સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા


સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

ડોગ બાઈટથી વિશ્વમાં વર્ષે ૬૦ હજાર લોકોનાં મોત થાય છે!


મિઝોરમ સરકારે એક અહેવાલમાં કહ્યું કે એક વર્ષમાં રાજ્યના ૩૩૯૭ લોકોને કૂતરા કરડયા હતા. આ સમસ્યા માત્ર મિઝોરમની નથી, આખા ભારતની છે...

જર્નલિઝમના વિદ્યાર્થીઓને સમાચારની સમજ આપવા માટે એક ઉદાહરણ અપાતું રહે છે : કૂતરું માણસને કરડે એ સમાચાર નથી, પણ જો માણસ કૂતરાને કરડે તો એ સમાચાર છે! સમાચારની પરખ આપવા માટે અપાતું આ ઉદાહરણમાં હવે ફેરફાર કરવો પડે એવી સ્થિતિ આવી છે! કૂતરા માણસને કરડે એ ભલે પહેલી નજરે સમાચાર નથી, પરંતુ કૂતરા માણસને કરડે, સતત કરડે અને કરડી કરડીને મોત નોતરે એ હવે વિશ્વભરમાં સમાચાર બને છે, ભારતમાં પણ બને છે.

જાણીને કદાચ આશ્વર્ય પણ થાય, પરંતુ હકીકત એ છે કે કૂતરાના કરડવાથી વિશ્વમાં જેટલાં મૃત્યુુ થાય છે એટલા આતંકવાદી હુમલાઓથી પણ નથી થતાં! આતંકવાદીઓ બેશક ખતરનાક છે, પરંતુ ખતરામાં કૂતરાઓને પણ તેનાથી જરાય ઓછા આંકી શકાય તેમ નથી, એ વાતની સાબિતી આંકડાઓ આપે છે.

છેક હમણાં સુધી એક પણ દેશમાં કૂતરાના કરડવાથી થતાં મૃત્યુની ગણતરી કરવામાં આવતી ન હતી. કૂતરું કરડે પછી હડકવાથી બચવા માટે રસી આપવાનું એકાદ સદીથી શરૃ થયું છે, પણ હડકવા ઉપડે પછી કેટલા લોકોના મોત થાય છે તેનો આંકડો ૨૦મી સદીના અંતિમ દશકા સુધી મેળવાતો ન હતો.

ગ્લોબલ એલાયન્સ ફોર રેબીઝ કન્ટ્રોલના અહેવાલ પ્રમાણે દુનિયાભરમાં વર્ષે ૧ કરોડ લોકોને કૂતરા કરડે છે અને એમાંથી ૫૫-૬૦ હજાર લોકોના હડકવાથી મૃત્યુ થાય છે. કૂતરું કરડે પછી ઘણી વખત દર્દી માટે બહુ વિચિત્ર સ્થિતિ સર્જાતી હોય છે. સારવારમાં જે રસી અપાય છે એની આડઅસર પણ થતી હોય છે અને એ કારણે સખત તાવ શરૃ થાય. તાવમાં પટકાયેલા દર્દીનું મૃત્યુ થાય છે. ઘણાં કિસ્સામાં તો મૃત્યુ માટે કૂતરાને નહીં, પણ તાવને કારણભૂત ગણી લેવાય છે!

ઓસ્ટ્રેલિયામાં એક વર્ષમાં ૬૦૦૦ જેટલાં લોકો ડોગબાઈટની સારવાર મેળવે છે. અમેરિકામાં વર્ષે લગભગ ૪૫ લાખ લોકોને કૂતરા કરડે છે. બ્રિટનમાં ડોગબાઈટની ૩૦ લાખ ફરિયાદ ઉઠે છે. અમેરિકા-યુરોપમાં કુતરું કરડે એને 'સમાચાર' ગણવાની ગંભીરતા થોડી વહેલી આવી ગઈ હતી એટલે ત્યાં ડોગબાઈટના વિવિધ સ્ટડી થાય છે, એ પ્રમાણે ૧૯૯૦ના દશકામાં ડોગબાઈટ પછીનો મૃત્યુદર ૧૭ ટકા હતો. એક દશકામાં એ વધીને ૨૬ થઈ ગયો હતો. વિકાસશીલ કે ગરીબ દેશોમાં રખડતા કૂતરાની સમસ્યા ગંભીર છે એટલે ખતરો પણ તેનાથી જ છે, જ્યારે વિકસિત દેશોમાં પાલતુ ડોગ કરડે એવા કિસ્સા ભયજનક રીતે વધવા લાગ્યા છે.

અમેરિકામાં જ થયેલા એક ખાનગી એજન્સીના સર્વેક્ષણમાં ચોંકાવનારું તારણ નીકળ્યું હતું કે ૭૭ ટકા લોકોને પોતાના કે મિત્રોના પાલતુ કૂતરાઓ જ કરડે છે. અજાણ્યા કૂતરાથી જેટલો ડર નથી હોતો એટલો ડર એવા કૂતરાથી હોય છે જેને સતત મળતા હોય કે જેની સાથે સમય પસાર કરતા હોય!

વેલ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં કેટલા લોકોને કૂતરા કરડે છે અને એના કારણે કેટલા લોકોના મોત થાય છે તેનો અહેવાલ સરકાર જાહેર કરે છે.

પણ હજુ ઘણાં ખરા દેશોમાં કૂતરાને એટલા ગંભીરતાથી લેવામાં આવતા નથી, ભારતમાં પણ નહી! ભારતમાં અલગ અલગ નગરપાલિકાઓ કે રાજ્ય સરકાર દ્વારા અહેવાલો તૈયાર થાય છે, પણ આખા દેશમાં એવું કોઈ સંકલન નથી કે આત્મહત્યા કે માર્ગ અકસ્માત કે સર્પદંશના મૃત્યુઆંકની જેમ ડોગબાઈટથી થતાં મૃત્યુનો આંકડો મળી શકે.ઈનફેક્ટ સરકાર અપમૃત્યુના જે આંકડાંઓ એકઠા કરે છે એમાં એવી અલગ કેટેગરીમાં જ નથી, પણ હડકવાથી ગયા વર્ષે ૮૧૧ લોકોનાં મોત થયા હતા એવું નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના અહેવાલમાં કહેવાયું હતું.

પરંતુ ગ્લોબલ એલાયન્સ ફોર રેબીઝ કન્ટ્રોલનું માનીએ તો ભારતમાં વર્ષે ૨૦ હજાર લોકો ડોગબાઈટથી મૃત્યુ પામે છે. આ એજન્સીના કહેવા પ્રમાણે ભારતમાં ૩ કરોડ રખડતા કૂતરાઓ છે.આખા વિશ્વમાં ૫૫-૬૦ હજાર લોકો કૂતરું કરવાથી મૃત્યુ પામે છે એમાં એકલા ભારતના ૨૦ હજાર કમભાગી લોકોનો પણ સમાવેશ થાય છે. આ આંકડો આતંકવાદીઓના હુમલાના મૃત્યુ આંક કરતા ઘણો વધારે છે.

સીરિયામાં કે અફઘાનિસ્તાનમાં જ્યાં આતંકવાદીઓ યુદ્ધ કરે છે એેને બાદ કરીએ અને માત્ર આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીએ તો વિવિધ હુમલાઓમાં વર્ષે ૧૦-૧૨ હજાર લોકોનો જીવ જાય છે. ભારતમાં ય વર્ષે ૩૦૦ નાગરિકો આતંકવાદીઓનો ભોગ બને છે. એ સામે ડોગબાઈટથી વર્ષે ૨૦ હજાર એટલે મહિને ૧૬૬૬ લોકો મૃત્યુ પામે છે. દેશમાં દરરોજ સરેરાશ ૫૫ લોકોનાં મોત ડોગબાઈટ પછી થતાં હડકવાથી થાય છે.

ભારતના દરેક નાના-મોટા શહેરોની વિકરાળ સમસ્યાઓ પૈકીની એક એટલે રખડતા કૂતરાઓની કનડગત. બાઈક-સાઈકલમાં કૂતરું આડું ઉતરે અને અકસ્માત થાય એમાં ઈજા પામતા કે મૃત્યુ પામતા કમભાગી લોકોના સમાચારો તો હવે એટલા રૃટિન થઈ ચૂક્યા છે કે વાંચકોના ધ્યાનમાં ય નથી ચડતાં! પણ સમસ્યા કેટલી ગંભીર છે એ જાણવા માટે કેટલાક અહેવાલોને ટાંકી શકાય તેમ છે. હમણાં મિઝોરમ સરકારે અહેવાલ રજૂ કર્યો, જેમાં કહ્યું કે ૧૧ લાખની વસતિમાંથી ૨૦૧૭માં ૩૩૯૭ લોકોને કૂતરા કરડયા હતાં.

અગાઉ વર્ષ પહેલાં મુંબઈની લોકલ બોડીએ અહેવાલ આપ્યો હતો એ પ્રમાણે ૨૬-૧૧ના આતંકી હુમલામાં જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા એનાથી વધુ ડોગબાઈટના કારણે મોતના મુખમાં ધકેલાયા હતા. મુંબઈમાં ૧૯૯૪થી લઈને ૨૦૧૫ દરમિયાન ૧૩ લાખ લોકોને કૂતરા કરડયા હતા અને એમાંના ૪૩૪ લોકોના હડકવાથી મોત થયા હતા. એ જ રીતે કેરળ સરકારે કહ્યું હતું એ પ્રમાણે રાજ્યમાં ૨૩ હજાર લોકોને કૂતરાએ બટકું ભર્યું હતું. કાશ્મીરમાં ૨૦૦૮થી ૨૦૧૨ દરમિયાન ૫૦ હજાર લોકોએ કૂતરા કરડયાની ફરિયાદ કરી હતી.

હ્મુમન સોસાયટી ઈન્ટરનેશનલના પ્રમુખ એન્ડ્રુ રોવાનને ટાંકીને એક અહેવાલમાં કહેવાયું હતું કે ભારતમાં દર ૧૦૦ વ્યક્તિએ સરેરાશ ૭-૮ કૂતરા છે. લેટિન અમેરિકાના કેટલાક વિસ્તારોમાં સરેરાશ ૧૦૦ લોકોએ ૫૦ ડોગ છે, એ પછી માણસ દીઠ કૂતરાની સરેરાશમાં ભારતનો ક્રમ છે.

કૂતરાઓની આ સંખ્યાની સમસ્યા લોકલ બોડીથી લઈને સંસદ સુધી બધે ચર્ચાય છે, પણ પરિણામ ક્યારેય મળ્યું નથી. એક વખત તો એક આખી કમિટી બનાવવામાં આવી હતી, જેનો વિષય હતો - રખડતા કૂતરાઓને કેમ નિયંત્રણમાં લેવા? પણ પછી નાગરિકોના કમનસીબે ડોગ મેનેજમેન્ટ માત્ર કાગળ પર જ રહી ગયું!

એમ તો આખા ભારતમાં કૂતરાના ખસીકરણનો પ્રોજેક્ટ દાયકાઓથી ચાલે છે. એક ખસીકરણ પાછળ અંદાજે એકાદ હજાર રૃપિયા ખર્ચાય છે, છતાં અસરકારક પરિણામ મેળવવામાં તંત્રને સરિયામ નિષ્ફળતા મળી છે. એક તરફ કૂતરાને કાબુમાં લેવામાં નિષ્ફળતા મળે છે, તો બીજી તરફ કૂતરું કરડી જાય પછી નાગરિકોને જે સારવાર મળવી જોઈએ એ ય પૂરતી મળતી નથી. આપણે કૂતરાઓને અંડરએસ્ટિમેટ કરીએ છીએ અને કૂતરા આપણને કરડે છે. તંત્ર આપણને અંડરએસ્ટિમેટ કરે છે, કારણ કે આપણે થોડા એમને કંઈ કરડવા જવાના છીએ!

કૂતરું કોને નિશાન બનાવે છે?

સામાન્ય રીતે અજાણ્યા માણસને કૂતરું કરડવાની શક્યતા વધારે હોવાની એક સામાન્ય માન્યતા છે. કોઈ ચોક્કસ વિસ્તારના કૂતરાને અજાણ્યા માણસની ગંધ આવે તો એ વધુ સાવધ થઈ જાય છે અને તેની પાછળ પડે છે. પણ ઘણી વખત એક જ વિસ્તારમાંથી સતત નીકળતા લોકોની પાછળ પણ ક્યારેક કૂતરું પડે છે! એ પાછળનું કારણ સંશોધકોએ શોધી કાઢ્યું છે. એ કારણ છે - ડર.

લીવરપૂલ યુનિવર્સિટીમાં થયેલું એક સંશોધન બીએમજે જર્નલમાં પ્રસિદ્ધ થયું હતું, એમાં કૂતરું કરડયું હોય એવા વિવિધ ૬૯૪ કિસ્સાનો અભ્યાસ કરીને અહેવાલ આપવામાં આવ્યો હતો તે પ્રમાણે કૂતરાને જોઈને નર્વસ થઈ જનારાને ડોગ બાઈટની શક્યતા વધારે છે. કૂતરું સામે થાય કે પાછળ પડે ત્યારે થોડી વાર રોકાઈ જઈને તેનો સામનો કરવાની તૈયારી બતાવનારા ઉપર કૂતરાના હુમલાની શક્યતા ઓછી છે. અચ્છા, સામાન્ય રીતે એવું મનાય છે કે મહિલાઓ ડોગબાઈટની નિશાન વધુ બને છે, પરંતુ વિવિધ સ્ટડીએ શોધી કાઢ્યું છે અને આંકડાઓ પણ કહે છે એમ મહિલાઓ કરતા પુરુષોને ડોગ બાઈટનું જોખમ વધુ છે.

હડકવાને અટકાવતી રસી ક્યારે શોધાઈ?

લુઈસ પેસ્ટર અને એમિલ રૌક્ષ નામના બે ફ્રેન્ચ વિજ્ઞાાનીઓએ ૧૮૮૫માં શોધી કાઢ્યું કે હડકવાના કારણે પણ માણસનું મૃત્યુ થઈ શકે છે. એક નવ વર્ષના છોકરાને હડકાયું કૂતરું કરડયું હતું, તેના ઉપર પ્રથમ વખત ૧૮૮૫માં હડકવા અટકાવતી રસીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રારંભમાં જોઈએ એવી સફળતા મળી ન હતી, વળી સંશોધકોએ હડકવા અટકાવતી રસી માટે સંશોધનનો એટલો ઉમળકો પણ બતાવ્યો ન હતો. તેમાં ધીમે ધીમે સુધારા વધારા થતાં હતા. ૧૯૦૮માં હડકવા અટકાવતી રસીમાં મહત્વનો ફેરફાર થયો હતો અને તેને અસરકારક બનાવાઈ હતી.

ફિલિપાઈન્સની સિલિમાન યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં ૧૯૭૯માં વિવિધ પ્રયોગોને અંતે આધુનિક અસરકારક રસી વિકસાવાઈ હતી. હવે વર્ષે કરોડો લોકોને આ રસી આપવામાં આવે છે અને વર્ષે લગભગ અઢી લાખ લોકોનો જીવ બચાવવામાં આ રસી કારણભૂત બને છે. પરંતુ હજુ ય તેની આડઅસરના કારણે ઘણી વખત શરીરમાં તાવ સહિતની અન્ય માંદગીઓ આવી જાય છે. એ તેની મોટી મર્યાદા ગણાય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

More Stories:-


Post Your Comment