શશાંક મનોહર ICCના ચેરમેન તરીકે બીજી ટર્મ માટે બિનહરિફ ચૂંટાયા


શશાંક મનોહર ICCના ચેરમેન તરીકે બીજી ટર્મ માટે બિનહરિફ ચૂંટાયા

- મનોહરના કાર્યકાળમાં 'બીગ થ્રી'નું આર્થિક તેમજ વહિવટ પ્રભુત્વ ઘટયું

- મનોહરે ૨૦૧૭માં આઠ મહિનાના કાર્યકાળ બાદ રાજીનામું આપ્યું હતુ, જેને આઇસીસીએ સ્વીકાર્યું નહતુ


દુબઈ, તા.15 મે, 2018, મંગળવાર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન તરીકે ભારતના શશાંક મનોહર બીજી ટર્મ માટે બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. શશાંક મનોહરને વર્ષ ૨૦૧૬માં આઇસીસીના સૌપ્રથમ ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના કાર્યકાળમાં આઇસીસીમાં ધરખમ પરિવર્તન આવ્યા છે. તેમણે જ રેવન્યુ શેરિંગ અને વહિવટમાં 'બીગ થ્રી' તરીકે ઓળખાતા ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડના પ્રભુત્વને ખતમ કર્યું હતુ. નોંધપાત્ર એ પણ છે કે, આઇસીસીના ચેરમેન તરીકેની નિયુક્તિ બાદના આઠ જ મહિનામાં શશાંક મનોહરે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જોકે તેમને ચાલુ રહેવા માટે સમજાવી લેવામાં આવ્યા હતા.

મનોહરના કાર્યકાળમાં જ વધુ ટીમોને સ્પર્ધા કરવાની તક મળી હતી. આ ઉપરાંત બોર્ડમાં ટોચના ક્રિકેટ બોર્ડની સાથે સાથે અન્ય બોર્ડની સત્તામાં વધારો પણ થયો હતો. મનોહરે ફરી વખત આઇસીસીના ચેરમેન તરીકેની પોતાની બિનહરિફ નિયુક્તિ માટે આઇસીસી બોર્ડનો આભાર માન્યો હતો અને કહ્યું હતુ કે, આપણે સાથે મળીને છેલ્લા બે વર્ષમાં ઘણા મોટા પડકારોનો સામનો કર્યો છે. મેં ૨૦૧૬માં જ્યારે ચેરમેન તરીકેની કામગીરી શરૃ કરી ત્યારે સ્પોર્ટસને જે પ્રોમિસ કર્યા હતા, તે પુરા કરવાની દિશામાં આગળ કામ કરવા માટે હું તૈયાર છું.

આઇસીસીના ચેરમેન તરીકેની બીજી ટર્મ અંગે મનોહરે કહ્યું કે, આગામી બે વર્ષમાં અમે એવી વ્યુહરચના લોન્ચ કરવા તરફ ધ્યાન આપીશું કે જેનાથી અમારા સભ્યોમાં ક્રિકેટનો વિકાસ થાય અને દુનિયા ક્રિકેટની રમતને માણી શકે. ક્રિકેટની હાલત હાલમાં ઘણી સારી છે, પણ આપણે ક્રિકેટના સંરક્ષકો છીએ, જેથી આપણે સખત મહેનત કરતાં રહેવી જરુરી છે. નવા ચેરમેનની ચૂંટણી માટે આઇસીસીના ડાયરેક્ટર્સે વર્તમાન કે ભૂતપૂર્વ આઇસીસી ડાયરેક્ટર્સમાંથી કોઈની પસંદગી કરવાની હતી. બે સભ્યો ભેગા મળીને એક સભ્યને નોમિનેટ કરી શકે. જોકે આ પોસ્ટ માટે એકમાત્ર નોમિની તરીકે મનોહરનું નામ બધાએ સુચવ્યું હતુ.

More Stories:-


Post Your Comment