સુરત: મ્યુનિ. વિસ્તારમાં ગંદકી કરનારાઓ સામે પગલા ભરવા ચાર ટીમ બનાવી


સુરત: મ્યુનિ. વિસ્તારમાં ગંદકી કરનારાઓ સામે પગલા ભરવા ચાર ટીમ બનાવી

- ગંદકી કરનારાઓને દંડ કરવાની કામગીરી શરૂ


(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 17 મે 2018 ગુરૂવાર

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત ટોપ થ્રી શહેરોમાં ન આવતાં ફરી એક વાર શહેરમાં ગંદકી ફેલાવતા ઈસમ અને સંસ્થાઓ સામે આકરી કાર્યવાહીની તૈયારી શરૂ થઈ ગઈ છે.

મ્યુનિ. વિસ્તારમાં ગંદકીનું ન્યુસન્સ દૂર કરવા માટે મ્યુનિ. તંત્રએ ચાર ટીમ બનાવી દીધી છે. આ ચાર ટીમ શહેર વિસ્તારમાં મોડી સાંજ બાદ ફરશે. જે લોકો ગંદકી કરતાં ઝડપાશે તેને તથા જે સંસ્થા ન્યુસન્સ કરે છે તેની સામે આકરી કામગીરી કરશે.

સુરત શહેરમાં દબાણ બાદની બીજી મોટી સ્સ્મસ્યા ગંદકીની છે શહેરના મુખ્ય માર્ગો પર તો સફાઈ દેખાઈ રહી છે પરંતુ કેટલાક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય હજી પણ જોવા મળી રહ્યું છે. મ્યુનિ.ની તાકીદ છતાં કેટલાક લોકો જાહેરમાં ગંદકી કરતાં હોવાથી મ્યુનિ.ની સ્વચ્છતાની ઈમેજને ફટકો પડી રહ્યો છે.  

સુરત મ્યુનિ.એ સ્વચ્છતા મીશન માટે અનેક જનજાગૃત્તિ અભિયાન કર્યા છતાં લોકોમાં હજી જોઈએ એટલી જાગૃ્રતિ આવી નથી. જેના કારણે સુરત મ્યુનિ.એ ગઈકાલ સાંજથી જ ગંદકી નાથવા માટે ચાર ટીમ બનાવી કામગીરી શરૃ કરી દીધી છે.

સેનેટરી ઈન્સ્પેક્ટર સહિતની આ ચાર ટીમ સાંજના સાત વાગ્યા પછી ગંદકીના ન્યુસન્સ માટે જાણીતા વિસ્તારમાં ચેકીંગ માટે નિકળશે. ગઈકાલે આ ટીમ નિકળી હતી તેઓએ ગંદકી બદલ લોકો પાસે ૧૭ હજારનો દંડ પણ વસુલ કર્યો હતો.

હવે રોજ સાંજે આ ટીમ ગંદકી કરનારા લોકો સાથે જે સંસ્થા ગંદકી કરે છે તેની સામે પણ કડક કાર્યવાહી કરશે. દંડનીય કાર્યવાહી સાથે સફાઈ માટે લોકોમાં જાગૃત્તિ આવે તે માટે પણ મ્યુનિ.તંત્ર કામગીરી કરશે તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

More Stories:-


Post Your Comment