સુરત: મ્યુનિ.ના પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં વિવિધ પ્રકારના ક્લાસીસ શરૂ કરાશે


સુરત: મ્યુનિ.ના પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં વિવિધ પ્રકારના ક્લાસીસ શરૂ કરાશે

- મ્યુનિ.ના ખોટ કરનારા પ્રોજેક્ટને કમાઉ કરવા માટે કવાયત શરૂ


(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 14 ફેબ્રુઆરી 2018 બુધવાર

સુરત મ્યુનિ.એ પ્રાથમિક સુવિધા ઉપરાંત લોકોની વધારાની સુવિધા માટે બનાવેલા પ્રોજેકટમાં આવક કરતાં જાવક વધી રહી છે.

મ્યુનિ.ની હાલની સ્થિતિ જોતા હવે આવા ખોટ કરનારા પ્રોજેક્ટ કમાઉ બને તે માટે કવાયત કરવામાં આવી છે. થોડા સમય પહેલાં અઠવાઝોન વિસ્તારમાં હેલ્થ ક્લ્બને પબ્લિક  પ્રાઈવેટ પાર્ટનરશીપથી ચલાવવા માટેનો નિર્ણય કરવામા આવ્યો છે.

આ ઉપરાંત હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં પણ નિભાવ ખર્ચ વધતો હોવાથી તેમાં ક્લાસીસ શરૂ કરવા માટે આયોજન થઈ રહ્યું છે. સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં એલ.પી. સવાણી રોડ પર બનેલા પરફોર્મિંગ આર્ટ સેન્ટર બનાવવામા આવ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા પરફોર્મિંગ આર્ટ સેન્ટરમા ઓપરેશન એન્ડ મેઈન્ટેન્સ માટે ૫૫ લાખની આસપાસનો ખર્ચ થઈ રહ્યો છે.

સુરતીઓની કલા રસીકોને પ્રોત્સાહનના નામે બનાવવામા આવેલો આ પ્રોજેક્ટ ઓછો ઉપયોગી અને ખર્ચાળ બની રહ્યો છે. ઓછો ઉપયોગી બનતા પરફોર્મિંગ આર્ટ સેન્ટરના નિભાવ ખર્ચમાં ઘટાડો થાય તે માટે વિવિધ પ્રકારના વર્ગ શરૂ કરવા માટે આયોજન થઈ રહ્યું છે. મ્યુનિ. તંત્રએ રાંદેર ઝોનમાં આવેલા પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં ડાન્સ, એરોબિક્સ, મ્યુઝીક, ડ્રોઈંગ સાથે  આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસીસ શરૃ કરવા માટે કવાયત થઈ રહી છે.  

આ ક્લાસીસ માટે ફોર્મ ઓન લાઈન અને ઓફ લાઈન આપવામા આવશે. મ્યુનિ. તંત્ર આવી રીતે પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં જેવી રીતે ક્લાસીસ શરૂ કરીને નિભાવ ખર્ચમાં ઘટાડો કરવા માટે કવાયત કરી રહી છે. તેવી જ રીતે મ્યુનિ. માટે બોજારૂપ બની ગયેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તથા અન્ય પ્રોજેકટમાં પણ નિભાવ ખર્ચ ઘટાડવા માટે આયોજન કરવામાં આવે તો હાલ ડચકાખાતી સ્થિતિમાં થોડો ફેર પડી શકે છે.

More Stories:-


Post Your Comment