બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તાલુકા ભાજપ પ્રમુખો સાથે મહેસૂલ મંત્રીની આજે બેઠક


બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તાલુકા ભાજપ પ્રમુખો સાથે મહેસૂલ મંત્રીની આજે બેઠક

- જમીન સંપાદન બાબતે વધતા વિરોધને ખાળવા કવાયત

- વિના વિરોધે સંપાદન થાય તેવો માહોલ બનાવવા રણનીતિ ઘડાશે : ખેડૂતોને ખાતરી આપવા સંગઠન હોદ્દેદારોને જોત


નવસારી, તા.15 મે, 2018, મંગળવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન આપવાના વધતા વિરોધને ખાળવા રાજ્યનાં મહેસુલ મંત્રીએ આવતીકાલે ગાંધીનગરમાં ભાજપનાં તાલુકા પ્રમુખોની ખાસ બેઠક બોલાવી છે. જેમાં જમીન સંપાદન સુપેરે થાય તે માટે વળતર, પુર્નવસન અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરી ચોક્કસ રણનીતિ ઘડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી અમદાવાદથી મુંબઈની બુલેટ ટ્રેન યોજનાં જાપાનના સહયોગથી રૃ. ૧.૨૫ લાખ કરોડનાં ખર્ચે કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન બાબતે ખેડૂતો તથા જમીન માલિકોમાં આશંકા અને અસમંજસની સ્થિતિ પ્રવર્તે છે. સત્તાવાર રીતે કોઈ આગળ આવીને સ્થિતિ સ્પષ્ટ કરતું નથી. ઉલટાનું ખેડૂતોની જમીનનાં ૭/૧૨ નાં ઉતારામાં સરકારશ્રી નામનો બોજાની નોંધ પાડી દેવામાં આવી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આથી ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી સાથે વિરોધ થવા લાગ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે જો જમીન સંપાદન શાંતિપૂર્ણ રીતે નહીં થાય અને ખેડૂતોનો મોટો વિરોધ ફાટી નીકળે તો આગામી વર્ષ ૨૦૧૯ માં આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં તેની અસર જરૃર પડશે.

અને વડા પ્રધાનનો આ ડ્રીમ પ્રોજેક્ટ નક્કી થયા મુજબ વર્ષ ૨૦૨૨ માં પુરો નહીં થાય એવી આશંકા વચ્ચે હવે ભાજપ દ્વારા જે-જે તાલુકામાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. તે તે તાલુકાનાં ભાજપ પ્રમુખોને આવતીકાલે બુધવારે સવારે ૧૧-૦૦ વાગ્યે ગાંધીનગર તેડવામાં આવ્યા છે. અને તેમની સાથે રાજ્યનાં મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે મીટીંગો યોજીને જમીન સંપાદન વિના વિરોધ થાય તેવો માહોલ બનાવવાની રણનીતિ ઘડશે. આ મીટીંગમાં સ્થાનિક ખેડૂતો જમીન, ઘર, માલિકોનાં પ્રશ્નોની ચર્ચા તેમને યોગ્ય વળતર અને પુર્નવસન કરવાની ખાત્રી આપવા ભાજપ સંગઠનનાં હોદ્દેદ્દાર કાર્યકરોને જોતરવાની વ્યુહરચના અપનાવાશે. આ બાબતે નામ નહીં આપવાની શરતે ભાજપનાં જવાબદાર હોદ્દેદારોએ માહિતી આપી હતી.

૮૦,૪૩૭ વૃક્ષોનું નિકંદન અને ૨૭૬૧ ઘરોને અસર થશે
અમદાવાદથી મુંબઈ વચ્ચેનું ટ્રેનનું અંતર- ૫૦૮ કિલોમીટર રહેશે. જેની વચ્ચે સ્પે. એલીવેટેડ માર્ગ બનાવવામાં આવશે. જે જમીનથી ૧૮ મીટર ઉંચાઈ પર રહેશે. તેના માટે જમીન સંપાદન કરવાની કામગીરી સરકાર માટે અઘરી થઈ રહી છે. કારણ કે ફળદ્રુપ જમીનનો ભોગ લેવામાં આવશે. ઉપરાંત બુલેટ ટ્રેનનાં માર્ગ આડે આવતા-૨૬૯૮૦ ફળ-ફળાદિનાં વૃક્ષો તેમજ ૫૩,૪૫૭ અન્ય પ્રકારનાં વૃક્ષો મળી કુલ ૮૦,૪૩૭ વૃક્ષોનું નિકંદન નીકળશે. ઉપરાંત કુલ ૨૭૬૧ ઘરોને અસર થશે. અને ૧૪૫૧ પરિવારનું સ્થળાંતર થશે. ૧૯૦૪ પાનાનાં કુલ ૬ જેટલાં ફિઝીબીલીટી રિપોર્ટમાં નમૂદ કરાયું છે. જળ-જમીન-વાયુ-પર્યાવરણ-માનવી-ધાર્મિક-સામાજિક-કુદરતી અને આર્થિક પડનારી અસરો પણ દર્શાવે છે. જ્યારે ૨૦૦૦ પાનાનાં ૫ જેટલાં ટેકનીકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

More Stories:-


Post Your Comment