતી  બાબતોના પ્રધાન હતા.

સંસ્થાના નિર્વાહ માટે દર વર્ષે એક નિશ્ચિત રકમ ફાળા રૃપે દરેક દેશ ઈન્ટરપોલને આપે છે. હાલ આ રકમ આશરે ૨૦૦૦૦ અમેરિકન ડૉલર જેટલી છે. એટલી જ રકમમાંથી ઈન્ટરપોલ વહીવટ ચલાવે છે. બાકી કોઈ ચોક્કસ ગુના સબબ ઈન્ટરપોલની સહાય લેવા માટે મોટી રકમની ફી ચૂકવવી પડતી હોવાની વાત ખોટી છે.

બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે  કેફી દ્રવ્યોનો વેપાર,   ત્રાસવાદી  પ્રવૃત્તિ  કીમતી મૂર્તિઓ તથા સોના, ચાંદી અને હીરાની દાણચોરી તેમ જ મહત્ત્વના દેશોની કરન્સી નોટોની નકલ કરીને બનાવટી ચલણી નોટો છાપવાના કિસ્સા વધવા લાગ્યા ત્યારથી ઈન્ટરપોલનું કામ અનેકગણું વધી ગયું છે. અનેક કિસ્સામાં પ્રભાવશાળી કામગીરી દાખવીને આ સંસ્થા અનેકવાર પ્રશંસાપાત્ર ઠરી છે.

અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાંસ જેવા દેશે આ સંસ્થાની સફળતાથી પ્રેરાઈને જ આર્થિક સહાય કરેલી તેમાંથી ૧૯૬૭માં ઈન્ટરપોલે પેરિસ શહેરમાં દક્ષિણ વિસ્તારમાં નવું હેડક્વાર્ટર સ્થાપ્યું. ૯૦ લાખ ડૉલરના ખર્ચે ચણાયેલી આ સાત માળની ઈમારતમાં એક આદર્શ અને કાર્યક્ષમ  પોલીસતંત્રમાં જોવા મળે તેવી તમામ સુવિધા હતી. પરંતુ વખત જતાં કાર્યક્ષેત્ર ઘણું વધી જતા આ જગ્યા  પણ નાની પડવા લાગી એટલે  ઈન્ટરપોલે તેના મુખ્ય મથકને પેરિસથી લિયોનમાં ખસેડયું છે. આ સ્થળાંતર પાછળનું કારણ એ છે કે અગાઉ પેરિસના પરા સેન્ટ ક્લૉડનું મુખ્ય મથક ગીચ રહેણાંક વિસ્તારમાં હતું.

ત્રાસવાદી પરિબળો સામે ઈન્ટરપોલે સખ્તાઈથી વર્તવા માંડયું ત્યારથી રોષે ભરાયેલા આરબ આતંકવાદીઓએ ચાર વાર આ ઈમારતને ફૂંકી મારવાના પ્રયત્ન કર્યા હતા. ત્રાસવાદીઓના આ ઉધામા આસપાસમાં વસતાં નાગરિકો માટે જોખમી સાબિત થાય તેમ હોવાથી છેવટે દૂરના શહેર લિયોનમાં નવેસરથી હેડક્વાર્ટરની રચના કરવામાં આવી. કાચ અને સ્ટીલનું બનેલું આ મથક અગાઉ કરતા વધુ વિશાળ છે અને નવ માળની ઈમારતમાં દરેક માળે અલગ વિભાગ રાખવામાં આવ્યો છે.

ફોર્જરી સેક્શન એટલે કે બનાવટી દસ્તાવેજોને લગતા વિભાગમાં સંખ્યાબંધ ઓફિસરો વિવિધ  દેશોની ચલણી નોટોની નકલ કરનારા સામેની કામગીરી હાથ ધરે છે. આ વિભાગમાં સાચી અને બનાવટી નોટ વચ્ચેનો ભેદ પારખવાના અદ્યતન યંત્રો છે.

ડ્રગ ડિવિઝનમાં જુદા જુદા દાણચોરો દ્વારા કેફી દ્રવ્યોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા નુસખાનો અભ્યાસ થાય છે.  મોસંબીના થિજાવેલા રસમાં કોકેઈન  ભેળવ્યું હોય તો કેવી રીતે એ રહસ્ય પામી શકાય કે મેંદાના લોટ સાથે હેરોઈન મિક્સ કરીને લઈ જવાતું હોય તો એની ભાળ કેવી રીતે મળે તે શોધી કાઢવાની વિવિધ ટેકનિક ઈન્ટરપોલે વિકસાવી છે.

ઉપરાંત, આ વિભાગને એક સેન્ટ્રલ કૉમ્પ્યુટર સાથે સાંકળી લેવાયું છે. વિશ્વની જુદા જુદા દાણચોરોની ગેંગ નશીલા  પદાર્થો સંતાડીને લઈ જવા કેવી કેવી તરકીબ અજમાવે છે તેની સવિસ્તાર નોંધ આ કૉમ્પ્યુટરમાંથી મળી રહે. આ માહિતીનો સૌથી વધુ લાભ અમેરિકાની ગુપ્તચર સંસ્થા ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેટિગેશન (એફ.બી.આઈ.) એ લીધો છે.

લેટિન અમેરિકન દેશો મોટા પ્રમાણમાં જળ, જમીન અને હવાઈ રસ્તે અમેરિકામાં કેફી દ્રવ્યો ઘુસાડે છે. જેમાં કોલંબિયા, પનામા અને ગ્વાટેમાલાના માફિયા સરદારો ચાવીરૃપ મનાય છે. પનામાનો જનરલ નોરિગા, પાબ્લો એસ્કોબાર તથા ફાબીઓ ઓચોઆ વર્ષો સુધી અમેરિકનના પોલીસ તેમ જ કસ્ટમ ખાતાને હાથતાળી આપતા રહ્યા.

છેવટે એફ.બી.આઈ.એ ઈન્ટરપોલની મદદ લીધી ત્યારે આ પોલીસ સંગઠનના  એક જર્મન નિષ્ણાતે અબજો રૃપિયાના કેફી દ્રવ્યોના વેપારના સૂત્રધાર મનાતા એસ્કોબાર તથા ઓચોઆને લગતી ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી તેમના ચહેરા પરનો નકાબ દૂર કર્યો. બેઉ સફેદ ઠગને રંગે હાથ પકડવામાં ઈન્ટરપોલે એફ.બી.આઈ.ને મદદ કરી. અગાઉ ધર્મા તેજા તથા ચાર્લ્સ શોભરાજના કેસમાં તપાસ ચલાવી રહેલી આપણી પોલીસને પણ ઈન્ટરપોલે ખૂબ જ સહાય કરી હતી.

ઈન્ટરપોલના વિવિધ વિભાગમાં કુલ મળીને ૩૫૦ પોલીસ અફસરો કામ કરે છે. દરેક સભ્ય અગાઉ એક યા બીજા દેશના પોલીસ દળમાં ઉચ્ચ હોદ્દા પર રહી ચૂકેલો અનુભવી પોલીસ વડો હોય છે.

ઈન્ટરપોલના મૂળભૂત  બંધારણે એવી મર્યાદા રાખી છે કે સંગઠનનો એક પણ ઓફિસર લશ્કરી, રાજકીય કે ધાર્મિક પ્રવૃત્તિમાં રસ લેશે નહીં તેમ જ આ સંબંધી અપરાધના કિસ્સાને હાથ અડાડશે નહીં. લશ્કરી અને ધાર્મિક બાબતમાં માથું ન મારવાનો અગાઉનો નિર્ણય હજુ પણ યથાવત્ છે.

પરંતુ બે દાયકામાં રાજકારણની સાથે ગુનાખોરીની ભરપૂર ભેળસેળ થઈ હોવાથી ઈન્ટરપોલે નાછૂટકે રાજકીય હેતુસર થતાં હત્યાઓ, અપહરણો, પ્લેન હાઈજેકિંગ કે એવા બીજા ત્રાસવાદી છમકલાના કેસ હાથ ધરવા માંડયા છે. આમ દિવસે દિવસે ઈન્ટરપોલનું કાર્યક્ષેત્ર વિસ્તરતું જાય છે. વેશ્યાગીરીના કૌભાંડ, હવાલા બિઝનેસ તેમ જ કુમળી વયના બાળકોના વેપાર જેવી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે પણ ઈન્ટરપોલ સજ્જ થઈ ગયું છે.

સામાન્ય લોકોમાં ઈન્ટરપોલની ઈમેજ કેવી છે એ વિશે ટકોર કરતા સેક્રેટરી જનરલના મદદનીશ મિગુલ ચોમોરો કહે છે : લોકો સમજે છે કે અમે (ઈન્ટરપોલના અધિકારીઓ) જેમ્સ બોન્ડની માફક વિમાનમાં ઊડાઊડ કરીએ છીએ, એક દેશથી બીજા દેશમાં જઈને ગુનેગારને ઝડપી લઈએ છીએ. પણ  એમાં તથ્ય નથી. ઈન્ટરપોલ મુખ્યત્વે જે તે દેશના પોલીસ તંત્રને તેના જ દેશમાં જરૃરી માહિતી પહોંચાડીને ગુનાનું રહસ્ય ઉકેલવામાં મદદ કરે છે. હા, આવશ્યક્તા ઊભી થાય તો ખાસ કેસમાં ઈન્ટરપોલના નિષ્ણાત અધિકારી ઘટના સ્થળની મુલાકાત લે અથવા શકમંદ વ્યક્તિ નાસી છૂટી હોય એ દેશમાં તેનો પીછો કરે છે. પરંતુ આવું જવલ્લે જ બને.

મોટેભાગે તો સાત લાખથી વધુ ઠગ, લૂંટારા, દાણચોરી, ત્રાસવાદીઓ, બદમાશોની નોંધ ધરાવતા સેન્ટ્રલ કૉમ્પ્યુટરમાંથી માહિતી પ્રાપ્ત કરીને ઈન્ટરપોલ જરૃર પડે એ દેશને યોગ્ય સૂચના-સલાહ આપે છે. એવી જ રીતે સહાય માગનાર દેશે વોન્ટેડ જાહેર કર્યો હોય તેવા અપરાધી કે ભાગેડુ કેદીની પૂરી વિગતો તસવીરો સાથે તમામ સભ્ય દેશોના પોલીસ મથકે પહોંચાડે છે. એવી જ રીતે કોઈ દેશમાં દાણચોરી કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિ માટે અપરાધીએ કોઈ નવી જ રીતરસમ વાપરી હોવાનું જાણવામાં  આવે તો તેની વિગતો પણ ઈન્ટરપોલ તમામ સભ્ય દેશોને પહોંચાડે છે.

ગુના સંશોધનના કાર્યમાં જેના માટે ઈન્ટરપોલ ગૌરવ લઈ  શકે તેવું આગવું પાસું તેનો ફિંગર પ્રિન્ટ્સ વિભાગ છે. છેલ્લા બે  દાયકામાં ઈન્ટરપોલના ૧૯૨ સભ્ય દેશોની પોલીસે આંતરરાષ્ટ્રીય અપરાધ માટે સપડાવ્યા હોય તેવા તમામ ગુનેગારોના આંગળાની  છાપ   ઈન્ટરપોલના ફિંગર પ્રિન્ટસ સેક્શનમાં એકઠી કરાઈ છે અને આજે ય આ પ્રક્રિયા ચાલુ જ છે.

ગુનેગારો વિશે ત્વરિત ગતિએ માહિતીની આપ-લે કરવા ઈન્ટરપોલ પાસે પોતાનું પૃથક શક્તિશાળી રેડિયો ટ્રાન્સમીટર સ્ટેશન છે. રેડિયો નેટવર્ક તરીકે ઓળખાતી સંદેશવ્યવહારની આ અત્યંત આધુનિક સુવિધાથી ઈન્ટરપોલ લંડન, તેલ અવિન, સ્ટૉકહોમ, જિનિવા, માડ્રિડ જેવા અગત્યવા યુરોપિયન શહેરોની પોલીસ સાથે સીધા સંપર્કમાં રહે છે.

૧૯૮૬ સુધી ઈન્ટરપોલ ત્રાસવાદને પોતાના કાર્યક્ષેત્રની બહાર ગણતું હતું. પરંતુ ૮૦ના દાયકાની શરૃઆતમોં ટેરરિસ્ટ ક્રાઈમ વધતો ગયો તેમ અમેરિકા, બ્રિટન, જર્મની જેવા ઘણા  દેશોએ ઈન્ટરપોલને દબાણ કર્યું કે સમસ્ત જગતને આવરી લેતી આ નવી સમસ્યા સામે ટક્કર લઈ શકે તેવી વિશ્વસ્તરની એક માત્ર સંસ્થા ઈન્ટરપોલ જ હોવાથી ત્રાસવાદને નાથવા ઈન્ટરપોલ સક્રિય બને તો ઘણો ફરક પડી જાય.

આમ અનેક દેશોની માગણીને વશ થઈ ૧૯૮૬માં ઈન્ટરપોલે ટેરરિસ્ટ યુનિટની સ્થાપના કરી અને તેનો હવાલો ભૂતપૂર્વ એફ.બી.આઈ. એજન્ટ રોન લેવીને સોંપ્યો. આશ્ચર્યની વાત એ છે કે આ વિભાગ ખોલ્યાને ચોથા જ મહિને પ્રમુખ યુરોપિયન શહેરોમાં બૉમ્બ વિસ્ફોટની શૃંખલા સર્જીને હાહાકાર મચાવી દેવાનું મધ્યપૂર્વ એશિયાના બે ત્રાસવાદી સંગઠનનું કાવતરું ઈન્ટરપોલે પકડી પાડયું.

જુદા જુદા રાષ્ટ્રોના પોલીસતંત્રને મળેલી કેટલીક વિગતો ઈન્ટરપોલ પાસે પૃથક્કરણ માટે આવી ત્યારે રોન લેવીએ એક ને એક બે એમ તાળો મેળવીને ત્રાસવાદીઓની આખી યોજના ઉઘાડી પાડી દીધી. ઈન્ટરપોલે જો સમયસર એ ષડયંત્ર પકડી ન પાડયું હોત તો રોમ, પેરિસ, લંડન વગેરે શહેરોમાં ય પ્રચંડ બોમ્બવિસ્ફોેટ થયા હોત.

આજે ઈન્ટરપોલના લિયોન્સ ખાતેના વડા મથકમાં ટેરરિસ્ટ યુનિટની મુલાકાત લો તો દીવાલો પર અસંખ્ય તસવીરો અને વોન્ટેડ વ્યક્તિઓની નામાવલી જોવા મળશે, જેમાં જુઆન કાર્લોસ, અબુ નિડાલથી  માંડીને અબુ અબ્બાસ ઉપરાંત કાશ્મીર અને ખાલિસ્તાન તરફી શીખ આતંકવાદીઓ અને એલ.ટી.ટી.ઈ.ના તમિળ ગેરીલાઓનો પણ સમાવેશ થયો છે. આનંદમાર્ગના અમુક ઉચ્ચ હોદ્દેદારોની તસવીર તથા ફિંગર પ્રિન્ટ્સ પણ ઈન્ટરપોલ પાસે છે.

જગતમાં સૌથી વધુ ચકચાર પામેલા જે કેસ ઉકેલવામાં ઈન્ટરપોલે સહાય કરી હોય તેમાં નામદાર પોપ જ્હોન પોલ બીજાની હત્યાનું કાવતરું તથા સ્વિડનના વડાપ્રધાન ઓલેફ પાલ્મેની હત્યા તેમ જ ૧૧૫ ઉતારુઓનો જાન લેનારી દક્ષિણ કોરિયન પેસેન્જર વિમાનને ૧૯૮૭ માં નડેલા અકસ્માતનો કેસ મુખ્ય છે.

આપણા દેશમાંથી અસંખ્ય મૂલ્યવાન મૂર્તિઓ પેઈન્ટિંગ્સ, અલભ્ય પ્રાચીન ગ્રંથ વગેરે દાણચોરીથી પરદેશ ચાલી જાય છે. આ અનિષ્ટને ડામવામાં ભારતને ઈન્ટરપોલ હંમેશા સહાય કરતું રહે છે. પરંતુ આપણી પોલીસ જ માટીપગી છે એટલે આ દૂષણને સખત હાથે દબાવી દેવામાં સફળતા મળી નથી. દર છ મહિને ઈન્ટરપોલ વિવિધ દેશોમાંથી ચોરાયેલી મૂર્તિઓ તેમ જ અન્ય કીમતી કલાકૃતિઓની તસવીરો સાથેની વિગતો બધા જ સભ્ય દેશોને મોકલી આપે છે જે પોતાના દેશમાં આ ચોરાયેલી કૃતિનું લિલામ થતું હોય તો તે અટકાવે છે.

આ  રીતે   ઈન્ટરપોલ  ખરા  અર્થમાં  જાગતીક પોલીસ દળનો રોલ નિભાવી  રહ્યું  છે.   સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો) વિશ્વમાં શાંતિ અને ભાઈચારો ફેલાવવાના  આશયથી કામગીરી બજાવે છે તો આ વિશ્વસંસ્થાથી અલગ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખનારી ઈન્ટરપોલ જાગતિક સ્તરે ગુનાખોરીને ડામીને શાંતિ સ્થાપવા પ્રયાસ કરી રહ્યું છે. જો કે બંને સંસ્થાની (સર્વ દેશોનો સહકાર મેળવીને) કામ કરવાની ઢબ એકસમાન છે છતાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરતા ઈન્ટરપોલ વધુ અસરકારક અને કાર્યક્ષમ છે એટલું તો સ્વીકારવું જ રહ્યું.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

More Stories:-


Post Your Comment