સમયાંતર - લલિત ખંભાયતા


સમયાંતર - લલિત ખંભાયતા

વૉટ્સઅપની સર્જનકથા બે યુવાનોને નોકરીની ના ફેસબુકને ૧૯.૩ અબજ ડૉલરમાં પડી!


બ્રાયન અને યાન, વૉટ્સઅપના બે સ્થાપક. બ્રાયનની સંપત્તિ અત્યારે ૬.૬ અબજ ડૉલર છે, જ્યારે યાનની ૯.૧ અબજ ડૉલર!

૨૦૦૯માં સર્જાયેલા 'વૉટ્સઅપ' વગર જગતના સવા અબજ લોકોને ચાલતું નથી. તેના બે સ્થાપકો યાન કુમ અને બ્રાયન એક્ટનને શરૃઆતમાં નોકરી આપવાની ફેસબુકે ના પાડી દીધી હતી!

વૉટ્સઅપને ફેસબુકે ૧૯.૩ અબજ ડૉલરમાં ખરીદી લીધું. એ વખતે યાનના વતન યુક્રેનના કુલ જીડીપીની દસમા ભાગ જેટલી એ રકમ થતી હતી! એ કરારની સહી કરવા માટે યાને ફેસબુકના અધિકારીઓને એક ખંડેર જેવા મકાનની બહાર બોલાવ્યા હતા. એ મકાનની બહાર જ એક સમયે યાન લાઈનમાં ઉભો રહીને ફૂડ-કૂપન મેળવતો હતો, માટે!

જ્યારે ૨૦૧૫માં ૧ અબજ વૉટ્સઅપ ડાઉનલોડ થયા ત્યારે યાને ટ્વીટ કરી હતી કે અમારી પાસે એન્ડ્રૉઈડના માત્ર પાંચ જ એન્જિનિયર છે. એન્ડ્રૉઈડ પ્લેટફોર્મ પર વૉટ્સઅપ સૌથી વધુ વપરાય છે.

ચીન અને ઈરાનમાં વૉટ્સઅપ પર પ્રતિબંધ છે. ઈઝરાયેલના ૯૨ ટકા સ્માર્ટફોનમાં વૉટ્સઅપ ઈન્સ્ટોલ્ડ છે. વસતીના પ્રમાણમાં સૌથી વધુ વપરાશ!

ઉંમર : ૩૭ વર્ષ

અનુભવ : 'એપલ' અને 'યાહૂ'માં મળીને બે દાયકાનો.

૨૦૦૯ના વર્ષમાં કોઈ સોફ્ટવેર એન્જિનિયરને નોકરી મેળવવા માટે આ બે લાયકાત પૂરતી થઈ પડે. પણ તોય 'ફેસબુક'ના પસંદગીકારોએ લંબગોળ ચહેરો ધરાવતા બ્રાયનને નોકરી માટે ના-પસંદ કર્યો. એ ઘટના મે મહિનાની હતી.

થોડા સમય પછી વળી એક બીજી જગ્યાએ બ્રાયને અરજી કરી. ત્યાંથી પણ ના આવી. આ વખતે ના પાડનારી કંપનીનું નામ હતું 'ટ્વિટર'. બ્રાયને ટ્વીટનો જ ઉપયોગ કરીને લખ્યું, 'આજે ટ્વિટરે નોકરીની ના પાડી..' એ વખતે ઓગસ્ટ માસ હતો. ઠીક છે, બે નોકરી ગઈ તો શું થયું, બીજું કંઈક કરીશું. યાહૂ દ્વારા ૧૯૯૬માં ભરતી કરવામાં આવેલો બ્રાયન ૪૪મો કર્મચારી હતો. યાહૂના શરૃઆતી દિવસોથી એ ત્યાં કામ કરતો હતો.

બ્રાયન સાથે તેના મિત્ર યાન કૂમે પણ ફેસબુકમાં અરજી કરી હતી (યુક્રેનિયન ભાષા પ્રમાણે સ્પેલિંગ 'જે'થી શરૃ થતો હોવા છતાં ઉચ્ચાર 'ય'થી જ શરૃ થાય. યાન કૂમનો સ્પેલિંગ Jan Koum છે, પણ બોલાય યાન). યાન પાસે પણ યાહૂમાં સોફ્ટવેર કામગીરીનો અનુભવ હતો. ૧૯૯૭થી એ યાહૂમાં જ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. યાન-બ્રાયને સાથે જ ૨૦૦૭માં યાહૂની નોકરી છોડી દીધી હતી. એ પછીનો કેટલોક સમય તેમણે 'ફ્રીસ્બી (ડિશ હવામાં ફેંકવાની રમત)' રમવામાં અને દક્ષિણ અમેરિકા ખંડના વિવિધ દેશો ફરવામાં ગાળ્યો.

યાન કૂમ અને બ્રાયન એક્ટન હવે દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન-એપ 'વૉટ્સઅપ'ના સ્થાપક તરીકે જાણીતા છે. ફેસબુકે બન્નેને ૨૦૦૯માં નોકરીની ના પાડી હતી. પરંતુ પછી પાંચ જ વર્ષમાં સમય બદલાઈ ગયો. ૨૦૧૪ સુધીમાં વૉટ્સઅપે જગત સર કરી લીધું. માટે ફેસબુકે એ વૉટ્સઅપ ૧૯.૩ અબજ ડૉલર (ત્યારની ગણતરી પ્રમાણે ૧૧૮૦ અબજ રૃપિયા)ચૂકવીને ખરીદી લેવું પડયું, જે યુવાનોને નોકરી માટે ફેસબુકે લાયક ગણ્યા ન હતા. એ યુવાનોની આવડત ફેસબુકે પાછળથી સ્વીકારી અને એ માટે તોતિંગ રકમ પણ ચૂકવી.

વૉટ્સઅપ હવે ફેસબુકનો ભાગ છે. થોડા દિવસ પહેલા ફેસબુકની પ્રાઈવસી પોલિસી સાથે અસહમતી હોવાથી યાને વૉટ્સઅપના સીઈઓ તરીકે રાજીનામું આપી દીધું. બ્રાયને તો ૨૦૧૭માં જ ફેસબુકથી છેડો ફાડી નાખ્યો હતો. વૉટ્સઅપની શરૃઆત વખતે બન્નેએ નક્કી કર્યું હતું કે તેમાં એડ્વર્ટાઈઝમેન્ટનો પ્રવેશ થવા નથી દેવો. ફેસબુક હવે તેમાં એડ આપવા માંગે છે, ત્યારે બન્ને મૂળ સ્થાપકો વૉટ્સઅપ છોડી ચૂક્યા છે.

કૂમનો સ્વભાવ અલગારી છે. એટલે જ ફેસબુક તત્ત્કાળ છોડવામાં ૧ અબજ ડૉલરનું નુકસાન થતું હોવા છતાં તેણે નોકરીને ઠોકર મારી દીધી છે. ૨૦૧૪ પછી યાન ફેસબુક મેનેજમેન્ટનો ભાગ હતા. મેનેજમેન્ટમાં હોવાથી તેને નિયમિત રીતે શેર-હિસ્સો મળતો રહેતો હતો. ૨૦૧૮ના વર્ષમાં જે મળવાનો હિસ્સો હતો તેનું મૂલ્ય ૧ અબજ ડૉલર થાય છે. પરંતુ પોતાની મરજીના માલિક યાન એક અબજ ડૉલરની પરવા કરી નથી.

૧૯૯૧માં 'સંયુક્ત રશિયા'માંથી અલગ પડેલા 'યુક્રેન'નું અર્થતંત્ર હજુ ડામાડોળ હતું. અહીં ગરીબી ભોગવતા યાને માતા સાથે ૧૯૯૨માં અમેરિકા સ્થળાંતર કર્યું. પિતા પાછળથી અમેરિકા આવશે એવું ત્યારે નક્કી થયું હતુ (પણ ક્યારેય આવી ન શક્યા). યાનની ઊંમર ત્યારે ૧૬ વર્ષની હતી. કેલિફોર્નિયાના માઉન્ટેન વ્યુમાં રહેવા માટે ઘર-બાર કંઈ હતું નહીં. સરકાર દ્વારા મળતી સહાય-કૂપન પરથી જે ખોરાક મળે તેમાં જ ગુજરાન ચલાવાતુ હતુ. યાને મોટા શૉ-રૃમમાં પોતું મારવાની નોકરી શોધી લીધી હતી, જ્યારે તેમની માતાને બેબી-સિટિંગનું કામ મળ્યું હતુ.

ત્રણેક વર્ષ પસાર થયા પછી સ્થિતિ જરા સુધરી. યાન પાસે કમ્પ્યુટર આવ્યું, સાથે સાથે એક હેકર્સના નેટવર્કમાં નોકરી મળી ગઈ (એ નેટવર્કમાં સિન પાર્કર અને શૉન ફેનિંગ પણ નોકરી કરતા હતા, જેમણે બાદમાં ઑડિયો ફાઈલ શેરિંગની સાઈટ 'નેપસ્ટેર' ઉભી કરી).

'સાન જોસ સ્ટેટ યુનિવર્સિટી'માં ભણતા ભણતા યાને એકાઉન્ટિંગ પેઢી 'અર્નેસ્ટ એન્ડ યંગ'માં સોફ્ટવેર સિક્યુરિટી ટેસ્ટર તરીકેની નોકરી ચાલુ કરી હતી. એક દિવસ નોકરીના ભાગરૃપે યાહૂની ઓફિસમાં યાન સિક્યુરિટી ટેસ્ટિંગ માટે પહોંચ્યો. અહીં તેની મુલાકાત યાહૂના એક કર્મચારી સાથે થઈ, બ્રાયન એક્ટન! બન્નેની દોસ્તી એ વખતે શરૃ થઈ અને પછી તો નિયમિત મળતા રહ્યા. થોડા વખત પછી યાહૂમાં જ યાનને પણ નોકરી મળી ગઈ. જુગલબંધી શરૃ. એક દિવસ યાહૂની સિસ્ટમમાં કંઈક ગરબડ આવી. યાહૂના સ્થાપક ડેવિડ ફીલોએ જોનને ફોન કર્યો.. યાને કહ્યું કે હું તો ક્લાસરૃમમાં છું! ડેવિડે સલાહ આપી કે કોલેજ કરીને કંઈ ભલીવાર થશે નહીં! થોડા સમય પછી યાને કોલેજ પડતી મૂકી દીધી.

બ્રાયન એક્ટને યાન જેવી ગરીબી જોઈ ન હતી. પણ તેણે બચતનું રોકાણ કર્યું હતુ, એ 'ડોટકોમ બબલ' વખતે ધોવાઈ ગયું. ૧૯૭૨માં જન્મેલા બ્રાયનને તેની માતાએ પહેલાથી જ સલાહ આપી રાખી હતી કે નોકરી-બોકરી ઠીક છે, તારે પોતાનો વ્યવસાય શરૃ કરવો જોઈએ.

૨૦૦૯માં બધા યાન, બ્રાયન વગેરે મિત્રો મળીને એક સ્થળે ફિલ્મ જોવાનું આયોજન કરી રહ્યા હતા. દરેક મિત્રને અલગથી જાણ કરવી પડે, ફોન કે મેસેજ કરવા પડે. એટલે એવી કંઈક સિસ્ટમ હોવી જોઈએ જેનાથી એક સાથે બધા મિત્રોને કહી શકાય કે ફલાણા-ઢીંકણા મિત્રની અગાશી પર રાતે પાર્ટી-શાર્ટી છે! એ સમસ્યાનો ઉકેલ શોધતાં જ છેવટે વૉટ્સઅપનો જન્મ થયો.

જાન્યુઆરીમાં જ હજુ તેમણે 'આઈફોન' ખરીદ્યો હતો. તેના 'એપસ્ટોર'માં જોઈને બન્ને મિત્રો એ પણ સમજી ચૂક્યા હતા, કે મેસેજિંગ એપ વિકસાવવી જોઈએ જે કોઈ પણ ડાઉનલોડ કરી શકે, પોતાના ફોનમાં ઈન્સ્ટોલ કરે અને તેનો વિનામૂલ્યે ઉપયોગ કરે. ઈન્ડસ્ટ્રીના વધુ જાણકાર રશિયન મિત્ર એલેક્સ ફિશમેનને બન્ને મળ્યા. બીજો એક રશિયન ડેવલપર ઈગોર સોલોમેનિકોવ પણ તેમને મળ્યો. મેસેજિંગ આઈડિયા ઉપર વિચાર કર્યોં પછી યાને પોતાની એપનું નામ નક્કી કર્યું, વૉટ્સઅપ. એ નામ 'વૉટ્સ અપ (શું ચાલે છે?)' શબ્દને ભેગા કરીને બનાવાયુ હતુ. અમેરિકામાં બે મિત્રો મળે ત્યારે પુછાતો પહેલો સવાલ વૉટ્સ અપ જ હોય. નામ નક્કી કરી કંપનીની સ્થાપના કરી દીધી એ તારીખ ૨૦૦૯ની ૨૪થી ફેબુ્રઆરી હતી. યાનનો બર્થ-ડે હોવાથી એ દિવસ પસંદ કરાયો હતો.

આયોજન મુજબ કામ થઈ શકે એટલા માટે બ્રાયને માર્કેટમાંથી અને અન્ય મિત્રો પાસેથી અઢી લાખ ડૉલર એકઠા કરી લીધા હતા. એપ ડેવલપ કરવાની ટેકનોલોજીના એ બધા જાણકાર હતા. માટે થોડા સમયમાં જ એપ તૈયાર કરી ફોનમાં ઈનસ્ટોલ પણ કરી દીધી. સૌથી પહેલાં ફિશમેનના ફોનમાં વૉટ્સઅપ ચાલુ થયું. હેંગ થવું, ક્રેશ થવું વગેરે પ્રોબ્લેમ્સ આવતા હતા. જે કંઈ પ્રોબ્લેમ્સ આવ્યા તેનું સમાધાન કરતા ગયા. ફિશમેનના ફ્રેન્ડ લિસ્ટમાં ત્યારે ૧૦૦ મિત્રો હતા. એ બધાને પણ વૉટ્સઅપ ડાઉનલૉડ કરાવી દેવાયું. વધુ લોકો વાપરતા ગયા તેમ ખામીઓ સામે આવી અને તેમાં સુધારા થતાં ગયાં.

૨૦૧૪માં ફેસબુકે જ્યારે વૉટ્સઅપને ખરીદી લીધું ત્યારે અમેરિકી સામયિક 'ફોર્બ્સે' વોટ્સઅપની સ્થાપનાકથા અને જોન-બ્રાયનની સંઘર્ષકથા કવર સ્ટોરી તરીકે પ્રગટ કરી હતી. તેમાં લખ્યું છે કે આ બધી કામગીરી દરમિયાન ફ્રીસ્બીની મેચ આવે ત્યારે રમવાનું બન્ને ચૂકતા ન હતા. ટેકનોલોજી જેટલો જ રસ તેમને ડિશ ફેંકવામાં હતો!

જૂન ૨૦૦૯માં એપલે પોતાના 'એપ સ્ટોર'માં આ એપ્લિકેશન રાખવાની તૈયારી દાખવી. ગમે તેવી મહત્ત્વની એપ્લિકેશન પણ એપ સ્ટોર કે પ્લે સ્ટોરમાં ન આવે તો લોકો સુધી કઈ રીતે પહોંચે? એપલના વપરાશકારોએ વૉટ્સઅપ ડાઉનલૉડ કરવાનું શરૃ કર્યું ત્યાં સુધીમાં તેની કામગીરીમાં ઘણો સુધારો આવી ગયો હતો. લોકો વૉટ્સઅપમાં સ્ટેટ્સ મૂકી શકતા હતાં, 'મીટિંગમાં છું, હમણાં ફોન પર વાત નહીં કરી શકું!'

એ વખતે 'બ્લેકબેરી મેસેન્જર', 'ગૂગલની જી-ટોક', 'સ્કાયપ' જેવી મેસેજિંગ સુવિધા હતી જ. પરંતુ વૉટ્સઅપ બધાથી અનોખું હતું, કેમ કે તેમાં માત્ર મોબાઈલ નંબર નાખીને એક્ટિવ થઈ શકાતું હતુ. આખી દુનિયામાં વૉટ્સઅપના સૌથી વધુ (૨૦ કરોડથી વધારે) વપરાશકારો ભારતમાં છે. કારણ? ભારતની વધુ વસતી છે એ તો કારણ છે જ. સાથે સાથે ફોન નંબર દ્વારા રજિસ્ટ્રેશન થઈ શકે છે માટે વધુ ભારતીયો વૉટ્સઅપ પર સક્રિય છે! ભારતમાં બધા લોકો પાસે ઈ-મેઈલ નથી. એટલે જ્યાં જ્યાં રજિસ્ટ્રેશન માટે ઈ-મેઈલ હોય એવી સુવિધામાં ઘણા ભારતીયો પડતા નથી. પરંતુ માત્ર મોબાઈલ નંબર નાખવાનો હોય એવી સેવાનો લાભ લેવો સરળ છે. એટલે હવે તો તમામ એપમાં ઈ-મેઈલથી રજિસ્ટ્રેશન ન કરાવવું હોય તો મોબાઈલ નંબરથી કરાવી શકાય એવો વિકલ્પ આપવામાં આવે છે. એ સરળતા વૉટ્સઅપને આભારી છે!

સમય જતાં યાને સુધારા-વધારા સાથે વૉટ્સઅપનું નવું વર્ઝન લૉન્ચ કર્યું અને જોતજોતામાં અઢી લાખ લોકોએ તેને ડાઉનલૉડ પણ કરી લીધું. ફોન ન કરવો હોય તો મોબાઈલ દ્વારા સંદેશો મોકલવાનો ત્યારે ટેક્સ્ટ મેસેજ એક જ રસ્તો હતો. ૧૬૦ અક્ષરથી વધારે લાંબો મેસેજ થાય તો વળી સર્વિસ પ્રૉવાઈડર કંપની બે મેસેજના પૈસા કાપી લે, એવી દાદાગીરીનો એ યુગ હતો. પરંતુ વૉટ્સઅપના આગમન સાથે ધીમે ધીમે ટેક્સ્ટ મેસેજનું પ્રમાણ ઘટતું ગયું. વૉટ્સઅપે મફત મેસેજિંગ સુવિધા ઉપરાંત ફોટો-વીડિયો-ઓડિયો શેર કરવાની સુવિધા ઉમેરી દીધી, જે લોકો વપરાશકારો માટે અકલ્પનિય લાભ હતો.

એ મિત્રોએ કમ્યુનિકેશનનું જબરદસ્ત સાધન ઊભું કરી દીધું છે. કેમ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટ થયેલા કોઈ પણ ફોન સાથે વૉટ્સઅપથી સંવાદ થઈ શકતો હતો, ભલે એ દુનિયાના ગમે તે દેશમાં હોય. આજે વૉટ્સઅપ ચેટ-કૉલની સગવડ જરા પણ નવી નથી લાગતી. પણ ૨૦૦૯-૧૦માં આ સુવિધા ચમત્કારિક જ ગણાતી હતી. એપ બનાવતી વખતે બન્ને મિત્રોએ એ વાતનું ધ્યાન રાખ્યું હતુ કે એ સર્વિસ મોબાઈલ ફોનમાં મળવી જોઈએ. બીજું કે આખી દુનિયાને મળવી જોઈએ. લોકપ્રિયતા અને સફળતાનું કારણ એ પણ છે.

થોડા સમય પછી આઈફોન વાપરનારા મિત્રોના મેઈલ આવવા લાગ્યા : અમને આ એપ વાપરવાની બહુ મજા પડે છે. પરંતુ અમારા જે મિત્રો પાસે 'બ્લેકબેરી' કે 'નોકિયા'ના ફોન છે, તેની સાથે વૉટ્સઅપથી કનેક્ટ  થઈ શકાતું નથી (કેમ કે ત્યારે વૉટ્સઅપ માત્ર આઈફોન ધારકો જ ડાઉનલૉડ કરી શકતા હતા)! એટલે પછી બીજી કંપનીના ફોનમાં ચાલતા થાય એવા વૉટ્સઅપ વર્ઝન વિકસાવવાની શરૃઆત થઈ. એ વખતે આ બધા એક બિલ્ડિંગના ભંડકિયામાં રહીને કામ કરતા હતા. પણ એપ ડિઝાઈનિંગનું જ કામ કરતી બીજી એક કંપની 'એવરનોટ'ને એ જગ્યાની જરૃર પડી એટલે કાઢી મુકાયા. ભંડકિયામાં કામ કરતા હતા ત્યારે પણ મિત્રોને એવુ સરનામું  આપી રાખ્યું હતુ કે 'એવરનોટના બિલ્ડિંગની પાછળ એક કંઈ લખ્યા વગરનો દરવાજો નજરે પડશે. એ જ વૉટ્સઅપની ઓફિસ છે!'

લોકપ્રિયતા વધી પછી વૉટ્સઅપમાંથી આવક માટે ચાર્જ ચાલુ કરી દેવાયો (જે પાછળથી બંધ પણ કરી દેવાયો). આઈફોન-ધારકે ફોટો મોકલવો હોય તો ૧ ડૉલર ચૂકવવાનો. એ પછી પણ તેના વપરાશકારો વધતા રહ્યા. ૨૦૧૦માં એવી સ્થિતિ આવી કે વૉટ્સઅપની કમાણી મહિને પાંચેક હજાર ડૉલર સુધી પહોંચી. બીજા વર્ષે અમેરિકાના ટોપ-૨૦ સૌથી વધુ વપરાતા એપમાં વૉટ્સઅપને સ્થાન મળી ગયું. સિલિકોન વેલીમાં આવેલી 'સિક્વોયા કેપિટલ' નામની પેઢીએ વૉટ્સઅપનું મહત્ત્વ પારખીને રોકાણ કરવાનું ચાલુ રાખ્યું. એટલે નાણાભીડનો પ્રશ્ન રહેતો ન હતો. ફેબુ્રઆરી ૨૦૧૩માં એવો સમય આવ્યો જ્યારે વૉટ્સઅપના વપરાશકારોની સંખ્યા ૨૦ કરોડ પહોંચી ત્યારે વૉટ્સઅપના કર્મચારીઓની સંખ્યા માત્ર ૫૦ હતી(અત્યારે પણ સંખ્યા ૬૦થી વધુ નથી)!

આજે વૉટ્સઅપનું મહત્ત્વ કોઈને સમજાવવું પડે એમ નથી. જગતના સવા અબજ લોકો તેના વાપરે છે. ભલે ઘણાખરા લોકો વૉટ્સઅપ પર જોયા-જાણ્યા વગર મેસેજ ફોરવર્ડ કર્યાં કરતા હોય, ભલે લોકોમાં સામે વાળાને પૂછ્યા વગર મેસેજીસ ફોરવર્ડ ન કરવા જોઈએ એવી સમજ ન હોય... તો પણ વૉટ્સઅપ વગર ચાલતું નથી!
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

More Stories:-


Post Your Comment