સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

વડાપ્રધાનનું દેશભક્તિનું પ્રમાણપત્ર મેળવનારા મુધોલ ડોગ્સની વિશેષતા શું છે?


કર્ણાટકના મુધોલ ડોગ ઈન્ડિયન આર્મીમાં સામેલ થયેલાં પ્રથમ દેશી નસ્લના કૂતરાઓ છે. આ પહેલાં આર્મીએ વિદેશી વંશના કૂતરાઓને જ તાલીમ આપી હતી

આ એ વખતની વાત છે જ્યારે બ્રિટનનો સૂરજ દુનિયાભરમાં સોળે કલાએ તપતો હતો. ભારતમાં ય બ્રિટિશરોની આણ વર્તાતી હતી. ભલભલા રાજા-મહારાજાઓ બ્રિટનના રોયલ ફેમિલીની કૂર્નિશ બજાવવા તૈયાર રહેતા. શક્તિશાળી બ્રિટનને નારાજ કરવાનું કોઈને ય પરવડે તેમ ન હતું. જે સામે પડે એના બેહાલ થતા હતા એટલે સાથે રહેવામાં જ શાણપણ ગણાતું. બ્રિટન તરફ મિત્રતા અને વફાદારી દર્શાવવા માટે બ્રિટિશ રાજપરિવારને દુનિયાભરના શાસકો-લશ્કરી અધિકારીઓ અવનવી ભેટસોગાતો આપતા. તેના ભાગરૃપે ભારતના રાજાઓ બ્રિટનમાં જતા તો રોયલ પરિવાર માટે કંઈકને કંઈક ભેટ આપવાનો શિરસ્તો જાળવતા.

એવા જ એક રાજા માલોજીરાવ ઘોરપડે ૧૯૧૦ આસપાસ બ્રિટન ગયા. માલોજીરાવ ઘોરપડે કર્ણાટકના બગલકોટ જિલ્લામાં આવેલા મુધોલ રાજ્યના રાજા હતા અને તેમને કૂતરા પાળવાનો શોખ હતો. વિશિષ્ટ રીતે તાલીમ પામેલા બે કૂતરા રાજા માલોજીરાવે બ્રિટનના મહારાજા જ્યોર્જ પાંચમાને ભેટ કર્યાં. કિંગ જ્યોર્જ પંચમે એ બે કૂતરાઓ વિશે બેએક શબ્દો કહ્યાં હશે એટલે તેની નોંધ બ્રિટનમાં અને ભારતમાં ય લેવાઈ. એ બે કૂતરાઓ જાણે આખી જાતિ ઉજાળવામાં નિમિત્ત બન્યા. પછી તો દેશભરમાં અનોખી ચપળતા માટે એ જાતિના કૂતરાઓ મશહૂર થયા. મશહૂર થયેલી એ કૂતરાઓની જાતિ એટલે મુધોલ ડોગ્સ.

મૂળ કેરેવન જાતિના ડોગ મુધોલ જાતિના કૂતરા તરીકે ઓળખાવા લાગ્યા તે પાછળ મુધોલના રાજા માલોજીરાવની મહેનત હતી. આજના કર્ણાટકમાં આવેલા નાનકડાં રાજ્ય મુધોલમાં તે દિવસોમાં કેરેવન જાતિ (કારવાંનો કેરેવન ઉચ્ચાર થયો એને તેમાંથી આ જાતિનું નામ કેરેવન પડયું એમ પણ કહે છે)ના કૂતરાઓ બહુ પ્રમાણમાં જોવા મળતા હતા. રાજા માલોજીરાવે નોંધ્યું કે ટ્રાઈબલ લોકો શિકાર માટે પાતળા કૂતરાઓને સાથે રાખે છે. આ શિકારી પ્રકારના કૂતરાઓ તેને શિકારમાં મદદ કરતા હતા અને વળી એક વખત માલિક નક્કી કરી લે પછી તેને વફાદાર રહેવાનો ગુણ આ કૂતરાઓમાં વધુ જોવા મળતો હતો. ટ્રાઈબલ લોકો આ કૂતરાઓને 'બિદાર' કહેતા હતા, જેનો અર્થ થતો હતો નિડર.

કૂતરા પાળવાના શોખીન માલોજીરાવે આ જાતિના કૂતરાઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરી. એટલું જ નહીં, રાજાએ તાલીમ પામેલા કૂતરાઓની એક રોયલ ડોગ બટાલિયન પણ બનાવી! એમાંથી જ બે શ્રેષ્ઠ કૂતરાઓ શોધીને માલોજીરાવે બ્રિટનના મહારાજાને ગિફ્ટ કર્યા હતા. ત્યાં સુધીમાં 'કેરેવન' જેવું વિદેશી નામ ત્યજીને આ કૂતરાઓએ આશ્રયદાતા રાજ્ય મુધોલ પરથી 'મુધોલ ડોગ્સ' નામ ધારણ કરી લીધું હતું!

મુધોલ જાતિના ડોગ્સ પછી તો ભારતમાં ઘણા જાણીતા થયા. મુધોલ આસપાસ આ કૂતરાઓનું સંવર્ધન થતું હતું. આઝાદી પછી ય ટ્રાઈબલ જાતિઓએ મુધોલની જાળવણી ચાલુ રાખી. તે વખતે વિવિધ સ્પર્ધાઓમાં અને ડોગ-શોમાં ય તેનો ઉપયોગ થતો. સામાન્ય રીતે શહેરો કે ગામડાઓમાં કૂતરાઓ પરેશાન કરે એટલે સ્થાનિક સરકારી બોડી તેને પકડી પાડે છે, પણ ચપળ એવા મુધોલ ડોગ્સ એક વખતે રાજાના માનીતા બન્યા હતા એટલે કે પછી બીજું કંઈક પણ કારણ હોય, પરંતુ સ્થાનિક લોકોએ તેની જાળવણી ચાલુ કરી. મુધોલમાં જ ૭૫૦ જેટલાં પરિવારો મુધોલ ડોગની જાળવણી કરે છે. આજે ય બગલકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ઘરમાં ઓછામાં ઓછો એક મુધોલ ડોગ રખેવાળીનું કામ કરે છે.

મુધોલ ડોગ અન્ય નસ્લથી અલગ તરે એવી કેટલીક વિશેષતાઓ ય છે. દેખાવમાં ખૂબ જ સાધારણ એવા મુધોલ કૂતરાઓની દૃષ્ટિ બહુ તીવ્ર હોય છે. બહુ દૂર સુધી જોઈને તે શિકાર ઉપર ત્રાટકી શકે છે. એકદમ શાર્પ એવા મુધોલ ડોગ દોડવામાં પણ એટલા જ ઝડપી છે. જર્મન શેફર્ડ કૂતરાઓ જગવિખ્યાત છે. ઘણી બધી રીતે જર્મન શેફર્ડ ડોગ્સની અન્ય ઓલાદોથી અલગ તરી આવે છે પણ મુધોલ એનાથીય એક બાબતે ચડિયાતા સાબિત થયા છે. જર્મન શેફર્ડને શિકાર ઉપર ત્રાટકીને ૯૦ સેકન્ડમાં કામ તમામ કરે છે. સામે આ કામ તાલીમ પામેલા મુધોલ ડોગ્સ ૪૦ સેકન્ડમાં કરી શકે છે.

દેખાવમાં દૂબળા-પાતળા આ કૂતરાઓ ચપળતા અને સુંઘવાની શક્તિ માટે ય ભારતની બીજી બધી નસ્લ કરતા અલગ તરી આવે છે. ભારતમાં મળતા અન્ય નસ્લના કૂતરાઓ કરતા બીજી એક વિશેષતા મુધોલ ડોગની એ ય છે કે તે અલગ અલગ પ્રકારના બદલાતા તાપમાનમાં સંતુલન જાળવી શકે છે. ઠંડા અને ગરમ એમ બંને પ્રકારના તાપમાનમાં તેની ચપળતા-ઝડપમાં કોઈ જ ફરક પડતો નથી.

શિકારીની શ્રેણીમાં આવતા મુધોલ ડોગ્સ સામાન્ય રીતે પરિવાર સાથે અન્ય ઓલાદોની જેમ ભળી શકતા નથી, પણ તાલીમ આપ્યા પછી તે હળીમળી જાય છે ખરા. હા, એ ગાર્ડ યાને રખેવાળીનું કામ બખૂબી નિભાવે છે. પરંતુ ડોગ્સના જાણકારો મુધોલ ડોગને ઘરના ગાર્ડ બનાવવાની ભલામણ કરતા નથી. તેની મૂળ શિકારી પ્રકૃતિ હોવાથી તે ઘરમાં રાખવા માટે અયોગ્ય ઠેરવાય છે. જોકે, એક માલિકને વફાદાર થયા પછી આ જાતિના કૂતરાઓ તેના તરફ વફાદારી જાળવી રાખતા જોવા મળ્યા છે.

તેની આ વફાદારી, ચપળતા, તીક્ષ્ણ દૃષ્ટિ, સ્ટેમિના, સૂંઘવાની શક્તિ અને શિકારીવૃત્તિએ તેના માટે બે વર્ષ પહેલાં ભારતીય લશ્કરના દ્વાર ખોલી આપ્યા.

***

ભારતમાં લશ્કરી ઉપયોગ માટે જર્મન શેફર્ડ હંમેશા પહેલી પસંદ બનતા આવ્યા છે. સ્ફૂર્તિલા, તાકતવર, વફાદાર અને નવી બાબતો શીખવામાં કુશળ એવાં જર્મન શેફર્ડ દુનિયાભરની આર્મી અને પોલીસની પ્રથમ પસંદ બનતા રહ્યા છે અને ભારતીય લશ્કર પણ તેમાંથી બાકાત ન હતું.

જર્મન શેફર્ડ ઉપરાંત અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ડોગની પોપ્યુલર જાતિ લેબ્રાડોરના કૂતરાઓ પણ ભારતીય સૈન્યમાં પસંદગી પામ્યાં હતાં. સામાન્ય રીતે અંધજનોની મદદ માટે લેબ્રાડોરને તાલીમ અપાતી હોય છે, પણ લેબ્રાડોર સુરક્ષાતંત્ર માટે ય ઉમદા કામગીરી કરે છે. ઈન્ડિયન આર્મીએ પણ જરૃર પડયે લેબ્રાડોરને તાલીમ આપી હતી. એમ તો ભારતીય સૈન્યમાં સ્વિટ્ઝર્લેન્ડના ગ્રેટ સ્વિસ માઉન્ટેન ડોગ્સને પણ સામેલ કરાયા હતા. લશ્કરી ઉપયોગમાં લેવાનારા કૂતરાઓને મેરઠ સ્થિત રિમાઉન્ટ એન્ડ વેટરનરી કોરમાં તાલીમ અપાય છે.

ફેબુ્રઆરી-૨૦૧૬માં મેરઠની આ તાલીમ એજન્સી રિમાઉન્ટ એન્ડ વેટરનરી કોરમાં મુધોલ જાતિના ૮ કૂતરાઓને તાલીમ આપવાનું શરૃ થયું હતું. અત્યાર સુધી વિદેશી કૂતરાઓને લશ્કર માટે તાલીમબદ્ધ કરતી એજન્સીએ ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય લશ્કરના ઉપયોગ માટે ભારતીય ઓલાદના કૂતરાઓની પસંદગી કરી હતી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય લશ્કર માટે પ્રથમ વખત દેશી કહેવાતા કૂતરાઓની પસંદગી થઈ હતી. અગાઉ એક ભારતીય નસ્લના કૂતરાને લશ્કર માટે મળતી આવી વિશેષ તાલીમ અપાઈ ન હતી. મુધોલ જાતિના કૂતરાઓને પસંદ કરવા પાછળ તેની આ બધી વિશિષ્ટ ક્ષમતા જવાબદાર હતી.

સૈન્યની વિશિષ્ટ તાલીમ પામેલા આઠમાંથી છ કૂતરાને શ્રીનગર મોકલાયા હતા. વિષ્ફોટક પદાર્થોની ભાળ મેળવવા માટે આ કૂતરાઓ અત્યારે કામ કરી રહ્યા છે. કર્ણાટકમાં વધુ જોવા મળતા મુધોલ ડોગ એમ તો આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ય જોવા મળે છે.

કેનેલ ક્લબ ઓફ ઈન્ડિયાએ આ કૂતરાને જોકે 'મુધોલ ડોગ'ના નામે માન્યતા આપી નથી. કેનેલ ક્લબ આ જાતિને કેરેવન હાઉન્ડ તરીકે જ માન્ય ગણે છે, પરંતુ ઈન્ડિયન નેશનલ કેનેલ ક્લબે પોપ્યુલર નામ મુધોલ ડોગ માન્ય રાખ્યું છે એટલે સરકારી દસ્તાવેજોમાં પણ મોટાભાગે મુધોલ ડોગ તરીકે જ માન્યતા મળે છે. આર્મીએ આ જાતિને 'મુધોલ ડોગ' ગણી છે. એક જ જાતિના કૂતરાઓના નામમાં ય આપણે ત્યાં કેટલું વૈવિધ્ય છે તેનું આ ઉદાહરણ છે!

વેલ, આ કૂતરા સાથે લોકોનો લાગણીનો તંતુ જોડાયેલો છે એ જોઈને ૨૦૦૫માં ટપાલ વિભાગે મુધોલ ડોગને પાંચ રૃપિયાની ટપાલ ટિકિટમાં સ્થાન પણ આપ્યું હતું. જોકે, ટપાલ ટિકિટમાં સ્થાન મેળવનારા દેશી નસ્લના કૂતરાઓની આ પ્રથમ જાત ન હતી. ૨૦૦૫માં જ હિમાલયન શીપ, રામપુર હાઉન્ડ, રાજાપલાયમ જેવી જાતિઓના કૂતરાઓ ય ટપાલ ટિકિટમાં જોવા મળ્યાં હતાં.

સૈન્યમાં ભરતી થનારા આ પ્રથમ દેશી નસ્લના કૂતરાનો 'દેશદાઝ'નો ઉજળો રેકોર્ડ ધ્યાનમાં રાખીને જ કર્ણાટકની ચૂંટણીસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષોને મુધોલ ડોગ્સ પાસેથી રાષ્ટ્રભક્તિના પાઠ ભણવાની ભલામણ કરી હતી! વડાપ્રધાનનું માનીએ તો આ કૂતરાઓ દેશભક્તિનું પ્રતીક ગણાય, પણ બીજી હકીકત એ ય છે કે આ કૂતરાઓ વિદેશીમૂળના ભારતીય કૂતરાઓ છે! જેની પાસેથી વિપક્ષોએ રાષ્ટ્રભક્તિના પાઠ શીખવાના છે એ મુધોલ કૂતરાઓ મૂળ મધ્ય એશિયાથી ભારતમાં આવ્યા હતા!

કોની સાથે ભારત સુધી પહોંચ્યા હતાં?

વેલ, વિપક્ષો પીએમને ભરીસભામાં જવાબ વાળે તો કદાચ આપણને ય જવાબ મળી જાય!
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

More Stories:-


Post Your Comment