સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા


સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

રમતા રમતા લડી પડે, ભૈ માણસ છે હસતાં હસતાં રડી પડે, ભૈ માણસ છે!


કેવી છે વીતેલા વરસમાં શ્રેષ્ઠ ગણાયેલી ફિલ્મોની કહાનીઓ? જીવવા માટે આપણને એ શું શીખવાડે છે?

''એમને જુઓ છે, ત્યારે એ નથી જોતો કે મારામાં શું ખામી છે. હું કઈ અધૂરપ અનુભવું છું. પણ એવી રીતે નિહાળે છે, જે માત્ર મને જ નિહાળે છે. મને જોઈને રોજ ખુશ થાય છે. એની પાસે મારી અપૂર્ણતા પર ધ્યાન આપો એટલી જાણકારી નથી. કદાચ એટલે કે એ પણ અપૂર્ણ છે. એટલે અમારો પ્રેમ સંપૂર્ણ છે!''

એક એક્સપેક્ટેડ ઓસ્કારવિનર બનનારી ફિલ્મ 'શેઇપ ઑફ વૉટર'નો આ ડાયલોગ છે. વર્ડ ટુ વર્ડ આમ નથી. પણ આવા ભાવનો એક સંવાદ એની નાયિકા કહે છે. જે કહે છે એની હીરોઈન, એલાઈઝા. ૧૯૬૦ના દાયકામાં સેટ થયેલી આ ફિલ્મ જેટલી ગાજી એટલી સુપરસ્પેશ્યલ નથી. બ્યુટી એન્ડ ધ બીસ્ટથી એડવર્ડ સીઝરહેન્ડસ, સ્પ્લેશથી કિંગકોંગ સુધીની અઢળક ફિલ્મોમાં આવી ગયેલી થીમનું રિપિટેશન છે.

આઉટસાઈડર સાથેની સમાજની ટ્રીટમેન્ટ. મોટા ભાગે જે બહારના કે અજાણ્યા છે, એનાથી ભયભીત થવાનું પ્રાકૃતિક છે. ફીઅર ઓફ અનનોન. એટલે માણસ પરીચિત કે પરિવારનો ભરોસો કરે છે, નવાંગતુક આઉટસાઈડરનો નહિ. એ માટે જરાક હિંમત કરવી પડે. પ્રેમ એ સાહસ છે. કોઈ અન્જાન ઈન્સાનને આપણે હૃદયમાં એન્ટ્રી આપીએ, પછી જ પોતીકાપણું અનુભવાય છે ને!

એ રીતે 'શેઇપ ઓફ વૉટર' જેવી ફિલ્મ વધુ એક રિમાઈન્ડર છે આજના શંકાશીલ અને અસહિષ્ણુ થતા જતાં અધીરા અને સ્વાર્થી સમાજને... જે અજાણ્યા માણસ તો ઠીક એની બેગ જોઈને ય ભડકીને એ સાચવવાની ના પાડી દે છે. જે દિવસે દિવસે ગ્લોબલ કનેક્ટિવિટી ધરાવતા નેટનો ઉપયોગ લોકલ લેવલ પર પોતાની સામાજિક, ધાર્મિક, રાજકીય કે જ્ઞાાતિગત પહેચાન મજબૂત કરતા જૂથવાદ વિકસાવવા માટે કરે છે. મામકા: પાંડવા:, અસ એન્ડ ધે, આપણાવાળા અને એ લોકો એવા વિભાજનમાં જે અંધ અને ક્રૂર બની રહ્યો છે!

એ સમાજને ૧૯૬૦માં સેટ થયેલી એડલ્ટ પરીકથા જેવી આ ફિલ્મથી કહેવામાં આવ્યું છે કે દરેક સમજાય નહિ કે વિચિત્ર દેખાય કે બહારની હોય એવી બાબતથી ભડકી એને રિજેક્ટ કરવાની જરૃર નથી. રાક્ષસ તો ભયાનક દેખાવમાં જ છુપાયેલ હોય એમ નથી. એ તો સોહામણા ચહેરા પાછળ પણ હોય છે.

ઓબામાના 'ઓલ ઈન્ક્લુઝિવ' પોલિટિક્સ પછી અચાનક જ પ્રજામાં ધરબાયેલી સુપિરિયારિટી બહાર આવી હોય એમ સરેઆમ વ્હાઈટ અમેરિકન ફર્સ્ટના નેશનલિઝમને બિરદાવતા ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદ મળ્યું એવા અમેરિકામાં થિંકિંગ-આર્ટીસ્ટસ આ બાબતે ચિંતિત છે. 'શેઇપ ઓફ વૉટર'ના ડાયરેક્ટર ગુએર્મો ડેલ ટોરો સ્વયં આઉટસાઇડર છે. સ્પેનિશ છે. (એમ તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ કે એમના પત્ની બંને ઈમિગ્રન્ટસ પરિવારના જ ફરજંદ છે!)

ટ્રમ્પ પછીના પોલરાઈઝેશન (ધૂ્રવીકરણ) અને ઈમ્પેઈસ્ટીક નેશનલાઝિમ (અહંકારી રાષ્ટ્રવાદ)ના ઓછાયા રાજકીય રીતે આજે વીસમી સદીના વિશ્વયુદ્ધના પૂર્વાકાંળની જેમ ફરી એકવાર જગતમાં વધી રહ્યા છે. ત્રાસવાદના રિએક્શનમાં ત્રાસવાદી બની જવાને વીરતા માની લેવામાં આવે છે,

ત્યારે આ બધા 'મેસ'નું મૂળ જન્મસ્થાન જેની ખંધાઈ કહી શકાય એ અમેરિકામાં આ 'માનસપ્રદૂષણ' સામેના અવાજો પણ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એન્ડ સેન્સ ઓફ જસ્ટીસને લીધે બુલંદ થઈ રહ્યા છે. એનો ચોખ્ખો રિમાઈન્ડર ઓસ્કારના બેસ્ટ ફિલ્મના લિસ્ટમાં પહોંચેલી લગભગ બધી જ ફિલ્મોમાં જોવા મળે છે. લગભગ દરેકમાં કહાની છે, હાંસિયામાં ધકેલાઈ જતા અવાજોની અને પોતાનો પ્રભાવ કઠોરતાથી ઉભો કરવાના સ્થાપિત હિતોની. માનવતા અને સંવેદના ખાતરના સંઘર્ષ અને મૂંઝવણની.

શેઇપ ઓફ વૉટરની નાયિકા પણ ત્રણ સ્તરે આઉટસાઈડર છે. એ સ્ત્રી છે. સફાઈ કામદાર છે. દિવ્યાંગ ઉર્ફે શારીરિક અક્ષમતાવાળી છે. મૂંગી છે.

જેન્ડરની રીતે, કામની પ્રતિષ્ઠા/આવકની રીતે અને દેખાવ - શારીરિક સ્વાસ્થ્યની રીતે - ત્રણે મોરચે એ દબાયેલી છે. નીચલા સ્તરમાં છે. જેને સમાજ બહુ મહત્વ ન દે, એવી ભૂમિકાએ છે. એના ફાધર ફિગર જેવો આધેડ પાડોશી વળી ગે છે. એની સહકર્મચારી બહેનપણી વળી બ્લેક છે. એ જ્યાં કામ કરે છે ત્યાં એની જોડે વિવેક-સ્નેહથી વર્તતો વિજ્ઞાાની વળી રશિયન યાને જેને તિરસ્કારથી જોવાય એવો પરદેશી છે, અને એ જેને પ્રેમ કરે છે એ માણસ જેવું થોડુંક દેખાતું એક ભેદી જળચર છે.

યાને બોલી ન શકે એવું એનિમલ. મતલબ નાયિકાની આસપાસ જે કંઈ સંસાર છે - એ વંચિતોનો, પીડિતોનો અને બહુમતી ભારાડી લોકો સમાજમાં જેમને પસંદ ન કરે, સેકન્ડરી સિટીઝન ગણીને દૂર રાખે કે બૂટની એડી નીચે દબાવીને રાખે એવા વર્ગનો છે. જેમને જીવવા માટે ય માંધાતા મહાજનોના 'ઉપલા વર્ગ'ની મહેરબાની જોઈએ! એટલે જ ફિલ્મમાં નાયક-નાયિકા બેઉની પાસે વાચા નથી. શબ્દો એમના છીનવી લેવાયા છે. લાગણીદુભાઉ ટોળાંઓને લીધે જેમ આપણે ત્યાં અત્યારે અભિવ્યક્તિને સંકોચી રાખવી પડે છે એમ!

મનોમન એક ચીસનો ગુંજારવ પડઘાય જે જાહેરમાં ગળામાંથી બહાર કાઢવામાં ય ડર લાગે! 'રોકસ્ટાર'ના 'સાડા હક' ગીતના શબ્દો યાદ છે? ''તુમ લોગોં કી ઈસ દુનિયા મેં, હર કદમ પે ઈન્સાન ગલત! મરઝી સે જીને કી ભી મૈં ક્યા તુમ લોગોં કો અરઝી દૂં? મતલબ કી તુમ સબ કા મુજપે મુજસે ભી જ્યાદા હક હૈ?'' (શાબ્બાશ ઈરશાદ કામિલ) આગળ વેદના નથી, આક્રોશ ભભૂકે છે : રિવાઝોં સે, સમાજોં સે ક્યોં તૂ કાટે મુઝે? ક્યું બાંટે મુઝે ઈસ તરહ? ક્યૂં સચ કા સબક શીખાયે, જબ સચ સુન ભી ન પાયે? સચ કોઈ બોલે તો તૂ નિયમ કાનૂન બતાયે?

વેલ, એરોગન્સ વર્સીસ ફ્રેગરન્સની વાત કરતી શેઇપ ઓફ વૉટર ફિલ્મમાં ટેન્ડર લવ મોમેન્ટ્સથી કનેક્ટ થયેલુ યુગલ અને એના સહયાત્રીઓ ય ગાયા વિના વર્તે છે : સાડ્ડા હક્ક, ઈથ્થે રખ્ખ! પાણી એક અનેક અર્થ પ્રગટાવતું પ્રતીક છે.

ભીનાશ હંમેશા પાણીથી આવે, ને એમાં જ કુમાશ ને લીલાશની શાંતિપૂરક હરિયાળી ખીલે. આગઝરતા સ્વભાવથી નહિ, પણ ભીના ઠંડા સ્વભાવમાં જ પ્રેમસંબંધ મહોરે. પાણી કોઈ પણ આકારમાં ભળી જાય, ગમે તે રંગ-સ્વાદ અપનાવી લે. માનવજાતે એમ અનૂકુલન અવનવા રંગો-મિજાજો-દેખાવ સાથે રાખવું પડે. પણ વાસ્તવ કેવું છે? ફિલ્મના લશ્કરી ખલનાયકના પાત્રને ય એની કારમાં ગ્રીનનો અલગ કલરટોન 'ટીલ' છે, એમ ઉપસાવીને સાવ વનડાયમેન્શનલ બનવા નથી દેવાયું.

હીરો અને વિલન બંનેની સેક્સ એક્ટમાં ય મેસેજ છે. વિલન એની પત્ની પર એવી રીતે તૂટી પડે છે, જાણે એ શિકાર હોય અને રિલેક્સ થવાના યંત્ર સિવાય એ સ્ત્રીના અસ્તિત્વને પણ દબાવી દે છે. જ્યારે હીરો પોતાની પ્રિયતમાનો દેહ વાજીંત્ર હોય એમ એને નજાકતથી સ્પર્શીને સ્લૉ મોશનમાં સમાગમનું સંગીત ઉભું કરે છે. એનો સહભાગીદાર તરીકે સમ-ભોગમાં સ્વીકાર કરે છે!

આ મેજીકલ ફેન્ટેસી સામે રિયાલિટી શું છે? ફિલ્મમાં ખલનાયક પોતાના ઉપરી લશ્કરી અધિકારીને ફ્રસ્ટ્રેટેડ એંગરમાં પૂછી લે છે : આટલા વર્ષોથી તમારા માટે હત્યા સહિતના તમામ કાળાધોળા કર્યા છે. એક વાર નિષ્ફળ ગયો તો એ સ્વીકારીને મારી નાકામિયાબી કે ભૂલ જતી કરવા જેટલી ખાનદાની (મૂળ અંગ્રેજી શબ્દ : ડિગ્નીટી) તમે ન બતાવો?''

ખંધુ હસીને સત્તાવાહી અવાજમાં ઉપરી કહે છે : ''ખાનદાની આપણી પાસે છે નહિ, એટલે તો આપણે એની ઉંચીઉંચી વાતો કરીને એ બીજાને વેચીએ છીએ!''
   
ઓસ્કાર એવોર્ડસ દરેક એવોર્ડની જેમ જ સર્વાંગ સંપૂર્ણ નથી જ હોતા. લાયકાત મુજબ જ એવોર્ડ હંમેશા એમાં મળતા નથી. એ મળે એ જ ફિલ્મો મહાન એવું તો હરગીઝ હોતું નથી. પણ સિનેમા જ નહિ માનવતાના ઉંડા દરિયામાં ડૂબકી મારનારા મરજીવાઓને મોતી મળી રહે એવી રસપ્રદ ફિલ્મો અને વાર્તાઓ જરૃર એના બેર મિનિમમ ક્વોલિટી સ્ટાન્ડર્ડમાં હોય છે!

૨૦૧૮ના ૯૦મા એકેડમી એવોર્ડસમાં આગળ લખ્યું તેમ મોટા ભાગની થીમ રિગ્રેસીવ વર્સીસ, પ્રોગ્રેસીવ, ઓથોરિટી વર્સીસ ટ્રુથ, સ્ટબર્ન વર્સીસ ફ્લેક્સીબલ, ડિસ્ક્રીમીનેશન વર્સીસ હ્યુમન, એંગર વર્સીસ લવની છે. જેના પર જુદો લેખ લખવો છે એ 'ગેટ આઉટ'માં તો થ્રિલીંગ હોરરના ફોર્મેટમાં સજ્જડ સોશ્યલ કોમેન્ટ છે. આઉટ એન્ડ આઉટ બ્લેક પીપલના એંગલથી બ્લેક રાઇટર- ડાયરેક્ટરે જ કહેલી આ ૩૦ કરોડમાં બનીને ૧૬૦૦ કરોડની કમાણી કરનાર ફિલ્મમાં નાયકને જ કેમેરામેન બતાવ્યો છે.

મતલબ મહત્ત્વ સપાટી પર બધુ સમુંસૂતરું લાગે તેવો માહોલ કે ઠાવકા સુંદર ચહેરાનું નથી. મહત્ત્વ છે આંખોનું જે આ તકલાદી બનાવટના માસ્કની આરપાર જોઈ શકે છે. અને એમાં બ્લેકહોલ જેવા સ્ક્રીન પ્લેસની વાત છે. બ્લેક હોલ તેવી જગ્યા જ્યાં સીસ્ટમ, સમાજ તમને કાળા ભોંયરામાં ઉંડે દાટી દે જ્યાંથી ફરિયાદની ગુહાર પણ મ્યુટ થઈ જાય!

'ધ ફેન્ટમ થ્રેડ'માં ૧૯૫૦ના બ્રિટનમાં આકાર લેતી અન્કન્વેન્શનલ લવ સ્ટોરી છે. બ્રિટીશ એટીકેટના ચોકઠામાં જીવનારો એક હાઇસોસાયટી સર્કલનો પ્રૌઢ વધુ પડતા પરફેક્શન અને ચોકસાઈથી જીવે છે. એક સૂટ જાણે પહેરી રાખે છે. ચોવીસે કલાક રીલેક્સ થયા વગર. એક વેઇટ્રેસના પ્રેમમાં પડે છે, એને ઘેર લઈ આવે છે. પણ પ્રેમ માટે તો ક્રેઝી થવું પડે, બાળક થવું પડે.

પોતાની પ્રતિષ્ઠા અને નિયમોનો એરટાઇટ ઢાંચો મોકળો કરવો પડે જેની ભાઈને આદત નથી. ગિન્નાયેલી પ્રેયસી એને જાણીબૂઝીને માંદો પાડે છે, જેથી એની અકડ ઘટે અને એ ખુદ સિવાય ફરજિયાત બીજા પર આધાર રાખે! પછી લાડથી એની સંભાળ રાખે, કારણ કે નાયક માંદો હોય ત્યારે જ જરા નમ્ર, ઢીલો બને છે!

'ડાર્કેસ્ટ અવર' બીજા વિશ્વયુદ્ધના બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલનું આંતરદ્વંદ્વ ને પછી અંદરથી ઉગતી મક્કમતા રજૂ કરે છે. તો 'ધ પોસ્ટ' શાસનને અણગમતું સત્ય મૂકવાની પત્રકારત્વની જેદ્દોજહત સિત્તેરના દાયકાના વિએતનામ યુદ્ધ કાળ સમયે પેશ કરે છે. બધામાં સંઘર્ષ છે ક્યારેક જાત સાથેનો પણ 'લેડી બર્ડ' ૨૦૦૨ના કેલિફોર્નિયામાં મોટી થઈ રહેલી ટીનએજર છોકરીની ઘરની જંઝીરમાંથી આઝાદ થવાની બળવાખોરીની કહાની છે. ધર્મ, નીતિ, સ્કૂલ બધું જ એની પાંખો કાપે છે એને સતત ટોકતી ખીજાતી મા એને સંબોધીને હૃદયસ્પર્શી પત્રો લખે છે, પણ લાગણી શબ્દોમાં સરખી વ્યક્ત નથી થતી એમ માની એને કચરા ટોપલીમાં નાંખે છે.

જ્યાંથી એ ઉપાડીને એનો બાપ દીકરીના સામાનમાં એ ડૂચો વાળેલો પત્ર મૂકે છે! 'કોલ મી બાય યોર નેઇમ'માં ૧૯૮૩નું ઇટાલી છે. તરૃણાવસ્થામાં પાંગરતો પહેલો પ્રેમ છે. જે અલબત્ત અહીં સજાતીય આકર્ષણરૃપે બતાવાયો છે પણ એ પૂરા થતા ભગ્નહૃદયી કિશોરને ઠપકો આપવાને બદલે સમજાવતા પરિપક્વ પિતા જે વાત કહે છે એ દરેક રોમાન્સ કે ફીલિંગ્સ માટે યુનિવર્સલ છે : 'ચીજો આપણને ત્રીસીમાં પહોંચતા તો ખર્ચી નાખે છે.

પછી આપણે કશું નવું વ્યક્ત જ કરી નથી શકતા. અંદરથી ખાલી થઈ જઈએ છીએ. દિલ અને ડિલ (દેહ) એક જ વાર મળે છે, જેને જીંદગી કહીએ છીએ. દિલ પહેલા થાકી તૂટીને ખતમ થાય છે. શરીર પછી એવી અવસ્થાએ પહોંચે છે. કાળક્રમે બૂઢાપામાંં કે કોઈ નજીક પણ ન આવે! મહત્ત્વની વાત છે કશુંક અનુભવવું, મહેસૂસ કરવું. સંબંધ બને એમાં દર્દ અને આનંદ બેઉ હશે. બે ય ને માણવાના.'

પણ આ તમામમાં બેસ્ટ ફિલ્મ લાગી : થ્રી બિલબોર્ડસ આઉટસાઇડ એબિંગ, મિઝૂરી. જેની વાર્તા ય શબ્દોમાં વર્ણવી ન શકાય. એને અલ્ટીમેટ ફિલ્મ કહેવાય! જેમાં કેમેરા, વાતાવરણ, આંખો, હાવભાવ, વસ્ત્રો બધું જ કશુંક કહેતું હોય!
   
રાઇટર- ડાયરેક્ટર માર્ટીન મેકડોનાની 'થ્રી બિલબોર્ડસ આઉટસાઇડ એબિંગ, મિઝૂરી' એકદમ કમાલની કૃતિ છે. ફની પણ છે અને સિરિયસ પણ. જાણે આપણી આસપાસ જ બને છે બધું. અસરકારક સંવાદો છે અને ગ્રંથો ભરી શકાય એવી ખામોશી પણ! એકમેકથી ચડિયાતા અભિનયની તો જાણે હરીફાઈ છે! લાઇટિંગ ટુ એડિટીંગ ધીમી બળે અને વધુ લહેજત આપે એવી આ મૌલિક ફિલ્મ ગુલઝાર જેવા અનુવાદ કરે તો હિન્દીમાં ભારતના બહોળા વર્ગ સુધી પહોંચાડવાની તાતી જરૃર છે!

મલ્ટીટ્રેકમાં વાતના તાણાવાણા ગૂંથતી ફિલ્મમાં એક ખુદ્દાર અને ખેપાની કિસમની મા છે. ઉંમર અને અનુભવે એને રૃક્ષ બનાવી દીધી છે. એની જુવાન દીકરી પર બળાત્કાર ગુજારી અને સળગાવીને મારી દેવાઈ હતી. ઘરની બહાર એ નીકળી એ પહેલાં! નોર્મલ ઘરમાં થાય એવી રકઝક- બોલાચાલી પણ થઈ હતી.

કાતિલ- રેપિસ્ટના કોઈ સગડ મહીનાઓથી મળ્યા નથી. પત્નીથી કંટાળેલો પતિ એની દીકરી જેવડી ૧૯ વર્ષની ભોળી ફૂટડી ગર્લફ્રેન્ડ સાથે અલગ રહે છે. ટીનએજર દીકરો મા જોડે છે. સીસ્ટમના રૃટિનથી અકળાયેલી મા ભેજું લડાવી ગામ તરફના રસ્તે ત્રણ જાહેરાતના પાટિયાની સ્પેસ ખરીદે છે. જ્યાં પોતાની દીકરીના બળાત્કારી - હત્યારા અંગે સવાલો ઉઠાવી એ કેસ પકડાતો નથી એવું પૂછે છે અને સ્થાનિક પોલીસ ચીફ વિલ્બીનો નામજોગ ઉધડો લે છે. મમ્મીજી કરાફાત ને કાતરજબાન છે. એને સમજાવવા આવતા પાદરી કે ડોક્ટરની ય બોલતી બંધ કરીને રાડ પડાવી દે એવા રિસ્પોન્સ આપે છે.

છતાં ય એણે જેની સામે નિશાન તાક્યું છે, એ પોલીસ ચીફ વિલ્બી સમજદાર, સંજોગોના પવનની થપાટોથી ઘડાયેલો ખરા અર્થમાં મેચ્યોર માણસ છે. મીડિયા એટેન્શન વધી રહ્યું છે. નાનકડા ગામમાં ક્રાઇમ વધી રહ્યા છે. પુલીસ ચીફ વિલ્બીના હાથ નીચે કામ કરતો પોલિસવાળો ડિક્સન તદ્દન પિત્તળભેજું છે એને ન ગમે એમ બેફામ ઝૂડી કાઢી પોતાનો હંમેશા ગુસ્સો જ ઉતારે છે. બ્લેક પીપલ માટે એને વધુ ખીજ છે. મૂળ તો ઘરડી મા સાથે એકલો રહે છે, એમાં આવો ચિડિયો થઈ ગયો છે.

ફિલ્મના તમામ પાત્રો ગ્રે શેડ્સમાં છે. સાચ- જૂઠની સરહદ જેમનામાં બ્લર થઈ ગઈ હોય એવા. મતલબ સહજ મનુષ્ય જેવા. ન દેવ, ન દાનવ. દરેક ક્યારેક સારી તો ક્યારેક ખરાબ રીતે વર્તે છે. મમ્મીજીના ગુસ્સાનું નિશાન પુલિસ ચીફ વિલ્બી મરવાની ન કહેવાય એવી ઉંમરે કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે. પ્રેમ કરતી રૃપાળી પત્ની અને ઢીંગલી જેવી બે દીકરીઓ મૂકીને દુનિયા છોડી દેવાના પ્રેશરમાં છે. ઘણાં પાત્રો છે, ઘણી ઘટનાઓ બને છે. કેરેક્ટર્સના ગ્રાફ, એમની સોચ એમનું વર્તન બદલાય છે. જેમ કે, એક સીનમાં પોતાનો એક્સ હસબન્ડ જેની સાથે રહે છે એ યુવતી સાથે ઝઘડવા ગયેલી મમ્મીજી એની નિર્દોષતા જોઈને જતું કરે છે. અંત પણ ઓપન એન્ડ છે.

પણ ફિલ્મમાં જાણે આપણને જ ઉદ્દેશીને લખાયા હોય એવા ત્રણ પાત્રો છે. (સ્પોઇલર એલર્ટ) પુલિસ ચીફ વિલ્બી કેન્સરગ્રસ્ત છે, પણ હજુ તો હરતોફરતો છે ત્યાં જ એક સવારે ખુદને ગોળી મારી આપઘાત કરે છે. હજુ આગલે દિવસે પત્ની- દિકરીઓ સાથે પિકનિક પર ગયો છે. હસતો-ખેલતો રોમાન્સ પણ કર્યો છે.

પણ એ મિલ્ડ્રેડ યાને ફરિયાદી મમ્મી, પોતાના સસ્પેન્ડેડ ગરમમિજાજ પોલિસ ઓફિસર ડિક્સન, અને વ્હાલસોયી પત્ની એને માટે ત્રણ પત્રો લખી જાય છે. મમ્મી મિલ્ડ્રેડવાળો પત્ર તો સિચ્યુએશનલી ફની છે. પણ એમાં ય એક સરસ લાઇન છે : 'મને સાચે જ દુ:ખ થાય છે કે હું અપરાધી પકડી ન શક્યો. તને લાગે છે કે મને એની કાંઈ પડી નથી. એટલે જ દુ:ખ છે કારણ કે વાસ્તવમાં મને એની પડી છે, એનો રંજ છે.'

પત્નીને લખેલો પત્ર અદ્ભુત છે. ફીલિંગ્સના ફ્લેમિંગો ઉડતા દેખાય શબ્દે શબ્દે! ફૂરસદે એની માંડીને વાત કરીશું. કરવી જ પડશે. કારણ કે, એમાં મૃત્યુ, જીવન, પરિવાર, પ્રેમના હૂંફાળા સત્યો ગૂંથી લેવાયા છે. આપઘાતને ક્યાંય પ્રોત્સાહન ન મળે એવી રીતે પત્ની સમક્ષ પ્રેમ વ્યક્ત થયો છે. સેમ્પલ : એકલા જ આવ્યા ને એકલા જ જવાના એ વાત હમ્બગ છે. હું આવ્યો ત્યારે મારી મા સાથે હતી. જાઉં છુ ત્યારે તું છો. તારા પ્રણયની સ્મૃતિ છે.

અને શિરમોર છે, પોતાના હાથ નીચેના પેલા આક્રમક એમ્પ્લોયીને લખેલો પત્ર. જેમાં કહેવાયું છે : 'જીવતજીવ તને કહી ન શક્યો એ હવે લખું છું. તારી અંદર બહેતરીન પોલીસવાળા બનવાની ક્ષમતા છે. કારણ કે તારી અંદર કોઈક ખૂણે એક સદ્ગૃહસ્થ છૂપાયેલો છે, જે અન્યાય- અપરાધથી ગુસ્સે  થાય છે. તારી પરિસ્થિતિ અને ક્રોધના કારણો હું ય જાણું છું. પણ તું કાયમ અંદર આટલી નફરત, આટલો અજંપો રાખીશ તો એ નહિ બની શકે, જે બનવાનું તારું ખ્વાબ હતું : એક કુશળ ડિટેક્ટીવ. તને ખબર છે સારા ડિટેક્ટિવ બનવા માટે શું જરૃરી છે? તને સાંભળીને નવાઈ લાગશે.

પણ સારા ડિટેક્ટીવ બનવા માટે જરૃરી છે : પ્રેમ! હા, કારણ કે પ્રેમ દ્વારા જ શાંતિ મળે છે અને શાંત ચિત્ત જ સાચો સારો વિચાર કરી શકે છે. અને ગુનો ઉકેલવા જરૃર છે વિચારની. અરે, હથિયારની પણ એટલી જરૃર નથી! અને નફરત, ધૃણાની તો જરાય નહિ. ક્રોધ- નફરતથી ક્યારેય કશું સોલ્વ નથી થતું. પણ શાંતિ, સમજણથી થાય છે. જરાક ટ્રાય કર. થોડુંક પરિવર્તન ખાતર પ્રયત્ન કર. એમ તને કોઈ કાયર નહિ કહે. તું એક સજ્જન છો, નસીબ તારા પક્ષમાં નથી રહ્યું પણ લાગે છે કે સ્થિતિ બદલાશે.'

પ્રેમ, ક્ષમા, શાંતિ, સમજણ, ચિંતનની કેવી સિમ્પલ લોજીકલ વકીલાત! જાણે ગાંધી અને મહાવીરે લખ્યું હોય! લોકો જ્યારે નાની નાની વાતમાં એકબીજા માટે પૂર્વગ્રહ રાખે છે. માફ કરવાને બદલે અબોલા લઈ લે છે કે સંપર્ક ઘટાડી નાખે છે. ધર્મ- કોમના નામે તરત જ ઉશ્કેરાઈને શબ્દ કે શસ્ત્રથી બીજાને ઉતારી પાડતી હિંસામાં સ્વમાન અને ગૌરવ શોધે છે.

જરાક અલગને સ્વીકારતા જ નથી અને કાયમ સ્વાર્થની રેસમાં જ ધક્કામુક્કી કરતા રહેેે છે, ત્યારે જજમેન્ટલ થયા વિના, ભૂલ કબૂલીને પોતાના વિકારોને શુદ્ધ કરવાની વાત આ ફિલ્મ ઉપદેશ વિના કરે છે. નોર્મલી, દારૃ- સિગારેટ, કિસ બધું દર્શાવતા એકબીજાને સહન કરવાના બોધથી સમસ્યા ઉતાવળા આકરા રિએક્શનને બદલે શાંતિ અને પ્રેમથી ઉકેલવાની હિમાયત કરે છે!

કોણ કહે છે કે સિનેમા સમાજને બગાડે છે? કે પશ્ચિમી સંસ્કૃતિના ્પ્રભાવમાં આપણને સંસ્કારો નહીં મળે? (શીર્ષક : જયંત પાઠક)

ફાસ્ટ ફોરવર્ડ

'જીંદગી એટલે આપણા સપનાઓનો કાટમાળ!' (શેઇપ ઓફ વોટર)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

More Stories:-


Post Your Comment