સમયાંતર- લલિત ખંભાયતા


સમયાંતર- લલિત ખંભાયતા

બ્રિટિશ સંસદમાં સુરતના ન્યાયની અજોડ લડાઈ ભાગ-૨


ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સુરતના નવાબને પાયમાલ કરવા પ્રયાસ કર્યો, પણ આ નવાબ નોખી માટીના બનેલા હતા.. એટલે તેમણે કંપનીને સાત પેઢી સુધી યાદ રહે એવો જવાબ આપ્યો

૧૮૦૦ની સાલમાં અંગ્રેજોએ સુરતના નવાબ સાથે કરાર કર્યા અને કરાર પ્રમાણે સુરતની સત્તા હસ્તગત કરી. ૧૮૪૨માં નવાબના મૃત્યુ પછી કંપનીએ દગાખોરી શરૃ કરી. ઈસ્ટ ઈન્ડિયા કંપની કોઈ રીતે સુરત પર સંપૂર્ણ કાબુ મેળવવા માગતી હતી. કંપનીના બધા કામ ધાર્યાં પાર પડી રહ્યાં હતા. બસ એક જ યુવાન કંપની અને તેના મલીન ઈરાદા આડે ઉભો હતો, નવાબ મીર જાફર.

કંપનીએ કઈ રીતે જાફરને મુફલીસ કરવાની યોજના આગળ ધપાવી તેની વાત ગયા અઠવાડિયે કરી. હવે વાત કરીએ જાફરની લડતની, જે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ઈતિહાસમાં, ભારતના બ્રિટિશ શાસનના ઈતિહાસમાં અને લંડનના 'વેસ્ટમિનિસ્ટર પેલેસ'ના ઈતિહાસમાં અજોડ હતી.

મહેલ-મિલકત ખાલી કરવાનો આદેશ આવ્યા પછી જાફર અને તેમના પિતા સરફરાઝ મુંઝવણમાં આવી પડયા. બાપ-દીકરો બન્ને સમજી ચૂક્યા હતા કે કંપનીના અધિકારી હવે કોઈ વાત માનશે નહીં. વધુ ચિંતાજનક વાત એ હતી કે નવાબ પરિવારના અંગત ઘરેણા-ગાઠા પર અંગ્રેજ અધિકારીઓની નજર હતી.

દરમિયાન સુરત ખાલસા કરાવ્યા પછી કોઈ કાયદાકીય અડચણ ન આવે એટલા માટે કંપનીએ જાફર-બખ્તિયારને કાગળ લખ્યો : 'તમે નવાબ નસીરુદ્દીનના કાયદેસરના વારસ છો એવુ બે મહિનામાં સાબિત કરો. બાકી મહેલ ખાલી કરીને જતા રહો.' કંપનીને ખબર હતી કે આ વાત સાબિત થઈ શકવાની નથી, કેમ કે નસીરુદ્દીનને કોઈ દિકરો ન હતો. દત્તક લેવાયેલા જમાઈ જાફરને વારસદાર ગણવા કંપની તૈયાર ન હતી.

અડધી રાતે જાફર ઉઠીને પિતાના ઓરડા પાસે ગયો. સરફરાઝ પથારીમાંથી બેઠા થયા. જાફરે તેમને કહ્યુ કે શું કરવુ છે, તેનો નિર્ણય મેં લઈ લીધો છે. હું કંપની સામે લડત આપીશ અને લડવા માટે ઈંગ્લેન્ડ જઈશ. અગાઉ ભારતમાં ગરબડ કરનારા કેટલાક અધિકારીઓને કંપનીએ પરત ઈંગ્લેન્ડ બોલાવી લીધા હતા. માટે જાફરને આશા બંધાઈ હતી કે મારી રજૂઆત જઈને ઈંગ્લેન્ડમાં આવેલા ઈસ્ટ ઈન્ડિયા કંપનીના હેડ્ક્વાર્ટરમાં જ કરું. ત્યાં કદાચ ન્યાય મળશે!

અંગરખામાં સજ્જ નવાબ જાફરને વળાવવા ૧૮૪૪ની ૧૨મી માર્ચે મહેલના પ્રાંગણમાં તેમના પિતા જાફર સહિત સૌ કોઈ એકઠા થયા હતા. જાફર સાથે ઈંગ્લેન્ડ જવા માટે અંગ્રેજી ભાષા જાણનારા લુત્ફુલ્લાહ, તબીબ બદરુદ્દીન અને સુરતમાં રહેતા અંગ્રેજ અધિકારી ટી.જે.સ્કોટ હતા. સ્કોટ નવાબના સારા મિત્ર હતા અને ઘણા સમયથી ઈંગ્લેન્ડ જવાનું આયોજન કરતાં હતા. એ પણ કાફલામાં જોડાઈ ગયા. બેગમ બખ્તિયારને સમંદર પાર પોતાના પતિદેવ જઈ રહ્યા હોવાનો ડર હતો, દરિયાઈ સફર સાથે અંધશ્રદ્ધા જોડાયેલી હતી. તો પણ જાફરની મક્કમતા સામે સૌ કોઈ નતમસ્તકે ઊભા રહ્યા હતા.

સુરતના કાંઠેથી સ્ટીમર 'જેમ્સ કર્નાક'માં બેસીને પહેલા કોલંબો, ત્યાંથી વધુ મોટા જહાજ 'બેન્ટિક' માં સવાર થઈને ઈજિપ્તના સુએઝ બંદરે ઉતર્યા. અહીંથી જમીન માર્ગે ૩૬૦ કિલોમીટર દૂર આવેલા એલેક્ઝાન્ડ્રીયા બંદરે પહોંચી ત્યાંથી નવું જહાજ પકડવાનું હતુ(ત્યારે હજુ સુએઝ નહેર બની ન હતી). નવાબ અને તેના બન્ને સહાયકો માટે આ સમગ્ર દુનિયા સદંતર નવી હતી. લુત્ફુલ્લાહ પ્રવાસની સતત નોંધ રાખતા હતા. તેમણે ઈજિપ્ત વિશે લખ્યું કે 'અહીં તો લોકોને ગધેડા પર બેસવામાં કોઈ જાતની શરમ નથી આવતી' (ઈજિપ્તમાં ગધેડા પરિવનનું મહત્ત્વનું સાધન છે અને પ્રવાસીઓને પણ ડોન્કી રાઈડ ટુરિઝમનો વિકલ્પ આપવામાં આવે છે)!

થોડા દિવસ પછી એલેક્ઝાન્ડ્રીયાના કાંઠેથી 'ગ્રેટ લીવરપૂલ' નામના જહાજમાં સવાર થઈ ૧૧મી મેના દિવસે સાઉથમ્પ્ટન બંદરે ઉતર્યાં. સ્કોટની મદદથી કેટલીક ઓળખાણ કરી અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ચેરમેન જોન શેફર્ડની એપોઈન્ટમેન્ટ મેળવી લીધી. ૩૦મી મેના દિવસે મળવાનું નક્કી થયું.

દરમિયાન કોઈ પ્રિન્સ ભારતમાંથી સાડા તેર હજારથી વધુ કિલોમીટરનું અંતર કાપીને લંડનમાં ન્યાય મેળવવા આવ્યા છે એ વાત ફેલાઈ ચૂકી હતી. લોકોને પ્રિન્સમાં રસ પડયો, કેમ કે અગાઉ કોઈએ આવી હિંમત દાખવી ન હતી. પ્રિન્સ કેવો હશે અને શું છે તેમનો કેસ તેની લોકોમાં ચર્ચા જાગી. અંગ્રેજ મહિલાઓ ખાસ પ્રિન્સને જોવા આવતી હતી. જોન બ્રાઉનિંગ નામના એક સાંસદ આ સમગ્ર ઘટના પર કંઈ લેવા-દેવા ન હોવા છતાં નજર રાખી રહ્યા હતા.

નિયત તારીખે મળ્યા, ૧૫૦૦૦ પાઉન્ડનું નક્કી થયેલું પેન્શન બંધ કરી દેવાયુ છે અને મિલકત છીનવી લેવાઈ છે એવી પ્રિન્સ જાફરની વાત સાંભળી. પછી ચેરમેન શેફર્ડે કહ્યું કે તમે અહીં ખોટો ધક્કો ખાધો. તમારે ભારતમાં જ લડત આપવી જોઈએ. હું મારાથી ઘટતું કરીશ, તમે ભારત જઈ લડત ચાલુ રાખજો. ચેરમેન સાથેની મિટિંગ નિષ્ફળ રહી.

પ્રિન્સ જાફર મળીને બહાર નીકળી ગયા પછી ચેરમેન અને મિટિંગમાં હાજર રહેલા ડેપ્યુટી ચેરમેન હેનરી વિલ્કોક વચ્ચે ચર્ચા થઈ કે આ કુંવરનો કેસ તો સાવ સાચો છે. આપણી કંપની તેમની સાથે અન્યાય કરી રહી છે. પરંતુ હવે જો તેમને ન્યાય કરવા જઈશું તો કાલ સવારે ભારતથી કોઈ બીજો રાજા પણ આપણી પાસે કંપનીના અન્યાયની ફરિયાદ લઈને આવશે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ડોશી મરે તેનો નહીં, જમ ઘર ભાળી જાય તેનો વાંધો હતો.

હવે?

ભારત તરફનો રસ્તો માપવાનો અને કંપની દ્વારા થતો અન્યાય સહન કરી લેવાનો વિકલ્પ ખુલ્લો જ હતો. પરંતુ જાફર એમ હાર માનવા તૈયાર ન હતા. જાફરની મુલાકાત સાંસદ બ્રાઉનિંગ સાથે થઈ, જેમને પહેલેથી જ  આ કેસમાં રસ હતો. તેમણે જાફરને સલાહ આપી કે તમારે ન્યાય માટે સંસદ સમક્ષ અરજી કરવી જોઈએ. બ્રિટનમાં ન્યાય મેળવવા માટે એ સર્વોચ્ચ સંસ્થા છે.

બ્રાઉનિંગને ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ચાલતી ગરબડની ખબર હતી અને તેઓ ઈચ્છતા હતા કે કંપનીના ખાઈ-બદેલા લાટ સાહેબોને સજા થાય. એટલે તેઓ જાફરને પોતાની રીતે મદદ કરી રહ્યાં હતા. બ્રાઉનિંગની માફક બીજા કેટલાક અંગ્રેજ જેન્ટલમેનોને પણ આ કેસમાં રસ હતો. ફ્રિટ્ઝરોય કેલી અને એર્સ્કીન પેરી નામના બે સાંસદ મિત્ર હતા અને તેમણે નક્કી કરી લીધું હતું કે જાફરને મદદ કરવી જોઈએ.

અહીં સુરતમાં મૂછ મરડતા કંપનીના અધિકારીઓ જાફરના આત્મવિશ્વાસ અંગે અંધારામાં હતા. ૨૦ કરોડ ભારતીય પર રાજ કરતી ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો વાળ કોણ વાંકો કરી શકે એવું માનતા અધિકારીઓના પગતળે રેલો આવવાની શરૃઆત થઈ હતી. લંડનની લેડનહેલ સ્ટ્રીટમાં આવેલા ઈસ્ટ ઈન્ડિયા કંપનીના હેડ્ક્વાર્ટરમાં હલચલ મચી હતી. કંપનીના ચેરમેન શેફર્ડે તો જાફરને કંઈ મદદ કરવાની ના પાડી દીધી હતી. પણ જાફરનો કેસ ઈંગ્લેન્ડમાં ચર્ચાસ્પદ બની રહ્યો હતો. કંપનીની શાખ ધોવાઈ રહી હતી.  

સ્થિતિ સંભાળવા ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ જાફરને એવુ કહ્યું કે પેન્શન-સંપત્તિ તો નહીં મળે પણ અમે કંઈક નાની-મોટી રકમ બખ્તિયાર-બન્ને બાળકી માટે આપીશું. રકમ કેટલી હશે એ સ્પષ્ટતા ન હતી, પરંતુ કંપનીના આ પગલાનો અર્થ એવો થતો હતો કે જાફરની મહેનત સાવ એળે ગઈ ન હતી. હવે તો છેવટ સુધી લડી જ લેવું જોઈએ એવી કેલી-પેરીની જોડીએ જાફરને સલાહ આપી.

જાફર લડત માટે તૈયાર હતા પણ પ્રશ્ન એ હતો કે લડત ચાલે ત્યાં સુધી લંડનમાં રહેવાનું પોસાણ થશે? જાફરે ઈંગ્લેન્ડ જવાનું નક્કી કર્યું ત્યારે જ તેમની સંપત્તિ તળિયે પહોંચી ગઈ હતી. આવતી વખતે જ ઘણા મહાજનો પાસેથી પૈસા ઉછીના લીધા હતા. એ ખતમ થવામાં હતા. એક તરફ ઈંગ્લેન્ડમાં ન્યાયનો દરવાજો ખુલી રહ્યો હતો તો બીજી તરફ પૈસાના અભાવે લડત બંધ કરવી પડે એવી સ્થિતિ આવી પડી હતી. નવાબની બરાબર કસોટી થઈ રહી હતી.

ઓક્ટોબર ૧૮૪૪માં જાફર-લુત્ફુલ્લાહ-બદરુદ્દીનની ત્રિપુટી પરત આવવા જહાજ પર સવાર થઈ (સ્કોટને પરત આવવાનું ન હતુ). સુરતમાં કંપનીના કબજામાં આવેલી મિલકતોને તાળાં મારેલા હતા, બાગ-બગીચા ઉજ્જડ થઈ ચૂક્યા હતા. લેણદારોને પૈસા પણ પરત કરવાના હતા. એટલું ઓછુ હોય એમ પરત આવ્યાના એકાદ મહિનામાં જ બેગમ બખ્તિયારનું મોત થયું.

દરમિયાન કંપનીએ વધુ એક વખત જાફર પરિવારને ઓફર કરી કે વાર્ષિક ૧૫ હજાર તો નહીં પણ ૨૪૦૦ પાઉન્ડનું પેન્શન આપીશું. એ સિવાય કશું નહીં. જાફરે નક્કી કરી લીધું હતુ કે હવે આર-પારની લડાઈ લડવી છે. કંપનીને સતત પત્ર લખવાનો સિલસિલો જાફરે ચાલુ જ રાખ્યો હતો અને તેનો કોઈ સંતોષકારક જવાબ ન આપવાનો સિલસિલો કંપનીએ ચાલુ રાખ્યો હતો.

કેટલાક વર્ષો સુધી કમઢિયા-સુરત વચ્ચે આવન-જાવન કર્યા પછી જાફરનો થાક વધી રહ્યો હતો અને તેમને અફીણ સહિતના વ્યસન લાગુ પડી ચૂક્યા હતા. કંપનીએ વધુ એક વખત પત્ર લખીને નવી ઓફર આપી હતી, 'લ્યો ૫૨૦૦ પાઉન્ડ આપીશું, હવે તો ખુશ ને!' બીજી તરફ સરફરાઝે તો કંપની સામે સૈન્ય કાર્યવાહી કરવાનો વિચાર પણ રજૂ કર્યો. પરંતુ જાફરે ફરીથી ઈંગ્લેન્ડ જવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. કેમ કે ઈંગ્લેન્ડમાં અગાઉની મુલાકાત વખતે જ જાફરે જોયું હતુ કે અહીં ન્યાય મળવાની શક્યતા તો છે. વધુ એક ટ્રાય કરવામાં શું જાય છે?

સરફરાઝે દિકરાને મંજૂરી આપી પરંતુ પહેલા ફરીથી લગ્ન કરી લેવા કહ્યું. બસ્તી નામની અમદાવાદની યુવતી સાથે લગ્ન કરી ફરીથી જાફરનો કાફલો ઈંગ્લેન્ડ જવા રવાના થયો. સરફરાઝે પૈસાની સગવડ કરી આપી હતી. જાફરની ઉંમર ત્યારે ૩૫ વર્ષ હતી, જ્યારે નાની દીકરી રહિનુમા ૧૧ વર્ષની અને મોટી લાડલી ૧૩ વર્ષની થઈ હતી. આ વખતે કોઈ પણ રીતે જાફરે સફળ થવાનું હતુ. જો નિષ્ફળ જાય તો નવાબનો પરિવાર રસ્તા પર આવી જાય એ નક્કી હતું.

૧૮૫૩ની ૧૦મી ડિસેમ્બરે ફરીથી સૌ લંડન પહોંચ્યા. કેલી અને પેરી ઉપરાંત અગાઉ મળેલા ધારાશાસ્ત્રી રિચાર્ડ બેથલ પણ જાફરની મદદ માટે તૈયાર હતા. કંપનીને આ વખતે પણ ખબર ન હતી કે જાફર વધુ એક ચડાઈ કરવા માટે થેમ્સ નદીના કાંઠે રાવટી તાણી દીધી છે. કેલી-પેરી-બેથલને દસ્તાવેજી કામકાજ શરૃ કર્યુ અને સંસદ સમક્ષ આ અન્યાયની વાત રજૂ કરી.

આ અંગે બિલ પાસ થવું જોઈએ અને જાફરને વળતર મળવું જોઈએ. સદ્ભાગ્યે સંસદે અરજી માન્ય રાખી. કંપનીએ સફાળા જાગીને પોતાના પક્ષધર સાંસદોને પણ સંસદમાં સક્રિય કર્યા. વચ્ચે જાફર કેસ આગળ ન ધપાવે એ માટે વધુ એક વખત ઓફર કરી કે હવે અમે ૭૫૦૦ પાઉન્ડ આપવા તૈયાર છીએ. જાફર કોઈ સમાધાન કરવા કરતાં સ્વમાનપૂર્વક લડી લેવા મક્કમ હતા.

૧૮૫૬ના જૂનમાં જાફરની હાજરીમાં બ્રિટિશ સંસદમાં દલીલ-પ્રતિદલીલ થઈ, થોડા દિવસોની મુદત પણ પડી. પણ આખરે સંસદે કાયદો પસાર કર્યો કે કંપનીએ જાફર પરિવાર સાથે અન્યાય કર્યો છે, ૧૮૦૦માં થયેલી સંધિ (ટ્રીટી)નો ભંગ કર્યો છે. માટે કંપની એ બધુ ચૂકવે. ધેટ્સ ઑલ. ૨૪૧ પૈકી ૨૧૩ મત જાફરની તરફેણમાં પડયા હતા.

જાફરે લડતની શરૃઆત કરી અને બ્રિટિશ સંસદમાં ન્યાય મળ્યો એ વચ્ચે ૧૪ વર્ષ પસાર થઈ ગયા હતા. પણ ૧૪મા વર્ષે જાફરનો નવાબશાહી સાથેનો વનવાસ પુરો થયો હતો. ચાર વર્ષ સુધી બ્રિટનમાં રહ્યા પછી જાફર છપ્પનની છાતી સાથે ભારત આવવા રવાના થયા.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ઈતિહાસમાં અગાઉ કોઈએ લંડન જઈ, બ્રિટિશ સંસદમાં તેમને પડકારવાની હિંમત કરી ન હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપની પડતી શરૃ થઈ હતી એમ કહી શકાય કેમ કે એ ગાળામાં જ ભારતમાં ૧૮૫૭ની ક્રાંતિ આરંભાઈ. થોડ સમય પછી બ્રિટિશ રાણી એ ભારતનો વહિવટ કંપની પાસેથી પોતાના હાથમાં લઈ લીધો અને ભારતમાંથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બિસ્તરા પોટલા ભરી લીધા.

જાફરના ભારત આગમન પછી બેગમ બસ્તીએ એક દિકરાને જન્મ આપ્યો જેને ઝુલ્ફીકાર નામ અપાયું. કમઢિયા અને સુરતને તેનો વારસ મળ્યો. પોતાનો ઘણો-ખરો સમય ભાદરના કાંઠે પસાર કરતા જાફરનું મોત ૪૬ વર્ષની ટૂંકી વયે થયું ત્યારે તેમની આંખોમાં પોતાની દીકરીઓ માટે ન્યાય મેળવ્યાનો સંતોષ હતો.

આ પ્રકરણનો ઈતિહાસના પુસ્તકોમાં નાનો-મોટો ઉલ્લેખ છે, પરંતુ મોઈનના પુસ્તકમાં લડતની સફળકથા પહેલીવાર વિગતવાર વર્ણવાઈ છે. મોઈને લખ્યું છે અંગ્રેજો ઈતિહાસને દાબી દેવામાં માસ્ટર હતા. એ પોતાના સિવાય કોઈની સિદ્ધિ ખાસ રજૂ કરતા ન હતા. માટે બ્રિટિશરોએ લખેલા કે તેના આધારે લખાયેલા પુસ્તકો વાંચનારને એમ જ લાગે કે જે કંઈ કર્યું એ બ્રિટિશરોએ કર્યું. જાફર અલીની માફક મોઈનને પણ બે દીકરી છે. વધુમાં મોઈને પિતૃતર્પણ પણ કર્યું છે કેમ કે મોઈન મીર એ જાફર અલીનો પાંચમી પેઢીનો વારસદાર છે!

દેશી જાફરની પરદેશી પ્રેમિકા

ઈંગ્લેન્ડમાં જાફરની મુલાકાત મેરી જેન નામની થિએટર અભિનેત્રી સાથે થઈ. બન્નેને એકબીજાનો સંગાથ ગમી ગયો અને ભવિષ્યમાં પણ સાથે રહેવાનું નક્કી કર્યું. હિન્દુસ્તાનમાં પત્ની હોવા છતાં નવાબ પોતાની જાતને રોકી શક્યા નહીં. જાફર ભારત આવ્યા ત્યારે મેરી પણ તેમની સાથે આવી. કાયદેસર રીતે નવાબ અંગ્રેજ યુવતી સાથે લગ્ન કરી શકે એમ ન હતા.

એ માટે કંપનીની પરવાનગી લેવી પડે, જે કંપનીએ આપી નહીં. નવાબે અલગ મકાન મેરીને ફાળવી આપ્યું હતુ. મેરી રાજરાણીની માફક રહેવાના બદલે લોકોને મળતા, ખેતરમાં જતા, ગલીમાં ફરતા અને અહીંની સંસ્કૃતિ સમજવા પ્રયાસ કરતાં. નવાબના છેલ્લા શ્વાસ સુધી મેરી અહીં રહ્યા અને પછી ઈંગ્લેન્ડ જતા રહ્યાં.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

More Stories:-


Post Your Comment