આદિવાસી તરીકે ખોટા સર્ટિફિકેટ મારફત લાભ લેનારાને જેલ-દંડ થશે


આદિવાસી તરીકે ખોટા સર્ટિફિકેટ મારફત લાભ લેનારાને જેલ-દંડ થશે

-તમામ સર્ટિફિકેટની ચકાસણી થશે, ખોટા પુરવાર થશે તો નોકરીમાંથી બરતરફી, સ્કૂલ-કૉલેજ પ્રવેશ રદ


સુરત, તા.12 ફેબ્રુઆરી 2018,સોમવાર

આદિવાસીના ખોટા સર્ટીફીકેટ પર સરકારી નોકરી કે અન્ય લાભ મેળવનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે સરકાર આયોજન કરી રહી છે.

ખોટા સર્ટીફીકેટનો લાભ લેનાર સામે જેલ અને દંડની જોગવાઈ ઉપરાંત જેલ પણ થાય તેવો કાયદો ઘડાશે. અનામત બેઠક પર ચુંટણી લડનારાઓના સર્ટીફીકેટ ખોટા હોય તો તેમની લાયકાત રદ્દ કરવાની કામગીરી માટેનો કાયદો આગામી ગુજરાત વિધાનસભાના સત્રમાં થવા જઈ રહ્યો છે.

આદિવાસી, દલીત અને બક્ષીપંચ સમાજના બંધારણીય અધિકારીઓ માટે ગુજરાત સરકાર ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહી છે એમ  સુરતમાં ગુજરાતના વનમંત્રી  ગણપત વસાવાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. થોડા સમય પહેલાં કેટલાક લોકોએ ખોટા સર્ટીફીકેટ સાથે સરકારી લાભ લીધો છે તેવી ફરિયાદ બાદ ગુજરાત સરકાર અનામતના રક્ષણ માટે મક્કમ બની છે.

વનમંત્રીએ જણાવ્યું કે,  આગામી સત્રમાં દરખાસ્ત રજુ કરવામાં આવશે તેમાં ખોટા સર્ટીફીકેટના આધારે સરકારી નોકરી મેળવ્યાનું સાબિત થશે એટલે તેને બરતરફ કરીને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થશે. તેમજ અન્ય લાભો મળશે નહી.

એવી જ રીતે ખોટા સર્ટીફીકેટના આધારે શૈક્ષણિક પ્રવેશ મેળળ્યો હશે તો તે પ્રવેશ રદ્દ કરવા ઉપરાંત મળેલી શિષ્યવૃત્તિ પણ પરત લઇ લેવાશે.

ગુજરાતમાં તમામ સ્તરે યોજાનારી ચુંટણીમાં અનામત બેઠક પર ચુંટણી લડનારા ઉમેદવારે ખોટા સર્ટીફીકેટનો ઉપયોગ કર્યો હશે તેની લાયકાત રદ્દ કરાશે. તેમજ  જે કાંઈ લાભ લીધા હશે તે પાછા ખેંચી જેલની સજાની કાર્યવાહી પણ કરાશે.

ખોટા સર્ટીફીકેટનો ઉપયોગ કરનાર અને બનાવનાર સાથે મદદગારી કરનારા સામે પણ કડક કાર્યવાહી થશે. ભુતકાળમાં  થયેલી અનામતના બોગસ સર્ટિફિકેટ અંગેની ફરિયાદને પગલે તમામ સર્ટીફીકેટની ચકાસણી કરાશે.  અને નવા સર્ટીફીકેટની ચકાસણી માટે કમિટિ બનાવાશે.

More Stories:-


Post Your Comment