સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા


સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

સોળ પછીની સાંજ, સાઠ પછીની સવાર....


દેખેં કરીબ સે ભી તો અચ્છા દિખાઈ દે, ઈક આદમી તો શહર મેં ઐસા દિખાઈ દે! (ઝફર ગોરખપુરી)

ફિટ રહીને કેવળ ભજન-ધૂન-ધ્યાનમાં ભગવાનને બોર ન કરો. તમારી આસપાસ રચો એક મનગમતું મેઘધનુષ! તમારી ઉપસ્થિતિ કંટાળાનું નહિ, કલાનું વાતાવરણ રચે એવા શોખીન બનો

કદાચ હું કાલે નહીં હોઉં
કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે,
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે.

સુરેશ જોશીની એક કવિતાનો આ ઉઘાડ યાદ આવી જાય એવી અશાંત સ્થિતિને પણ શાંત નજરે નીરખતી કૃતિ એટલે થોડા સમય પહેલા આવેલી વરૃણ ધવનની ફિલ્મ ઓકટોબર. ઓકટોબર સૂમસામ શિવાલયમાં જળાધારીમાંથી હળવેકથી ટપકીને બિલકુલ અવાજ વિના રેલાઇ જતાં પાણીના ટીપાં જેવી એક ફિલ્મ હતી. જાણે કોઇ પંખી પ્રભાતે ટહુક્યું અને સંધ્યાટાણે એક હળવુંફૂલ પીંછું હવામાં સરકતું મૂકીને ઊડી ગયું હોય એવી!

આવતીકાલે જે નથી હોતા એવા દરેક જીવનમાં કોઇ અધૂરપ, કોઇ ખાલીપા, કોઇ વસવસા, કોઇ અફસોસ, કોઇ વ્યથા, કોઇ વેદનાનું આંસુ થીજેલું જડે જ છે. ન પૂરા થયેલા ઓરતાં છીપમાંના મોતીની જેમ થીજી જાય છે એમાં. કોઇ જીંદગી જાય ત્યારે કેવળ દેહ નથી જતો. જાય છે અપાર શક્યતાઓ. એ શરીર જેટલું યુવાન, એટલું એ મોતી તેજસ્વી અને પાણીદાર! એટલું પ્રાણ છૂટી ગયા બાદ ધરતી પર છૂટી ગયેલા સપનાનું વજન વધારે. કેટલું થઇ શકત, શું શું બની શકત એવો વિચાર કોઇ જ્યાં દિલની ધડકન અટકે ત્યારે સહજ વિચાર આવતો હોય છે. ફુલ ખીલે પછી ખરે, પણ કળીઓ જ ડાળીએથી  તૂટે ત્યારે?

ગુલમહોરની લાલ પાંદડીઓથી લદાયેલી ભૂખરી ફુટપાથની યાત્રા કરાવતી 'ઓકટોબર' એર લવસ્ટોરી છે, અને નથી. એમાં ક્યાંય પ્રેમનું ગીત નથી, મીઠું ચુંબન નથી, લવ નોટ્સનું ગુંજન નથી. ઈનફેક્ટ, ક્લીઅરલી ડિફાઇન્ડ લવ જ નથી! રિલિઝ થયાના આટલા સમયે જોવાને લાયક ભાવકોએ જોઇ જ લીધી હોય એવું માનીને એના પ્લોટ પોઇન્ટ્સની વાત છેડી શકાય.

એ કહાણીમાં ક્યારેક બગીચો દેખાય જરૃર પણ બાકી હોસ્પિટલ દેખાય છે. છતાં ય  સ્પર્શે છે. એના મેટાફોર જેવા પારિજાતના પુષ્પોની સુગંધ એમાં છે. માંડ ત્રણેક મહિના જ જે વૃક્ષમાં ફુલ આવે, એ પારિજાતના પુષ્પો ઝાકળભીની વરસાદી સવારે ઊઠીને જુઓ તો 'ફ્લાવર શાવર'ની અનુભૂતિ થાય. એની ડાળીઓ નીચે કાર પાર્ક કરી હોય કે પાણીનો કેરબો મૂક્યો હોય - બધું જ પુષ્પાચ્છાદિત થઇ જાય! કેસરી દાંડલી, શ્વેત પાંદડી, સુવાસ તો  મઘમઘતી!

એક જ સમસ્યા. બહુ જલદી એ કરમાઇ જાય, એટલા નાજૂક, કોમળ હોય. આ બારમાસી ફુલો નથી. મોસમ વીતે એટલે બે-અઢી મહિનામાં જ ખીલીને ઢગલા મોઢે ખરી પડે! અને ક્યારેક અખબારી સમાચારોમાં, ક્યારેક આસપાસના વિશ્વમાં દેખાતા રોગ કે અકસ્માતથી થતા અકાળ અપમૃત્યુ ય આવા જ હોય ને!  જીવન હજુ તો આળસ મરડીને ઊભું થતું હોય, ત્યાં જ આંખો કાયમ માટે મીચાઇ જાય!

પણ સોળ પછી યાને યૌવનના પરોઢમાં જ અચાનક આવી ગયેલી સાંજ કેવી લાગે? કમોસમી માવઠાંએ બગાડી નાખી કેરીની, પલાળી નાખેલ અખબારની સ્મેલ ને ફીલ આવે ત્યારે. હજુ જીવનનો હેતુ નક્કી થાય, ત્યાં તો અંત આવી જાય! આ વિકટ સ્થિતિ પારિવારિક સ્વજનો માટે ય જીરવવી કઠિન હોય છે. પણ માણસનું મર્કટ મન પરિસ્થિતિ સાથે ઝટ અનુકૂલન સાધી લેવાના વરદાન સાથે જન્મે છે. યુવા સંતાનને ગુમાવી બેઠેલા માતા-પિતા એનાં વસ્ત્રો કે વસ્તુઓ સાચવી એમાં એનો અણસાર શોધે છે. જીવનચક્ર એવું વિરાટ, એવું અનંત છે કે એમાં આવા રોજેરોજ મૂરઝાયેલા પુષ્પોનું ખાતર બની જતું હોય છે.

પણ મૃત્યુના સતત વિસ્તરતા ગંભીર ઓછાયાની વચ્ચે ઓકટોબર ડિપ્રેસિંગ ફિલ્મ નથી. સ્લો જરૃર છે. પણ એ તો જેમણે હોસ્પિટલમાં લાંબી પ્રતીક્ષાના તપ જેવો સમય વીતાવ્યો હોય, એમને અહેસાસ જ હશે. ત્યાં ન દિવસ હોય, ન રાત! સમય જાણે થીજી જાય! એક ચોક્કસ પ્રકારની ગંધ ઘેરી વળે, દવાઓની. ડિસ્ટરીલાઇઝેશન લિક્વિડસની. રંગહીન ખામોશ દુનિયા. ઈલેક્ટ્રોનિક મશીન્સમાંથી સંભળાતા અને દેખાતા જીવનના ભણકારા અને લસરકા. અને એમાં કાળનો સાપેક્ષવાદ પ્રવેશે દર્દીના કૅરગિવર સ્વજનો માટે. મિનિટો લાંબી થતી જાય. કલાકોની ગણતરી છૂટતી જાય.

વાર ભૂલાતા જાય. ઘેર આવો, ન્હાઇ-ધોઇ ફરી ટિફિન ભરી તૈયાર થઇ પહોંચી જાવ. ઘરે પણ ઘણી વાર આવવાનું ન થાય. આસપાસની દુનિયા ફોકસ્ડ સેલ્ફીમાં ધૂંધળા થતા બેકગ્રાઉન્ડની જેમ જ ઝાંખી થતી જાય. વાર કયો ચાલે છે એ ય વીસરાઇ જાય. જાણે એક પેરેલલ યુનિવર્સ ઊભું થાય કે તમે બીજા જ કોઇ ટાઇમ ઝોનમાં જીવો છો!

આ છેલ્લું વાક્ય જૂહી ચતુર્વેદીનું છે. 'વિકી ડોનર' અને 'પિકૂ' જેવી ફિલ્મ ડિફરન્ટ સ્ટાઇલના બંગાળી ફિલ્મમેકર શૂજીત સરકાર માટે લખ્યા બાદ જેણે હોસ્પિટલ અને બીમારીના ખુદના સ્વાનુભવને ગૂંથીને 'ઓકટોબર' ફિલ્મ લખી. વાર્તા તદ્દન સિમ્પલ ને શોર્ટ છે. હોટલ મેનેજમેન્ટના ટ્રેઇની સ્ટુડન્ટમાં એક ડેન છે. જરાક લઘરો, ચીડિયો. કોઇ જવાબદારી સરખી રીતે ન ઉપાડનારો. તરંગી, બેફિકર કોમન યંગમેન. એના ગુ્રપમાં એક યુવતી શિઉલી છે. બે વચ્ચે સ્પેશ્યલ ફ્રેન્ડશિપ પણ નથી.

એક પાર્ટીમાં જસ્ટ કેઝ્યુઅલી 'ડેન ક્યાં છે?' એવું પૂછતાં શિઉલી પાળી પરથી સરકતાં અકસ્માતમાં કોમામાં સરી પડે છે. હોસ્પિટલ ભેગી થઇ જાય છે. એની સિંગલ મધર પ્રોફેસર માતા અને નાના ભાઇ-બહેન ત્યાં કાળજી માટે ખડે પગે મોજૂદ છે. પણ પેલા સવાલ (વ્હેર ઈઝ ડેન?)નું ડેને કરેલું પોતીકું અર્થઘટન અને ઘટનાનો આઘાત બે ભેગા મળી એને બદલાવે છે. એની જરૃર ન હોવા છતાં એ ફેમિલીની જેમ, કહો કે હાથવાટકો હોસ્પિટલના કામમાં બનીને ખુદની કરિઅર ભૂલીને શિઉલી પર ફોકસ કરી ત્યાં પડયોપાથર્યો રહેતો જોગી બની જાય છે!

ઈઝ ઈટ લવ? વેલ, વૉટ ઈઝ લવ? કનેકશન. બોન્ડિંગ. કોમ્યુનિકેશન. રાઇટ? તમારો કેપિટલ આઈ ઓગાળી બીજા કોઇને મહત્વ આપો, અને એ પ્રક્રિયામાં માસૂમ બની પાગલ જેવી થોડી હરકતો, ગુસ્સો બધું જ કરો (પણ નેક ઈરાદાથી કોઇને જાણીબૂઝીને હર્ટ કરવા નહિ) એ ફનાગીરી. ને પછી વન-વે ચાલતી પ્રતિસાદની અંતહીન પ્રતીક્ષા, આ પરસ્પર હોય એ તો કિસ્મત. પણ એકતરફી ઓબ્સેશનને બદલે પ્યોર ફીલિંગ હોય તો સામા પાત્રને ભૂલી જાવ, એની જાદૂઇ તાકાત સ્વયંને બદલાવી શકે છે. ખુદની તલાશ કરીને આપણી જાતના અજાણ્યા પાસાઓની આપણને ઓળખાણ કરાવી શકે છે.

જૂહી એક કેન્ડીડ ઈન્ટરવ્યૂમાં કહે છે ''લવ મીન્સ બીઇંગ ધેર. મારું લવનું એક્સપ્રેશન તમારા લવના એક્સપ્રેશન સાથે મેચ થાય એ જરૃરી નથી. અને આઝાદી, મોકળાશમાં પ્રેમની સુગંધ વધુ મહોરે છે. આ લવ કોઇને માલિકીભાવની મુઠ્ઠીમાં કેદ કરતો નથી. કે મોટા મોટા કાવ્યાત્મક, સાહિત્યિક, ફિલ્મી નિવેદનો કરતો નથી. તમે આમ નથી કરતા ને તેમ નથી વર્તતા જેવી અપેક્ષાભંગની ફરિયાદો કરતો નથી. એ બસ એક ફીલિંગ છે, કોઇ સાથે અદ્રસ્ય તાંતણે કાયમ માટે બંધાઇ જવાની (કાલ્પનિક પાત્રોના ય ચાહકો નથી હોતા?) અને શુદ્ધપણે સચ્ચાઇથી જાતને એ માટે સમર્પિત કરવાની.''

આવું કનેકશન વહેતા પાણી જેવું છે. એ ખોબો ભરનારની તરસ છિપાવે કે નહીં, એ પછીની વાત છે. પણ જે પથ્થર પાસેથી વહે છે, એને તો લિસ્સો ને ચોખ્ખો કરે જ છે. એટલે એ પ્રેમ તપસ્યા બની જાય છે, આંતરશુદ્ધિની. જૂહી સંવેદનશીલ માણસને તો ફીલ થાય એ જ વાત વર્ણવે છે ઃ આવી લાગણી માનો કે થોડા મહિના પૂરતી જ ટકે.

પણ એ ગાળામાં તમારામાં બદલાવ આવે છે, ને તમે સામા પાત્રને એનો અહેસાસ કરાવી શકો છો. અને ધારો કે સામા પાત્રને એની ખબર નથી જ પડતી. તમે એને કોઇ વ્યાખ્યામાં બાંધીને કહી નથી જ શકતા, તો ય એ જે જોડાણ રચાય છે, એ કનેકશન એટલું પાવરફુલ હોય છે કે અસ્તિત્વની બે ચેતનાઓને ભીતરમાં એવું ખોળે છે કે આપણા બે વચ્ચે કશુંક સુંદર છે. સમથિંગ બ્યુટીફુલ, લાઇક ટેન્ડર ફ્રેગરન્ટ કલરફુલ ફ્લાવર! એટલે  પ્રેમબંધન  શબ્દ ને ફુલોની ગિફ્ટ છે.

આવું કોઇ પણ સાથે થઇ શકે. એની કોઇ નિશ્ચિત મંઝિલ (જેમ કે, સહજીવન, લગ્ન, વળતો પડઘો, હગ્સ, કાર્ડસ વગેરે) હોવી જરૃરી નથી. આ એક મોસમ છે. જેમ પારિજાતની મોસમ ઓકટોબર હોય છે એમ.ડેનનું પાત્ર એક 'સારા છોકરા'નું છે. જે બધા શોધતા હોય છે. સ્વીટ ડિસન્ટ બોય. જેનો સ્પર્શ પણ શેતાની નહિ, ગુલાબી હોય. જે સેલ્ફલેસલી હેલ્પફુલ અને કેરિંગ હોય. આપણે રોજીંદી સ્વાર્થી ઘટમાળમાં અને પોતપોતાના લક્ષ્ય તરફની દોટમાં એવા ગૂંચવાયેલા હોઇએ છીએ, કે કોઇ એમ જ સારું હોય એ ગળે નથી ઉતરતું. પણ પોઝિટિવ સેલ્ફલેસ એટીટયૂડ માણસોમાં એક અકળ વાયબ્રેશન ઊભું કરે જ છે. અદેખાઓ એવા ન હોઇ એની સ્ટોરીઝ બનાવ્યા કરે છે, પોતાના માપદંડથી. પણ આવો આત્મ સાક્ષાત્કાર શક્ય છે.

ઓકટોબરમાં બીજું ઘણું ય છે. પણ આવી વાત મેચ્યોર ઈન્ટરનેશનલ સ્ટોરીટેલિંગમાં કહેતી એક કવિતાના ય વાઘા પહેર્યા વગરની ઓનેસ્ટ કૃતિ આપણી વચ્ચે છે. જે સોળ પછીની સાંજ અને ભરજુવાનીમાં આવતી બીમારી કે મૃત્યુનો  ય ઉત્સવ મનાવે છે!

* * *

સૌમ્ય જોશીએ અમદાવાદના સ્વર્ગસ્થ ગણિતજ્ઞા પ્રો. યુ.આર. રાવ (૧૦૨ વર્ષનું આયુષ્ય. એવા જ બીજા ગણિતજ્ઞા પ્ર.ચુ. વૈદ્ય પણ સેન્ચુરિયન બની જીવેલા!) પરથી પ્રેરિત થઇ મસ્ત મજાનું નાટક લખેલું '૧૦૨ નૉટ આઉટ'. જેમાં ઉંમરને અનુભવી 'ઘરડા' થઇ ગયેલા બેટાને એનો જૈફ પણ જીવનરસથી છલોછલ 'જવાન' બાપ શીખવાડે છે, કે મરવાનું એક વાર હોય એમાં જીવવાનું છોડી ન દેવાય.

આ નાટક ચાલ્યું અને ગુજરાતીયત પ્રત્યે વિશેષ ભાવ ધરાવતા દિગ્દર્શક ઉમેશ શુકલે અમિતાભ-રિશિ-જીમિત ત્રિવેદીને લઇને એની ફિલ્મ બનાવી રિલિઝ કરી, એ બે ઘટના વચ્ચે એક દેશભરમાં ચમકેલા સમાચાર પોલિટિક્સની પારાયણમાં ભૂલાઇ ગયા. અમેરિકા રહેતો એક દીકરો દોઢ વર્ષે મુંબઇ એના ઘેર આવ્યો. મા ઘરમાં એકલી જ રહેતી હતી. બેલ વગાડવાથી દરવાજો ખૂલ્યો જ નહિ, તો તોડી પાડયો. જોયું તો ચાર વર્ષ પહેલા જ પતિ ગુમાવી ચૂકેલ વૃદ્ધાનું કંકાલ, હાડપિંજર બનેલો મૃતદેહ ત્યાં હતો!

આ ઘટના મુંબઇના પોશ લોખંડવાલા એરિયાના વેલ્સકોડ ટાવરના બંધ ફ્લેટની છે. વૃદ્ધા ૬૩ વર્ષની હતી. દીકરો રીતુરાજ સાહની અમેરિકામાં સોફ્ટવેર એન્જીનીઅર હતો. એની મા સાથે ફોનમાં વાત પણ દોઢ વર્ષ પહેલા થઇ હતી ! ત્યારે માએ ડિપ્રેશનની વાત કરેલી. એને રૃટિન કચકચ માનીને છોકરાએ છણકો કરી ફોન મૂકી દીધેલો. ૬ કરોડની કિંમતના ફ્લેટમાં રહેતા એ કમનસીબ આશાદેવી સહાની પાસે ૬ મિનિટ આપે એવા સંતાનો નહોતા!

આ સત્યઘટના છે. કોઇ સિનિયર સીટિઝનની નહિ, સમાજની સંવેદનાઓની અવસાન નોંધ એમાં છે. (૧૦૨ નૉટ આઉટમાં પૌત્રનો ટ્રેક જેમને વધુ પડતો ખેંચેલો અને મેલોડ્રામેટિક લાગે છે એમની જાણ ખાતર!) ઘરડા એકલા પેરન્ટ્સ કહે કે એમને એકાકી ખાલીપો લાગે છે,

તો એ ગમે તેવા હોય, સંતાનોનો જીવ ન બળે? અરે, ઘેર વાત કરવાનું ય મન ન થાય? લેખક નીરજ બધવારે નોંધેલું કે ઉત્તરાખંડમાં પાંચેક વર્ષ પહેલા આવેલા પૂર પછી આજે ય પહાડીઓમાં અમુક ભોળા ગ્રામીણો એમના સ્વજનોના અવશેષ શોધે છે, અંતિમસંસ્કાર માટે. અને મહાનગરના બંધ દરવાજા આવા? પાડોશીઓને ય પૂછવાનું મન ન થાય? આ પ્રાઇવસી છે કે પ્રિમિટિવ કૅરલેસનેસ?

માણસને એ અહેસાસ કે દુનિયામાં કોઇ મારું નથી, મારામાં કોઇને રસ નથી, મારી વાત કોઇ સમજતું - સાંભળતું નથી - કરપીણ હતાશાથી ભાંગી જ નાખે છે. કારણ કે, આ જીવતેજીવ અનુભવેલા મોતની એકલતા અને કાળાશ છે!

પ્રેગનન્સીમાં ય બાળકને કશું ન થાય એ માટે ડોકટરની સૂચનાનું પાલન કરી અમુક પડખે સૂતી મા સાથે આ વ્યવહાર એ ક્રૂરતાની ચરમસીમા છે. પિતા પુરૃષ તરીકે વધુ વ્યક્ત ન થાય, પણ એમની કરચલીવાળી આંખો તો સતત તાકીને તલાશ કરતી જ રહે છે એના સંતાનની.

ફિલ્મ '૧૦૨ નૉટ આઉટ' ખૂબસૂરત ક્ષણો સાથે આ દર્દને હસતા હસાવતા બયાન કરે છે. એની લાજવાબ મોમેન્ટ રેડિયો પર 'જીંદગી મેરે ઘર આના'નું પિકચરાઇઝેશન છે. પણ કરૃણારસને બદલે એ આવી હવે જે વધતી જ જવાની છે એવી સિચ્યુએસનનો એન્ડીડોટ આપે છે. 'બિચારા બુઝુર્ગ'ની છાપ છોડો. બ્રેક ધેટ ઈમેજ  એન્ડ લિવ યોર લાઈફ વિથ ચટાકા એન્ડ ધમાકા.

એમ.એફ. હુસેન જેવા શતાબ્દીના આરે પહોંચીને ય એક્ટિવલી જીવતા અને જોશથી ઉછળતા રહેલા ઈન્સાનનો ગેટઅપ એમના પરીચિત અમિતાભે ધારણ કર્યો છે, એ એનર્જીને ટ્રિબ્યુટ આપવા. (જે સમજી ન શકનારાઓને વિચિત્ર કઢંગો લૂક-મેકઅપ લાગે છે) પણ ૭૬ વર્ષે ય નવી જનરેશન સાથે કનેક્ટેડ રહેતા, બાડૂમ્બા જેવા ગીતો ગાતા, ટ્વીટ કરતા, લેપટોપમાં બ્લોગ લખતા અને ખુદની શારીરિક તકલીફોને સંતાડી જુવાન દીકરા-વહુ કરતાં ય વધુ ઉત્સાહથી જીંદગીની એક એક ક્ષણ જીતી લેતા અને શારીરિક અસ્વસ્થતા પર મનોબળની વિજયપતાકા લહેરાવતા અમિતાભથી વધારે યોગ્ય પસંદગી બીજી કઇ હોય? બ્રેવો મેકર્સ ફોર ધિસ કાસ્ટિંગ.

સાઠ પછી સંધ્યા કે પંચોતેર પછી પતી ગયા વાળી વાત ભૂલી જાવ. મેડિકલ સાયન્સ રોજ નવી આશા શોધે છે. થોડીક કાળજીથી ફિટ રહી શકાશે વ્હાલા દાદા-દાદીઓ. પણ ફિટ રહીને કેવળ ભજન-ધૂન-ધ્યાનમાં ભગવાનને બોર ન કરો. તમારી આસપાસ રચો એક મનગમતું મેઘધનુષ! તમારી ઉપસ્થિતિ કંટાળાનું નહિ, કલાનું વાતાવરણ રચે એવા શોખીન બનો. 'મૈં મરને કે સખ્ત ખિલાફ હૂં, પૂરી લાઇફમેં કભી મરા કહી નહિ' વાળી બચ્ચનલાઇન યાદ રાખો. જીવો એવું કે કહાની મર્યા પછી જીવતી રહે.

'અમારા જમાનામાં આમ હતું'ની વાતોને જબાન પરથી નહિ, મનમાંથી જાકારો દેવો જોઇએ. ભૂતકાળની નદી સુહાની જ લાગે. પણ એમાં ડૂબકી મારવાની હોય, ડૂબી જવાનું ન હોય! કડવા અનુભવો જ વાળોગ્યા કરશો તો જીંદગી જેલ ને જીવતર ઝેર થઇ જશે. મીઠાશને મહોબ્બતથી યાદ કરો. એટલે ફિલ્મમાં એક જ વાર ઘેઘૂર થતા ઓરિજીનલ વોઇસમાં બચ્ચનનો ડાયલોગ મૂક્યો છે ''ઔલાદ અગર નાલાયક નીકલે, તો ઉસે ભૂલ જાના ચાહિયે, સિર્ફ ઉસકા બચપન યાદ રખના ચાહિયે.

બચપન! આ લેયર્ડ વાત છે. મૂળ મેસેજ છે, સુખી થવાને માટે જાતી જિંદગીએ જખ્મોની યાદી ખોલીને રોજ બેસો નહિ. જે કંઇ સારું બન્યું એને વાગાળો. ને સેલિબ્રેશનના મૂડમાં રહો. એજ ઈઝ વૉટ યુ ફીલ ફ્રોમ વિધિન. ફોર્માલિટી ને પ્રોટોકલ બૂઢાપાના બ્રાન્ડ એમ્બેસેડર છે. ફગાવી દો એને ઝિંદાદિલીથી. પિપરમિન્ટ્સના રંગોમાં સરકી પડો. બાળકો ને બૂઝર્ગોને  શરારતનું લાયસન્સ હોય છે.

જે મળે, હાથમાં આવે એને લાંબી લાંબી ફોન પર પણ વાતો કર્યા કરવાનું. આડીઅવળી જૂની ઓળખાણો કાઢી નવી પેઢીને બાયોડેટા સંભળાવ્યા કરવાનું વળગણ એ જ બૂઢાપો છે. લિવ ઈટ. સભાનપણે બ્રેક મારો. અને જવાંદિલો, તમે ય ચસચસાવીને જીવન જીવવા માટે યાદો બનાવો, યારો. મેઇક યોર મોર મેમરીઝ. શરીર ચાલે ને ગજવું ચાલે એટલું ફરી લો, ખાઇ લો, માણી લો તબિયત ને ઉંમર સાથ આપે ત્યાં સુધી. પછી માનો કે ઘરમાં-ખાટલામાં જ રહેવાનું આવ્યું તો એની સ્વપ્નીલ સફર ટેકો કરશે ટાઇમપાસ કરવામાં. યુ વિલ હેવ મોર ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ ટુ ટેલ. યંગસ્ટર્સને રસ પડશે તમારામાં!

મધર્સ ડેએ ફાધર્સ થૂ્ર માતાના પાલવની છાંયડી કરતી ફિલ્મ '૧૦૨ નૉટ આઉટ' આ ખુદ્દારી શીખવાડશે. રૃપિયા-પ્રોપર્ટી ખુદ પાસે રાખી એમાંથી એન્જોય કરવા અને કરાવવાની. પાંસઠ પછીના પરોઢે એટલું જ વિચારવાનું, લાઈફના લંચબોક્સમાં કોઈ સ્વાદ બાકી તો નથી રહ્યોને? જે વાનગી ખાવ નહિ, એ સડી જવાની. આખિરકાર, જિંદગી એટલે ફ્રીમાં મળેલી બધી એપ્સને ડાઉનલોડ કરીને ટેસડાને અપલોડ કરવાનો ચાન્સ! ટાગોર કહેતા : પતંગિયું મહિનાઓમાં નહિ, ક્ષણોમાં આયુષ્ય ભોગવે છે, ને  એના  માટે એ સમય પૂરતો છે!

ફાસ્ટ ફોરવર્ડ

એકાદ હાથ પકડી લેજો ઢળતી સાંજે
જિંદગી ને જકડી લેજો ઢળતી સાંજે
પછી તો બધીય અદૃશ્ય થઈ જવાની
લાગણીઓને અડકી લેજો ઢળતી સાંજે
ત્યાં કોઈ એક બીજાને મળવાનું નથી
વ્હાલ બધુંય ખડકી લેજો ઢળતી સાંજે
ક્યાં કદીય કોઈ અહીંથી કંઈ લઇ ગયું છે
સઘળું ઝાટકે ઝટકી લેજો ઢળતી સાંજે
બધાનું ક્યાં સુરજ જેવું,આથમી ઉગી શકે
ઉગવાની તક ઝડપી લેજો ઢળતી સાંજે
(નિરુપમ નાણાવટી)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

More Stories:-


Post Your Comment