રોમ માસ્ટર્સમાં યોકોવિચનો વિજયી પ્રારંભ : વાવરિન્કા બહાર ફેંકાયો


રોમ માસ્ટર્સમાં યોકોવિચનો વિજયી પ્રારંભ : વાવરિન્કા બહાર ફેંકાયો

- યોકોવિચનો યુક્રેનના ડોલ્ગોપોલોવે ૬-૧, ૬-૩થી વિજય : ગાસ્કેટ આઉટ

- ડેવિડ ગોફિને આર્જેન્ટીના લિઓનાર્ડો માયેરને હરાવ્યો


રોમ, તા.15 મે, 2018, મંગળવાર

મેડ્રીડ બાદ ઈટાલીના રોમમાં શરૃ થયેલી ક્લે કોર્ટ પરની માસ્ટર્સ સિરિઝ ટુર્નામેન્ટમાં સર્બિયાના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચે વિજયી પ્રારંભ કરતાં ૬-૧, ૬-૩થી યુક્રેનના ડોલ્ગોપોલોવ સામે વિજય મેળવ્યો હતો. જોકે ક્લે કોર્ટ સિઝનમાં પ્રથમ ટુર્નામેન્ટ રમી રહેલા સ્વિત્ઝર્લેન્ડના ટેનિસ સ્ટાર વાવરિન્કાને પ્રથમ રાઉન્ડમાં અમેરિકાના સ્ટીવ જોહન્સન સામે સીધા સેટોમાં ૬-૪, ૬-૪થી પરાજયનો સામનો કરવો પડયો હતો.

રોમ માસ્ટર્સને ઈટાલીયન ઓપન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં ટોપ સીડ નડાલ તેમજ સેકન્ડ સીડ અને મેડ્રીડ ઓપન ચેમ્પિયન જર્મનીના એલેકઝાન્ડર ઝ્વેરેવને ફર્સ્ટ રાઉન્ડમાં બાય મળી છે. ઝ્વેરેવ બીજા રાઉન્ડમાં તેની પ્રથમ મેચમાં ઈટાલીના બેરેટ્ટીનીનો સામનો કરશે. જેણે અમેરિકાના આશાસ્પદ યુવા ખેલાડી ટીએફોને ૬-૩, ૭-૬ (૭-૧)થી પરાજય આપ્યો હતો.

બ્રિટનના ટોચના ખેલાડી કાયલ એડમંડે ટયુનિશીયાના માઈકલ જાઝીરી સામે ૬-૩, ૩-૬, ૬-૩થી વિજયી પ્રારંભ કર્યો હતો. હવે તેની ટક્કર ફ્રાન્સના લુકાસ પાઉલી સામે થશે, જેણે ઈટાલીના એન્ડ્રે સેપ્પીના પડકારનો ૬-૨, ૩-૬, ૭-૬ (૭-૩)થી અંત આણ્યો હતો.

નવમો સીડ ધરાવતા ડેવિડ ગોફિને આર્જેન્ટીના લિઓનાર્ડો માયેર સામે ૬-૧, ૬-૨થી જીત મેળવી હતી. જ્યારે પાંચમો સીડ ધરાવતા ડેલ પોટ્રોને પ્રથમ રાઉન્ડમાં ક્રોએશિયાના કોરિક કે પછી ગ્રીસના સિત્સિપાસ સામે રમવાનું આવશે. ફ્રાન્સના બેનોટ પાયરેએ તેના જ દેશના રિચાર્ડ ગાસ્કેટને ૬-૪, ૬-૪થી હરાવ્યો હતો. અમેરિકાના જેક સોકે ફ્રાન્સના વેટરન ખેલાડી ડેવિડ ફેરરને પ્રથમ રાઉન્ડમાં ૬-૩, ૬-૪થી  પરાજય આપ્યો હતો.

જાપાનના નિશિકોરીએ ફ્રાન્સના ફેલિસીનો લોપેઝ સામેની ૭-૬ (૭-૫), ૬-૪થી મેળવેલી જીત સાથે ત્રીજો સીડ ધરાવતા ડિમિટ્રોવ સામેનો મુકાબલો નિશ્ચિત કર્યો હતો. ઈટાલીના ફાબિયો ફોગ્નીનીએ ૬-૩,૬-૧થી ફ્રાન્સના જોયલ મોન્ફિલ્સ સામે જીત મેળવી હતી. હવે તે ઓસ્ટ્રીયાના થિએમ સામે ટકરાશે.

More Stories:-


Post Your Comment