તાપી નદીના આ તટ પર ભગવાન શિવ ગુપ્ત રીતે નિવાસ કરતા હતા


તાપી નદીના આ તટ પર ભગવાન શિવ ગુપ્ત રીતે નિવાસ કરતા હતા

- શિવરાત્રી નિમિત્તે જાણો સુરતના એક મંદિર સાથે વણાયેલી પૌરાણિક ગાથા


સુરત, તા.13. ફેબ્રુઆરી 2018 મંગળવાર

મહા શિવરાત્રી એટલે શિવજીને પ્રસન્ન કરવાનો ઉત્તમ અવસર. સુરત વૈદિકકાળનું પણ સાક્ષી રહ્યુ છે. અહીં કર્ણ, ભગવાન કૃષ્ણ, પાંડવો, ભગવાન રામ વગેરેના પગલા પડયા હોવાના શાસ્ત્રોમાં કંઇ ન કંઇ ઉલ્લેખ છે.

આજે શિવરાત્રી છે તો સવાલ થાય કે શું ભગવાન શંકર પણ ક્યારેય આ સુરતમાં આવ્યા હતા ? તો તાપી પુરાણ અને  સ્કંદ પુરાણનાં આધારે જવાબ આપવાનો હોય તો હા છે. શંકર આવ્યા એટલુ જ નહી ગંગાજી પણ આવ્યા હતા અને તેમણે તાપીમાં સ્નાન પણ કર્યુ હતું. પણ રહ્યા હતા ગુપ્ત રીતે.

અશ્વનિ કુમાર ફુલપાડા વિસ્તારમાં પાંચ પાંડવ ઓવારા પર આવેલુ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક છે. તાપીપુરાણની કથા અનુસાર બ્રહ્માજીને પાંચ મુખ હતા. એકવખત વેદનો ઉચ્ચાર કરતી વખતે પાંચ મુખેથી નીકળેલા સ્વરથી દેવો ભયભીત થયા અને શંકર ભઘવાનને શરણે ગયા. શંકરે ત્રિશુળથી બ્રહ્માનું મુખ છેદી નાખ્યુ અને એ સાથે ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો.

એ પછી બ્રહ્મહત્યાના પાપ નિવારવા માટે શિવજી અનેક તિર્થો પર ફર્યા બાદ ગંગા કિનારે પહોંચ્યા તો ગંગાજી દેખાયા નહી. શિવજીએ અંતરધ્યાનથી જોયુ તો ગંગાજી તાપી નદીમાં સ્નાન કરતા હતાં. શિવજીના પૂછવાથી ગંગાજીએ કહ્યું કે મારા પવિત્ર જળમાં સંસારના સર્વજન સ્નાન કરે છે ત્યારે તેઓને હું નિષ્પાપ કરૃ છુ પણ હું અશાંત થઇ જાઉ છું.

એ સમયે મનની શાંતિ માટે હં સુર્યપુત્રી તાપી નદીના જળમાં સ્નાન કરવા માટે ગુપ્તેશ્વર તિર્થમાં આવુ છું. એમ કહી ગંગાજી ગુપ્ત થઇ ગયા કહેવાય છે ત્યારથી અહીં ગુપ્ત ગંગા વહે છે. ત્યારબાદ શિવજીએ પણ આ સ્થળ પર સ્નાન કર્યુ અને બ્રહ્મહત્યાનું પાપનું નિવારણ કર્યુ.

અહીં ગંગાજી ગુપ્ત થયા એટલે શંકર પણ આ ક્ષેત્રમાં ગુપ્ત રીતે રહી ગયા. આ મંદિરમાં શિવલીંગની સ્થાપ્ના દશરથ પુત્ર ભરતે કરી હોવાનું કહેવાય છે. પાંડવો પણ અહીં ગુપ્તવાસ દરમિયાન રહ્યા હતા. તેથી અહીં તેમની મુર્તીઓને ગોખમાં સ્થાપિત કરવામાં આવી છે.

અહીં સ્નાન-દર્શન કરવાથી સો યજ્ઞાનું ફળ અને દસ વખત કેદારનાથની યાત્રાનું ફળ મળતુ હોવાનું પૂજારીએ જણાવ્યુ હતું. શિવ અને ગંગાજી અહીં ગુપ્ત રીતે રહ્યા હોવાથી આ શિવગંગાગુપ્તક્ષેત્ર તરીકે ઓળખાયુ. શિવરાત્રી નિમિત્તે અહીં મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન માટે ઉમટે છે.

More Stories:-


Post Your Comment